________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૧૦
૧૨૯
યાચનાપરિષહ, સત્કારપુરસ્કારપરિષહ તથા મિથ્યાત્વના ઉદયથી થતો અદર્શનપરિષહ : આ આઠ પરિષહ સંભવતા નથી; કેમ કે સૂક્ષ્મસં૫રાયગુણસ્થાનકમાં સૂક્ષ્મલોભ સિવાય ચારિત્રમોહનીય અને દર્શનમોહનીયનો ઉદય નથી.
અગિયારમા-બારમા ગુણસ્થાનકમાં છદ્મસ્થવીતરાગને ચારિત્રમોહનીય અને દર્શનમોહનીયનો ઉદય નથી. તેથી ચારિત્રમોહનીયના ઉદયને કારણે નગ્નતાદિ ભાવો ચિત્તને સ્પર્શીને પરિષહરૂપ થતા હતા—તેનો જય ક૨વા માટે સૂક્ષ્મસં૫રાયથી પૂર્વની ભૂમિકાવાળા મહાત્માઓને યત્ન કરવો આવશ્યક રહે છે, જ્યારે સૂક્ષ્મસંપ૨ાય આદિ ગુણસ્થાનકવાળા મહાત્માઓને તે પ્રકારનો સંક્ષોભ કરે તેવો ચારિત્રમોહનીયનો ઉદય નથી. તેથી તેને જીતવા માટે યત્ન આવશ્યક નથી.
વળી મિથ્યાત્વનો ઉદય નહીં હોવાથી અદર્શનપરિષહની પણ તેઓને પ્રાપ્તિ નથી. તેથી તેને જીતવા માટે યત્ન આવશ્યક નથી. શેષ પરિષહો વેદનીયકૃત છે. તેથી વેદનીયના ઉદયને કારણે ક્ષુધા-તૃષાદિનું વેદન તેઓને સંભવ છે તોપણ તે વેદનીયજન્ય પરિષહો તેઓના ચિત્તને સંક્ષોભ કરતા નથી, તેથી તે પરિષહોનો તેઓને સહજ જય વર્તે છે.
વળી પ્રજ્ઞાપરિષહ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી છે અને અજ્ઞાનપરિષહ જ્ઞાનાવરણીયના ઉદયકૃત છે. સૂક્ષ્મસંપ૨ાય આદિ ત્રણ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ પણ ઘણો વર્તે છે અને કેવલજ્ઞાન નહીં હોવાથી કાંઈક અજ્ઞાન પણ વર્તે છે, છતાં વીતરાગને કે વીતરાગતુલ્ય એવા સૂક્ષ્મસં૫રાયવાળા જીવોને પ્રજ્ઞાનો મદ કે અજ્ઞાનમાં ખેદ થતો નથી. તેથી તે પરિષહનો જય પણ તેઓને સહજ વર્તે છે તોપણ પરિષહના કારણીભૂત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કે જ્ઞાનાવરણીયનો ઉદય વિદ્યમાન છે, માટે પરિષહ છે. જ્યારે સ્ત્રી આદિ પરિષહોમાં સ્ત્રીની સન્મુખ વિદ્યમાનતા તે પરિષહ નથી, પરંતુ સ્ત્રીને અવલંબીને ઉદયમાં વિદ્યમાન વેદનો ઉદય સંક્ષોભ કરવાનું કારણ છે. તે પરિષહનો જય સૂક્ષ્મસં૫રાયગુણસ્થાનકથી પૂર્વના મુનિઓ સ્વપરાક્રમથી કરે છે. જ્યારે સૂક્ષ્મસં૫રાયવાળા કે છદ્મસ્થવીતરાગને વેદનો ઉદય જ નથી તેથી સ્ત્રીને અવલંબીને વેદકૃત સંક્ષોભનો અભાવ છે, તેથી સ્ત્રીપરિષહની જ અપ્રાપ્તિ છે.
વળી વધ પરિષહમાં અશાતાવેદનીયનો ઉદય કારણ છે. તેથી ઘાણીમાં પિલાતા મુનિઓને વધપરિષહની પ્રાપ્તિ છે. કોઈ આક્રોશ કરનાર વિદ્યમાન હોય અને તેના આક્રોશના નિમિત્તે ચિત્તનો સંક્ષોભ થાય તે આક્રોશપરિષહ છે. તેવો આક્રોશપરિષહ સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકવાળા જીવોને નથી. માટે આક્રોશપરિષહની ગણના ચારિત્રમોહનીયના ઉદયમાં કરેલ છે. વળી નિષદ્યાપરિષહ વસતિ સ્વરૂપ નથી, પરંતુ સ્ત્રી આદિથી યુક્ત વસતિના નિમિત્તે ચારિત્રમાં સંક્ષોભ થાય તેવી અવસ્થારૂપ નિષદ્યાપરિષહ છે. સૂક્ષ્મસંપરાય આદિ ગુણસ્થાનકવાળા મહાત્માઓને સ્ત્રી આદિ યુક્ત વસતિ હોય કે સાક્ષાત્ સ્ત્રી આદિનો સ્પર્શ થતો હોય તોપણ તે પ્રકારના સંક્ષોભનો અભાવ હોવાથી તેઓને માટે નિષદ્યાપરિષહ નથી; કેમ કે નિષદ્યાથી વસતિનું ગ્રહણ નથી; પરંતુ વસતિકૃત સંક્ષોભનું ગ્રહણ છે. શય્યા શબ્દથી દેહને પ્રતિકૂળ શય્યાનું ગ્રહણ છે. તે શય્યા સૂક્ષ્મસંપ૨ાય આદિ ગુણસ્થાનકવાળા મહાત્માઓને વેદનીયકર્મના ઉદયથી સંભવે છે, માટે શય્યાપરિષહ તેઓને સ્વીકારેલ છે. II૯/૧૦ના