________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૫ આદાતતિક્ષેપઃગ્રહણ અને વિક્ષેપ, આદાનનિક્ષેપણાસમિતિ છે. સ્થાવર અને જંગમ જંતુથી વજિત એવા સ્પંડિલમાં=નિર્દોષભૂમિમાં, જોઈને અને પ્રમાઈને મૂત્ર-મળ આદિનો ઉત્સર્ગ-ત્યાગ, તે ઉત્સર્ગસમિતિ છે.
‘ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ૯/પા. ભાવાર્થ :
(૧) ઈર્યાસમિતિ:
સાધુ સર્વ પ્રયોજનથી મન-વચન-કાયાને ગુપ્ત કરીને વીતરાગના વચનથી ભાવિત થવા અને વીતરાગ તુલ્ય થવા યત્ન કરે છે, તેથી હંમેશાં ત્રણ ગુપ્તિઓમાં જ વર્તતા હોય છે. ત્રણ ગુપ્તિવાળા મુનિ સંયમવૃદ્ધિનું આવશ્યક કાર્ય હોય ત્યારે જ સંયમ માટે કોઈક સ્થાનથી અન્ય સ્થાને જાય છે અને ઉપાશ્રયમાં પણ સંયમની વૃદ્ધિના પ્રયોજનથી જ ગમનાદિ ચેષ્ટા કરે છે. જો સંયમનું પ્રયોજન ન હોય તો ઉપાશ્રયમાં પણ પોતાના મૂળ સ્થાનને છોડીને અન્ય સ્થાનમાં જતા નથી; પરંતુ ગુપ્તિમાં અતિશય યત્ન દ્વારા સુખની વૃદ્ધિ અને નિર્લેપતાની વૃદ્ધિ કરે છે. વળી, સંયમના પ્રયોજન અર્થે ગમન કરતા હોય ત્યારે સંમુખ ત્રણ દિશાનું અવલોકન હોય છે. સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિમાં સન્મુખની એક દિશામાં કોઈ જંતુ છે કે નહીં અને આજુબાજુની બે દિશામાંથી કોઈ જંતુનું આગમન છે કે નહીં તેનું નિરીક્ષણ અત્યંત ઉપયુક્ત થઈને કરે છે ત્યારે સર્વ જીવો પ્રત્યે દયાળુ ચિત્તવાળા સાધુ પોતાનો દયાનો ભાવ પુષ્ટ-પુષ્ટતર થાય તે પ્રકારે જીવરક્ષા માટે અત્યંત ઉપયુક્ત થઈને ધીમી ગતિથી જવાની જે પ્રવૃત્તિ કરે છે તે ઈર્યાસમિતિ છે. ઈર્યાસમિતિ કાળમાં સાધુ અવશ્ય ગુપ્તિવાળા હોય છે, તેથી ચિત્ત બાહ્ય સર્વ પદાર્થો પ્રત્યેના સંશ્લેષ વગરનું હોય છે. સંયમની વૃદ્ધિના પ્રયોજન અર્થે દયાળુ ચિત્તનો લેશ પણ નાશ ન થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને સાધુ ગમન કરે છે તે ઈર્યાસમિતિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંવરના પરિણામરૂપ ગુપ્તિ ન હોય અને જીવરક્ષા માટે યતનાપૂર્વક સાધુ જતા હોય તોપણ ઈર્યાસમિતિ નથી અને યતનાપૂર્વક સાધુ જતા હોય છતાં સંયમવૃદ્ધિનું અવશ્ય પ્રયોજન ન હોય તોપણ ઈર્યાસમિતિ નથી. (૨) ભાષાસમિતિ:
સાધુ ત્રણ ગુપ્તિથી ગુપ્ત હોવાને કારણે વચનપ્રયોગ દ્વારા ગમે તેવા અધ્યવસાય ન થાય તેવા સંવરના પરિણામયુક્ત જ હોય છે. તેથી માત્ર બોલવાની વૃત્તિથી તેઓ બોલતા નથી; પરંતુ ભાષાના પ્રયોગથી થોડુંક પણ હિત થાય તેવું જણાય ત્યારે જ તેઓ બોલે છે, તે પણ પરિમિત શબ્દો દ્વારા જ બોલે છે. વળી, જે વચનો બોલે છે તે અસંદિગ્ધ હોય છે અર્થાત્ સાંભળનારને તેમના પ્રયોજનનો નિર્ણય ન થાય અને સંદેહ ઉત્પન્ન કરાવે તેવા શબ્દો બોલતા નથી. વળી, અનવદ્ય એવા પ્રયોજનની સાથે નિયત એવા વચનોને બોલે છે, તે ભાષાસમિતિ છે. જેના બળથી સાધુ સંયમના કંડકોની વૃદ્ધિ કરે છે અને સ્વ-પરનું હિત સાધે છે.