________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૬
૭૫
ક્ષયોપશમભાવનો ક્ષમાધર્મ હોય છે. ક્ષાયિકક્ષમાધર્મના અર્થી સાધુ જગતના કોઈ પદાર્થ સાથે સ્નેહ ધારણ કરતા નથી અને દેહ પ્રત્યે પણ મમત્વ ધારણ કરતા નથી. જે વસ્તુ પ્રત્યે મમત્વ હોય તેની વ્યાઘાતક સામગ્રી પ્રત્યે દ્વેષનો પરિણામ હોય છે, આવો દ્વેષનો પરિણામ સાધુને ક્યાંય નથી. સાધુ પોતાનામાં પ્રગટ થયેલ ક્ષમાના પરિણામને જ અતિશયિત કરવા અર્થે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, છતાં ક્ષમાનો પરિણામ ક્ષાયિકભાવરૂપ નહીં હોવાથી નિમિત્તને પામીને ક્ષમાનો વિરોધી એવો ક્રોધનો પરિણામ સાધુને પણ પ્રગટ થઈ શકે છે. તે પરિણામના રોધ અર્થે સાધુ કઈ રીતે ચિંતવન કરે તે પ્રસ્તુતમાં ભાષ્યકારશ્રીએ બતાવેલ છે. તેથી જે સાધુ જિનવચન અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરતા હોય તેઓને કોઈ નિમિત્તને પામીને અક્ષમાનો પરિણામ ઉલ્લસિત થાય નહીં, છતાં તેવા નિમિત્તને પામીને અક્ષમાનો પરિણામ થાય ત્યારે ભાષ્યકારશ્રીએ જે ક્રમથી ચિંતવન કરવાનું બતાવ્યું છે તે પ્રકારે ચિંતવન કરીને મહાત્મા પોતાના ક્ષમાપરિણામને સુસ્થિર કરે છે.
વળી ક્ષમાધર્મનો અર્થી એવો કોઈ શ્રાવક ક્રોધ થવાનાં નિમિત્તો પ્રાપ્ત થાય ત્યારે પ્રસ્તુતમાં ભાષ્યકારશ્રીએ બતાવેલ તે રીતે ભાવન કરીને ક્રોધનો નિરોધ કરે ત્યારે તેને પણ ક્ષમાધર્મની પ્રાપ્તિ થાય છે. શ્રાવક સાધુધર્મનું પરિભાવન કરે ત્યારે ક્ષમાગુણના ભાવનને કારણે ક્ષમાધર્મની પ્રાપ્તિ થાય, તોપણ જેવી ઉત્તમ ક્ષમા સાધુને હોય, તેવી શ્રાવકને સંભવે નહીં; કેમ કે શ્રાવકને દેશથી અવિરતિને કારણે જે જે ધન આદિ પ્રત્યે રાગનો પરિણામ છે, તેના નાશ પ્રત્યે દ્વેષનો પરિણામ છે. તે પરિણામ સાક્ષાત્ તેના ઉપયોગમાં પ્રવિષ્ટ પરિણામ છે. તેથી વર્તમાનમાં ક્ષમાગુણનું ભાવન કરે અને અક્ષમાના નિમિત્તમાં તેના નિરોધ માટે ભાષ્યકારશ્રીના વચનાનુસાર ભાવન કરે, ત્યારે પણ પોતાના ધન આદિ પ્રત્યેની જેટલા અંશમાં મૂર્છા છે, તેના નાશ પ્રત્યે તેટલો જ અરુચિનો અંશ પડેલો છે. સર્વ ભાવો પ્રત્યે નિર્લેપતાના બીજભૂત એવી ઉત્તમ ક્ષમા સાધુને જ પ્રગટે છે, શ્રાવકને તેનાથી હીન કક્ષાની જ ક્ષમા પ્રગટે છે; કેમ કે પ્રત્યાખ્યાનાવરણકષાયની મંદતાજન્ય ક્ષમા શ્રાવકને હોવા છતાં પ્રત્યાખ્યાનાવરણકષાયના ક્ષયોપશમજન્ય અને સંજ્વલનકષાયની મંદતાજન્ય જેટલી ક્ષમા સાધુને જ છે, તેટલી શ્રાવકને હોય નહીં. વળી, સંજ્વલનકષાયના ક્ષયજન્ય ક્ષાયિક ક્ષમા વીતરાગને જ છે, અન્યને નહીં.
વળી અવિરતસમ્યગ્દષ્ટિ પણ સાધુધર્મનું પરિભાવન કરે કે ક્રોધના નિમિત્તકાળમાં પ્રસ્તુતમાં ભાષ્યકારશ્રીએ બતાવ્યું તેમ પરિભાવન કરે, ત્યારે તે અવિરત સમ્યગ્દષ્ટિમાં જોકે ક્ષમાનો પરિણામ વર્તે છે, તોપણ સાધુ જેવો કે શ્રાવક જેવો ક્ષમાનો પરિણામ નથી; કેમ કે અવિરતિના ઉદયને કા૨ણે સાધુ ક૨તાં કે દેશવરતિધર શ્રાવક કરતાં પણ વિષયો પ્રત્યેનો અધિક રાગ છે. તેથી તેના પ્રતિપક્ષ પ્રત્યે દ્વેષનો પરિણામ છે અને ક્ષમાના ભાવનકાળમાં પણ ચિત્તમાં પ્રવિષ્ટ એવો દ્વેષનો પરિણામ છે. આથી અપ્રત્યાખ્યાનાવરણકષાયની મંદતાજન્ય ક્ષમાનો પરિણામ સમ્યગ્દષ્ટિને છે; પરંતુ અપ્રત્યાખ્યાનાવરણકષાયના ક્ષયોપશમજન્ય ક્ષમાનો પરિણામ જેવો શ્રાવકમાં છે તેવો ક્ષમાનો પરિણામ અવિરત સમ્યગ્દષ્ટિમાં નથી.
વળી મંદ મિથ્યાદૃષ્ટિ જીવ પણ સાધુધર્મનો અર્થી હોય તો વારંવાર સાધુધર્મનું પરિભાવન કરે છે અને ક્રોધના નિમિત્તની ઉપસ્થિતિ થાય ત્યારે પ્રસ્તુતમાં ભાષ્યકારશ્રીએ જે પ્રકારે ભાવનની વિધિ બતાવી