________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૨૨
ઉપસ્થાપનના પર્યાયવાચી બતાવે છે –
ઉપસ્થાપન પુનર્દીક્ષણ, પુનઃચ્ચારિત્ર, પુનર્વતારોપણ એ અનર્થાન્તર છે. દેશ, કાળ, શક્તિ, સંહનન અને સંયમવિરાધના તથા કાય, ઇન્દ્રિય, જાતિ, ગુણઉત્કર્ષ કૃત એવી વિરાધનાને પ્રાપ્ત કરીને વિશુદ્ધિ માટે તે આ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત યથાયોગ્ય અપાય છે અને આચરણ કરાય છે. ચિતિ=પ્રાયશ્ચિત્તમાં રહેલો ચિતિ શબ્દ, સંજ્ઞાન અને વિશુદ્ધિ અર્થમાં ધાતુ છે. તેનું ચિત્ત એ પ્રમાણે નિષ્ઠાન્ત અને ઔણાદિક થાય છે.
૧૪૮
આ રીતે આ આલોચનાદિ વડે અને કૃચ્છુ એવા તપોવિશેષ વડે જનિત અપ્રમાદવાળો સાધુ તે વ્યતિક્રમને–તે જ સંયમના ઉલ્લંઘનને, પ્રાયઃ જાણે છે અને જાણતો ફરી આચરતો નથી. તેથી પ્રાયશ્ચિત્ત છે. અથવા અપરાધ પ્રાયઃ તેનાથી=પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાથી, વિશુદ્ધ થાય છે. અને આથી પ્રાયશ્ચિત્ત છે. ।।૯/૨૨॥
ભાવાર્થ:
પ્રાયશ્ચિત્ત નામનો અત્યંતરતપ નવ ભેદવાળો છે.
(૧) આલોચનપ્રાયશ્ચિત્ત ઃ
પોતે કરેલ ક્રિયાના ગુરુ સમક્ષ સમ્યક્ નિવેદન-પ્રકાશનરૂપ આલોચનપ્રાયશ્ચિત્ત છે. જેમ સાધુ ભિક્ષાદિ લઈ આવ્યા હોય તેનું ગુરુ આગળ સમ્યક્ પ્રકાશન કરે, તે પ્રકાશનની ક્રિયા સંયમની શુદ્ધિને અનુકૂળ આલોચનપ્રાયશ્ચિત્ત નામના અત્યંતરતપરૂપ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે સાધુ નિર્દોષ ભિક્ષા લાવ્યા હોય, ત્યારે જે જે ઘરોમાંથી જે જે ભિક્ષા ગ્રહણ કરી હોય તે ભિક્ષા કઈ રીતે પૃચ્છા કરેલી ? અને કઈ રીતે શુદ્ધ છે ? તેનો નિર્ણય કરેલો તે સર્વનું યથાવત્ ગુરુ આગળ પ્રકાશન કરે. અપવાદથી કોઈક ભિક્ષા દોષિત ગ્રહણ કરેલ હોય, તો તેનું પણ યથાવત્ પ્રકાશન કરે. શુદ્ધ ભિક્ષાનું પ્રકાશન અને દોષિત ભિક્ષાનું પ્રકાશન કરતી વખતે જિનવચન અનુસાર ગુણવાનને પરતંત્ર થઈને ભિક્ષાના નિવેદનનો જે વિશુદ્ધ અધ્યવસાય તે આલોચન નામનું પ્રાયશ્ચિત્ત છે.
વળી સાધુ ૧૦૦ ડગલાંથી અધિક ક્ષેત્રમાં ગમનાદિ કરે ત્યારે કઈ વિધિથી પોતે ગયેલો ? અને ત્યાં સમિતિ આદિમાં કોઈ સ્ખલના થયેલી હોય તેનું સ્મરણ કરીને અને બહા૨નું કાર્ય પોતે કઈ રીતે કર્યું છે ? તેનું યથાવત્ ગુરુ આગળ નિવેદન કરે તે આલોચના પ્રાયશ્ચિત્ત છે.
(૨) પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત :
સાધુને કોઈક નિમિત્તને કારણે ગમન આદિમાં સહસા અસમિતિ કે અગુપ્તિનો પરિણામ થયો હોય ત્યારે તેનું મિચ્છા મિ દુક્કડં આપવાથી ફરી સમિતિ-ગુપ્તિમાં આવવાની ક્રિયા એ પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત છે. આથી જ ભાષ્યકારશ્રીએ પ્રતિક્રમણનો અર્થ કર્યો કે મિથ્યાદુષ્કૃત સંપ્રયુક્ત પ્રત્યવમર્શ. તેથી મિચ્છા મિ દુક્કડમ્ દ્વારા તેની શુદ્ધિ કરાય છે.