________________
૭૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૬ તે પ્રકારે ભાવન કરીને ક્ષમાગુણને ધારણ કરે તો અનંતાનુબંધીકષાયની મંદતાજન્ય ક્ષમાનો પરિણામ તેને હોય છે; પરંતુ અનંતાનુબંધીકષાયના ક્ષયોપશમજન્ય ક્ષમાનો પરિણામ જેવો અવિરત સમ્યગ્દષ્ટિમાં છે તેવો ક્ષમાનો પરિણામ મંદ મિથ્યાદ્દષ્ટિ એવા અપુનર્બંધક જીવને નથી. વળી તે અપુનર્બંધક જીવ જો શાસ્ત્રવચનાનુસાર દશ પ્રકારના યતિધર્મનું ભાવન કરે કે પ્રસ્તુતમાં ભાષ્યકારશ્રીએ કહ્યું તે પ્રકારે ક્રોધના નિમિત્તકાળમાં ક્ષમા માટે યત્ન કરે ત્યારે વિશુદ્ધિનો પ્રકર્ષ થાય તો અવિરતસમ્યગ્દષ્ટિગુણસ્થાનક આદિની પ્રાપ્તિ પણ તે કરી શકે છે અને ભાવનો પ્રકર્ષ થાય તો સર્વવિરતિના પરિણામને પણ સ્પર્શી શકે છે.
વળી કોઈ મુનિ ભાવથી છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય અને ક્રોધના નિમિત્તમાં ભાષ્યકારશ્રીએ કહ્યું તે પ્રકારે ભાવન કરીને ક્ષમામાં ઉદ્યમ ન કરે તો સર્વવિરતિમાં અતિચારની પ્રાપ્તિ થાય. જો પ્રમાદનો અતિશય થાય તો મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થાય, યાવત્ અનંત સંસારની પણ પ્રાપ્તિ થાય.
વળી અહીં ભાષ્યમાં કહ્યું કે ક્રોધના નિમિત્તની પ્રાપ્તિ થાય ત્યારે ભાવ-અભાવનું ચિંતવન કરવું જોઈએ અર્થાત્ કોઈ પોતાના માટે ક્રોધનું ઉદ્ભાવન કરે છે તે દોષો પોતાનામાં વિદ્યમાન છે કે નહીં તેનું સમ્યગ્ અવલોકન કરવું જોઈએ. જો તે દોષો વિદ્યમાન દેખાય તો પરના તે વચનથી પોતાને પોતાના દોષનું સમ્યગ્નાન થયું, તેથી પોતાના માટે તે ઉપકારી છે. તે કારણથી તેના વચનથી ક્રોધ ન કરતાં પોતાને હિતની પ્રાપ્તિ થઈ છે તેનો હર્ષ જ થાય. વળી પોતાનામાં તેવા દોષો નથી તેવો બોધ થાય તો પોતાને તે શબ્દો સાથે કોઈ પ્રયોજન નથી તે પ્રકારે વિચારીને ક્ષમા ધારણ કરવી જોઈએ.
આનાથી એ ફલિત થાય કે જેનામાં વિવેકચક્ષુ પ્રગટેલ છે તેવો જીવ દરેક નિમિત્તોને તે રીતે જ ગ્રહણ કરે છે જેનાથી પોતાનામાં ગુણની વૃદ્ધિ થાય અને પોતાની તુચ્છ પ્રકૃતિનો ૨ોધ થાય. આ રીતે વિચાર કરવાથી દરેક નિમિત્તો એકાંતે કલ્યાણનું કારણ બને છે.
વળી અહીં કહ્યું કે બાલ એવો પર સાક્ષાત્ તાડનાદિ કરે તોપણ ક્ષમા કરવી જોઈએ. જેઓ આ પ્રકારે ભાવના કરીને ક્ષમા કરવા સમર્થ છે તેવા મહાત્માઓએ ક્ષમામાં જ ઉદ્યમ કરવો જોઈએ. જેમનામાં તેવી શક્તિ નથી અથવા જે મહાત્માએ ક્ષમાભાવનો તે પ્રકારે પ્રકર્ષ કર્યો નથી તેવા મહાત્માએ તેવા પ્રકારનાં નિમિત્તોથી દૂર રહીને જ ક્રોધના પરિહાર માટે યત્ન કરવો જોઈએ. આથી જ સાધુને રાજાદિનો ભય હોય ત્યારે મહાનદીને ઓળંગીને પણ પોતાના સંયમનું રક્ષણ કરવાનું વિધાન છે. જ્યારે જે મહાત્માઓ પોતાના દેહના નાશમાં પણ પોતાના ધર્મરૂપી પ્રાણનું રક્ષણ કરી શકે છે એવા મહાત્માઓને હિંસક પ્રાણીના ભયમાં પણ વૃક્ષાદિ ઉપર ચડવાની અનુજ્ઞા નથી. પરંતુ પાદોપગમન આદિ અણસણ કરીને ધર્મના રક્ષણ માટે પ્રયત્ન કરવાની વિધિ છે.
વળી નિર્લેપ મુનિ પોતાની પર અન્ય દ્વારા કરાતા કોઈપણ પ્રકારના આક્રોશ આદિના પ્રસંગમાં ક્ષમાભાવના રક્ષણ અર્થે ભાવન કરે છે કે મેં પૂર્વભવમાં એવું કર્મ કર્યું છે, જેનું આ ફળ છે, પર તો નિમિત્તમાત્ર છે. જેમ વી૨ ભગવાને પૂર્વભવમાં શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસુ રેડાવ્યું તેના ફળરૂપે