________________
૧૧૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-છ કરીને ઘણાં કર્મોનો નાશ કરે છે. તે વખતે તેમનામાં સમભાવને અનુકૂળ રાગનો પરિણામ અને અસમભાવ પ્રત્યે દ્વેષનો પરિણામ વર્તતો હોય છે. જેથી તે મહાત્મા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી સદ્ગતિમાં જાય છે, જે શુભાનુબંધ સ્વરૂપ છે. ક્ષપકશ્રેણિ આદિ કાળમાં જે બુદ્ધિપૂર્વક કર્મોનો નાશ કરે છે, તે નિરનુબંધ વિપાક છે અર્થાત્ સર્વથા કર્મના અભાવની પ્રાપ્તિનું કારણ હોવાથી શુભ અનુબંધવાળો વિપાક નથી પરંતુ કર્મના વિપાકના અભાવનું કારણ છે. આ રીતે બુદ્ધિપૂર્વકનો કર્મનો વિપાક શુભાનુબંધ અથવા નિરનુબંધ થઈને મુક્ત અવસ્થાનું કારણ હોવાથી ગુણરૂપ છે, તેમ ચિંતવન કરવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે અબુદ્ધિપૂર્વક જે કર્મનો વિપાક છે, તે અકામનિર્જરારૂપ છે અને અકામનિર્જરાથી પણ જીવો સમ્યક્ત પામે છે, તેમ શાસ્ત્રવચન છે. તેથી અબુદ્ધિપૂર્વકનો વિપાક અકુશલાનુબંધવાળો છે, તેમ કેમ કહી શકાય ? તેનું તાત્પર્ય આ પ્રમાણે છે –
જીવોનું જે કર્મ ઉદયમાં આવે છે, તેમાંથી ઘાતિકર્મ ગુણનો નાશ કરનારાં છે અને અઘાતી કર્મો સુખદુઃખાદિ ભાવોને કરનારાં હોવા છતાં, મોહના ઉદય પ્રત્યે કારણ પણ બને છે. તેથી અબુદ્ધિપૂર્વકના કર્મના વિપાકકાળમાં જીવને મોહનો પરિણામ જ થાય છે, મોક્ષને અનુકૂળ કોઈ પરિણામ થતો નથી; છતાં અબુદ્ધિપૂર્વક કર્મના વેદનકાળમાં જીવો પોતાની પ્રકૃતિ અનુસાર ત્રણ પ્રકારે અકુશલ કર્મો બાંધે છે : (૧) કેટલાક જીવો જે કર્મ વિપાકમાં આવે છે તેના કરતાં પણ અધિક કર્મો બાંધે છે. જેથી અશુભ કર્મોનો ભાર અધિક વધે છે. (૨) કેટલાક જીવોને અકામનિર્જરા દ્વારા જે કર્મની નિર્જરા થાય છે તેટલાં જ નવાં કર્મ બંધાય છે, તેથી કર્મનો ભાર પૂર્વના સમાન જ રહે છે. (૩) કેટલાક જીવો અકામનિર્જરાથી જે અશુભ ભાવ કરે છે તે અશુભ ભાવો અલ્પમાત્રામાં હોવાથી અલ્પકર્મ બંધાય છે અને વિપાકમાં આવેલાં ઘણાં કર્મો નાશ પામે છે. આવા જીવો કર્મના ભારથી કાંઈક હળવા બને છે ત્યારે તે કર્મોની અલ્પતા થવાને કારણે તત્ત્વ તરફનો ઊહ પ્રગટે તેવી નિર્મળતા પ્રાપ્ત થાય છે. તેથી અકામનિર્જરાથી તો તે વખતે જેવો અશુભભાવ થયેલો તેને અનુરૂપ અશુભ કર્મ જ બંધાયેલું, આમ છતાં અકામનિર્જરાથી ઘણાં અશુભ કર્મોનો નાશ અને અલ્પ અશુભ કર્મોનું આગમન થવાથી જીવને સ્વભાવથી તત્ત્વને અભિમુખ ભાવ થાય છે.
કેટલાક જીવોને અકામનિર્જરાથી થયેલી કર્મની અલ્પતાને કારણે મેઘકુમારના હાથીના જીવની જેમ દુઃખિતોમાં અત્યંત દયાનો પરિણામ થાય છે, જે મોક્ષને અનુકૂળ કાંઈક સમભાવના પરિણામ સ્વરૂપ હોવાથી કુશલમૂલવાળો વિપાક છે. કેટલાક જીવોને અકામનિર્જરાથી અલ્પ અશુભ કર્મ બંધાય છે અને ઘણાં કર્મોનો ભાર ઓછો થાય છે. તેથી સમ્યગ્દર્શનનું કારણ બને તેવો નિર્મળ ઊહ પ્રગટે છે. માટે અકામનિર્જરાને પણ સમ્યગ્દર્શનનું કારણ કહેલ છે. વસ્તુતઃ અબુદ્ધિપૂર્વક જે કર્મનો વિપાક ઉદયમાં આવે છે તે જીવને તે પ્રકારના મોહના પરિણામ કરાવીને અકુશલનું જ કારણ બને છે. માટે અબુદ્ધિપૂર્વકના વિપાકવાળી અકામનિર્જરા અકુશલ અનુબંધવાળી જ છે.
વળી મુનિઓ મારે આત્માના મૂળભૂત સ્વભાવને પ્રગટ કરવો છે તે પ્રકારની બુદ્ધિપૂર્વક બાહ્યતપમાં કે અભ્યતરતપમાં યત્ન કરે છે અને પરિષહોનો જય કરવા યત્ન કરે છે ત્યારે તે સર્વ પ્રવૃત્તિકાળમાં