________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૯
૧૨૭
અદીનભાવથી સમભાવમાં યત્ન કરે છે તેઓ પ્રજ્ઞાપરિષહનો જય કરીને માર્ગથી પાત થતા પોતાના આત્માનું રક્ષણ કરે છે. પ્રજ્ઞાના કાળમાં પ્રજ્ઞાનો લેશ પણ મદ ન થાય પરંતુ પોતાની પ્રજ્ઞા પોતાના હિતાનુકૂળ સમભાવમાં જ પ્રવર્તે તેવા સ્થિર પરિણામવાળા મહાત્માઓ પ્રજ્ઞાના પરિષહને જીતીને ઘણી નિર્જરા પ્રાપ્ત કરે છે.
(૨૧) અજ્ઞાનપરિષહ :
વળી ભૂતકાળના કર્મના ઉદયથી માષતુષ આદિ જેવા કેટલાક મહાત્માઓને ગાઢ જ્ઞાનાવરણીયનો ઉદય હોય છે. પોતાની તે પ્રકારની અજ્ઞાનતાને કારણે તેઓને સતત ખેદ વર્તે તો તેઓનો અજ્ઞાનપરિષહ તેઓના સંવરભાવને મલિન કરે છે અથવા નાશ કરે છે. જે મહાત્મા માર્ગાનુસા૨ી બુદ્ધિવાળા છે તેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા હોવાથી વિચારે છે કે ભગવાને અપ્રમાદસાર ઉપદેશ આપ્યો છે. મારા ભૂતકાળમાં બંધાયેલા તેવા પ્રકારના જ્ઞાનાવરણીયના ઉદયને કારણે મારામાં અજ્ઞાન વર્તે છે, તોપણ તેમાં દીનતા કર્યા વગર તે અજ્ઞાનપરિષહને વેઠીને અપ્રમાદથી શક્તિ અનુસાર જિનવચનનું અવલંબન લઈને જ્ઞાનના સંપાદનમાં ઉચિત યત્ન કરવો જોઈએ. આવા મહાત્મા અદીનભાવથી અજ્ઞાનપરિષહને વેઠીને સંવરભાવની વૃદ્ધિ કરે છે અને અજ્ઞાનપરિષહકૃત ખેદ કર્યા વગર સ્વપરાક્રમના બળથી તે પરિષહની ઉપેક્ષા કરીને સમભાવમાં જવા ઉદ્યમ કરે છે, જે પ્રબળ નિર્જરાનું કારણ છે.
(૨૨) અદર્શનપરિષહ :
કોઈ મહાત્મા સંયમમાં અત્યંત ઉદ્યમ કરતા હોય તોપણ અતીન્દ્રિય પદાર્થો સાક્ષાત્ દેખાય નહીં. દા.ત. દેવલોક, નરકાદિ ભાવો સાક્ષાત્ દેખાય નહીં, ત્યારે તેમને વિચાર આવે કે મારી સાધનાના ફળરૂપે મને અતીન્દ્રિય ભાવો દેખાતા નથી, માટે તે હશે અથવા નહીં હોય. આ પ્રકારનો પરિણામ થાય તે અદર્શનપરિષહ છે અર્થાત્ તેવા અતીન્દ્રિય પદાર્થના અદર્શનને કારણે સાધુને વિપરીત બુદ્ધિ થઈ અથવા સંશય થયો. આવો અદર્શનપરિષહ સમ્યક્ત્વ અને ચારિત્રને મલિન કરે છે. તેથી બુદ્ધિમાન સાધુ અદર્શનપરિષહનો જય કરે=નિપુણ પ્રજ્ઞાપૂર્વક વિચારે કે જ્યાં સુધી તેવા પ્રકારના જ્ઞાનાવરણીયકર્મોનો ક્ષય નહીં થાય ત્યાં સુધી તે અતીન્દ્રિય પદાર્થો સાક્ષાત્ દેખાય નહીં. માટે સર્વજ્ઞનું વચન જે કહે છે, તે પ્રમાણભૂત છે. આમ વિચારીને પોતાની સંયમની આચરણાથી અતીન્દ્રિય ભાવોના અદર્શનમાં થતા બુદ્ધિના વ્યામોહનો પરિહાર કરે તે અદર્શન પરિષહનો જય છે.
આ પ્રકારે ધર્મના વિઘ્નના હેતુ એવા બાવીશ પરિષહોને પૂર્વમાં કહેલા પ્રયોજનનું અભિસંધાન કરીને= પોતે માર્ગમાંથી ચ્યવન ન પામે અને નિર્જરાને પ્રાપ્ત કરે એ પ્રકારનું અભિસંધાન કરીને, પરિષહથી થનારા રાગ-દ્વેષના ભાવોને દૂર કરીનેસમભાવની વૃત્તિને ધારણ કરીને=પરિષહની પ્રાપ્તિ વખતે કોઈ જાતના ભાવોમાં પરાવર્તન ન થાય, પરંતુ આત્માની મૂળપ્રકૃતિરૂપ સમભાવને ધારણ કરીને, પરિષહોને સહન કરવા જોઈએ. જેથી સાધુને સંવરનો અતિશય થાય છે.