________________
ઉપર
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪| અધ્યાય-૯ | સૂત્ર-૨૨ (૯) ઉપસ્થાપનપ્રાયશ્ચિત્ત :
ઉપસ્થાપન, પુનર્દોષણ, પુનશ્ચરણ, પુનર્વતઆરોપણ એ એકાર્ણવાચી છે.
જે સાધુને મૂલપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું હોય તે સાધુને ફરી દીક્ષા આપવામાં આવે ત્યારે તે મહાત્માને પોતાના કરાયેલા પાપ પ્રત્યે તીવ્ર જુગુપ્સા થાય છે અને અદીનભાવથી ફરી દીક્ષા ગ્રહણ કરે છે, જે ઉપસ્થાપનપ્રાયશ્ચિત્ત નામનો અભ્યતરતપ છે, જેનાથી તે મહાત્માને ઘણી નિર્જરા થાય છે. જે સાધુ મૂલપ્રાયશ્ચિત્તને પામીને મારો દીક્ષા પર્યાય ગયો ઇત્યાદિ ખેદ કરે છે, તેઓને તે પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ તો નથી; પરંતુ તેઓ જે ખેદાદિ કરે છે તેનાથી કર્મબંધની જ પ્રાપ્તિ થાય છે.
અહીં નિર્જરાના કારણભૂત અત્યંતરતપરૂપે પ્રાયશ્ચિત્તનું ગ્રહણ કરેલ છે. તેથી આ નવવિધ પ્રાયશ્ચિત્ત દેશ, કાળ, શક્તિ, સંઘયણ, સંયમવિરાધના, કાયઉત્કર્ષ, ઇન્દ્રિયઉત્કર્ષ, જાતિઉત્કર્ષ અને ગુણના ઉત્કર્ષ કૃત વિરાધનાને આશ્રયીને વિશુદ્ધિ માટે યથાયોગ્ય અપાય છે અને તે તે મહાત્માઓ દ્વારા તે તે પ્રાયશ્ચિત્તોનું આસેવન કરાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ મહાત્માને પ્રાયશ્ચિત્ત આપવું હોય ત્યારે તે પ્રાયશ્ચિત્ત માટે તે દેશ અને તે કાળ અનુકૂળ છે કે નહીં તેનું આલોચન કરવું જોઈએ. જેમ કોઈ વિપરીત દેશ હોય તે વખતે જે પ્રાયશ્ચિત્ત કરવું શક્ય ન હોય તેવા દેશમાં તે પ્રાયશ્ચિત્ત આપવું ઉચિત નથી; વળી, પ્રાયશ્ચિત્ત લેનારનું ચિત્ત પ્રાયશ્ચિત્તને અનુકૂળ પરિણામવાળું થાય તેવા કાળે જ પ્રાયશ્ચિત્ત અપાય છે. વળી, પ્રાયશ્ચિત્ત લેનારની શક્તિનું આલોચન કરીને પ્રાયશ્ચિત્ત અપાય છે. અર્થાતું ગ્રહણ કરનાર મહાત્મા આ પ્રાયશ્ચિત્તનું સમ્યગુ પાલન કરીને ભાવશુદ્ધિને પ્રાપ્ત કરી શકે તેમ છે કે નહીં તેની શક્તિનું આલોચન કરીને પ્રાયશ્ચિત્ત અપાય છે.
વળી પ્રાયશ્ચિત્ત લેનાર મહાત્માએ કેવા પ્રકારની સંયમની વિરાધના કરી છે? તેને આશ્રયીને પ્રાયશ્ચિત્ત અપાય છે. વળી કાયના ઉત્કર્ષકૃત વિરાધનાને આશ્રયીને પ્રાયશ્ચિત્ત અપાય છે અર્થાત્ પૃથ્વીકાય, અપ્લાય આદિ જે છ'કાય છે તેમાં જે કાયને આશ્રયીને ઉત્કર્ષવાળી વિરાધના હોય તેને આશ્રયીને પ્રાયશ્ચિત્ત અપાય છે. વળી ઇન્દ્રિયના ઉત્કર્ષકૃત વિરાધનાને આશ્રયીને પ્રાયશ્ચિત્ત અપાય છે. જેમ એકેન્દ્રિયની વિરાધના કરતાં બેઇન્દ્રિય, ઇન્દ્રિય આદિની વિરાધના ઉત્કર્ષવાળી છે તેને આશ્રયીને પ્રાયશ્ચિત્ત અપાય છે.
વળી જાતિના ઉત્કર્ષને આશ્રયીને પ્રાયશ્ચિત્ત અપાય છે. જેમ સામાન્ય જાતિવાળાની હિંસા થઈ હોય તેના કરતાં વિશિષ્ટ જાતિવાળાની હિંસા થઈ હોય તો તે પ્રમાણે અધિક પ્રાયશ્ચિત્ત અપાય છે. વળી સામાન્ય ગુણવાળાની વિરાધના થઈ હોય ત્યારે જે પ્રાયશ્ચિત્ત અપાય તેના કરતાં અધિક ગુણવાળાની વિરાધના થઈ હોય તો વિશેષ પ્રાયશ્ચિત્ત આવે. અધિક ગુણસંપન્નની આશાતના થઈ હોય તો તે વિરાધનામાં ગુણના ઉત્કર્ષના કારણે વિશેષ પ્રાયશ્ચિત્ત આવે છે. તે પ્રમાણે યોગ્ય પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ અર્થે મહાત્મા વડે સેવાય છે.