________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૯
અને નિર્જરારૂપ પ્રયોજનનું અભિસંધાન કરીને, રાગદ્વેષનું નિહનન કરીને—તે તે પરિષહોમાં સંભવિત એવા રાગ-દ્વેષનું નિહનન કરીને, સહન કરવા જોઈએ.
૧૨૧
પાંચ જ કર્મપ્રકૃતિના ઉદયથી આ પરિષહો પ્રાદુર્ભાવ પામે છે. તે આ પ્રમાણે – જ્ઞાનાવરણીય, વેદનીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને અંતરાય; એ પ્રકારની પાંચ જ કર્મપ્રકૃતિના ઉદયથી આ પરિષહો થાય છે, એમ અન્વય છે. ૯/૯।।
ભાવાર્થ:
(૧) સુધાપરિષહ -
સાધુએ સંયમના કંડકોની અસ્ખલિત વૃદ્ધિના પ્રયોજનથી સંયમમાં ઉદ્યમ કરવો જોઈએ. તે ઉદ્યમમાં બાધક કર્મો પ્રયત્નનો અવરોધ કરે છે અને પ્રયત્નનો નાશ પણ કરે છે. તેથી જે સાધુ સ્વશક્તિ અનુસાર સંયમમાં ઉદ્યમ કરતા હોય તેમને ક્ષુધા-પિપાસાદિ પરિષહો પ્રાપ્ત થાય તો સંયમના કંડકોની વૃદ્ધિનો વ્યાઘાત થાય છે અને ક્યારેક સંયમથી પાત પણ થાય છે. આથી જ સાધુને છ કારણે ભિક્ષા ગ્રહણ ક૨વાની વિધિ છે. તેથી ક્ષુધાપરિષહ સંયમમાં વ્યાઘાતક જણાય ત્યારે, સાધુ ઉચિત વિધિપૂર્વક ભિક્ષા ગ્રહણ કરીને ક્ષુધાપરિષહને દૂર કરે છે તોપણ વિશેષ પ્રકારના ગુણસ્થાનકની શક્તિના સંચય અર્થે સાધુએ સ્વભૂમિકા અનુસાર ક્ષુધાનો જય કરવો જોઈએ. જેથી અમુક મર્યાદા સુધીના ક્ષુધાકાળમાં પણ સંયમના યત્નની સ્ખલના થાય નહીં. જેઓએ અત્યંત ક્ષુધાપરિષહનો જય કર્યો છે એવા મહાત્માઓ નિર્દોષ ભિક્ષા ન મળે તો પ્રાણના નાશ સુધીની ક્ષુધામાં પણ ક્ષોભ પામ્યા વગર ગુણસ્થાનકની વૃદ્ધિ કરી શકે છે. આથી જ અણસણ વખતે ક્ષુધાપરિષહની ઉપેક્ષા કરીને સંયમના કંડકોમાં શ્રુતના બળથી યત્ન કરી શકે તેવા મહાત્માઓ અંત સમયે સર્વ આહારનો ત્યાગ કરીને વિશેષ પ્રકારે ક્ષુધાપરિષહના જય દ્વારા વિશિષ્ટ નિર્જરાની પ્રાપ્તિ કરે છે.
(૨) પિપાસાપરિષહ :
વળી પિપાસાથી આર્ત થયેલ જીવ પણ સંયમમાં યત્ન કરવા અસમર્થ બને છે. જેઓ પોતાની શક્તિ અનુસાર ક્ષુધા-પિપાસાદિ સહન કરવા તત્પર નથી પરંતુ ક્ષુધા લાગે ત્યારે તેના નિવારણમાં યત્નવાળા છે અને તૃષા લાગે ત્યારે તેના નિવારણમાં યત્નવાળા છે તેઓનું ચિત્ત હંમેશાં ક્ષુધા-તૃષાના નિવારણપૂર્વક શાતાનું અર્થી છે. જેનું ચિત્ત આ રીતે શાતામાં પ્રતિબંધવાળું હોય, તે સંયમની અન્ય ક્રિયાઓ દ્વારા પણ વીતરાગભાવથી આત્માને વાસિત કરવા સમર્થ બનતા નથી. તેથી વીતરાગતાના અર્થી સાધુએ સ્વશક્તિ અનુસાર ક્ષુધા-તૃષાની ઉપેક્ષા કરીને ક્ષુધા-તૃષા પ્રત્યે દ્વેષનો ત્યાગ કરવો જોઈએ અને ક્ષુધા-તૃષા રહિત શરીરની શાતારૂપ અવસ્થા પ્રત્યે રાગનો ત્યાગ કરીને સ્વભૂમિકા અનુસાર ક્ષુધા-તૃષા પરિષહનો જય કરવો જોઈએ. વળી, જે ક્ષુધા તથા તૃષા ગુણસ્થાનકની વૃદ્ધિમાં વ્યાઘાતક હોય, તેવી ક્ષુધા-તૃષાને પ્રાસુક તથા એષણીય આહાર-પાનાદિ દ્વારા વા૨ણ ક૨વી જોઈએ.