________________
૭૧
તત્ત્વાર્થાવગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૫
આશય એ છે કે સાધુ તે જ ભાષા બોલે કે જેમાં સાવદ્યની પ્રવૃત્તિની અનુમતિ ન હોય અને સાવદ્યના પરિણામમાંથી ઊઠેલી તે ભાષા ન હોય; પરંતુ કેવલ સંયમવૃદ્ધિનું કારણ હોય અને યોગ્ય જીવોને માર્ગપ્રાપ્તિનું કારણ હોય એવા અર્થને કહેનારી ભાષા સાધુ બોલે છે તે ભાષાસમિતિ છે. (૩) એષણાસમિતિ:
સંયમની વૃદ્ધિના પ્રયોજનથી સાધુ દેહનું પાલન કરે છે, એથી સંયમની વૃદ્ધિનું પ્રયોજન ન હોય ત્યારે આહાર આદિ કોઈ વસ્તુ ગ્રહણ કરતા નથી; અને આહાર આદિ જે કાંઈ ગ્રહણ કરે છે તે અવશ્ય સંયમની વૃદ્ધિનું કારણ હોય તેવા જ ગ્રહણ કરે છે. સંયમની વૃદ્ધિ એ નિર્લેપ પરિણતિની વૃદ્ધિ સ્વરૂપ છે. તેથી સંયમના પ્રયોજન અર્થે અન્ન-પાન-રજોહરણ-પાત્ર-વસ્ત્ર વગેરે ધર્મસાધનો અને ઉપાશ્રય આદિરૂપ વસતિ ગ્રહણ કરે ત્યારે ઉદ્ગમદોષ, ઉત્પાદનાદોષ અને એષણાદોષના વર્જનપૂર્વક ગ્રહણ કરે તે એષણાસમિતિ છે. ઉદ્ગમદોષો શ્રાવકથી થાય છે, ઉત્પાદનાદોષો ઉભયથી થાય છે અને એષણા દોષો સાધુથી થાય છે. આ સર્વ દોષોનો યથાર્થ બોધ કરીને તેના વર્જન માટે સાધુ સમ્યગુ યત્ન કરે તો તે વસ્ત્ર-પાત્ર આદિ જિનવચન અનુસાર ગ્રહણ કરેલાં હોવાથી સંયમવૃદ્ધિનું કારણ બને છે. તેથી એષણા સમિતિ ગુપ્તિની સહવર્તી જ હોય છે અને ગુપ્તિની વૃદ્ધિનું જ કારણ છે. ગુપ્તિની વૃદ્ધિથી સંવરભાવની વૃદ્ધિ થાય છે, જેનાથી નિર્લેપતાની પરિણતિરૂપ સંયમના કંડકો વધે છે. (૪) આદાનનિક્ષેપસમિતિ:
વળી, સાધુ સદા ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ શાસ્ત્રોથી આત્માને ભાવિત કરે છે, જેથી પ્રયોજન ન હોય તો કોઈ વસ્તુના ગ્રહણ-નિક્ષેપ કરે નહીં, પરંતુ સંયમવૃદ્ધિના પ્રયોજન માટે અવશ્ય ઉપયોગી જણાય ત્યારે રજોહરણ, પાત્ર, વસ્ત્ર આદિનું અને પીઠ-ફલક આદિનું ગ્રહણ કરે અને મૂકે તે વખતે જીવરક્ષા માટે પ્રથમ ચક્ષુથી અત્યંત ઉપયોગપૂર્વક નિરીક્ષણ કરે, ત્યારપછી સમ્યગુ વિધિપૂર્વક પ્રમાર્જન કરે અને ત્યારપછી વસ્તુને ગ્રહણ કરે અને તે રીતે જ ચક્ષુથી નિરીક્ષણ કરીને અને પ્રમાર્જન કરીને વસ્તુને સ્થાપન કરે.
દા.ત. પ્રયોજન ન હોય ત્યારે સાધુ સ્થિરાસનમાં બેસીને સ્વાધ્યાય કરતા હોય ત્યારે પણ કોઈ કારણથી કાયાની ચેષ્ટા કરવાનું પ્રયોજન થાય ત્યારે રજોહરણ ગ્રહણ કરે તેમાં ચક્ષુથી જોયા વગર સહસા રજોહરણ ગ્રહણ કરે તો કોઈ જીવના વિનાશની સંભાવના રહે, તેથી દયાળુ ચિત્તવાળા સાધુ પ્રથમ ચક્ષુથી જ્યાંથી રજોહરણને ગ્રહણ કરવું છે તે સ્થાનને અવલોકન કરે. ત્યાં કોઈ જીવને જુએ તો યોગ્ય રીતે તેને દૂર કરે અને કોઈ જીવ જણાય નહીં, તોપણ મુહપત્તિથી રજોહરણનું પ્રમાર્જન કરે ત્યારબાદ જ રજોહરણ ગ્રહણ કરે. આ જ રીતે સંયમનાં દરેક ઉપકરણો સંયમવૃદ્ધિના પ્રયોજનથી ગ્રહણ કરવાનાં હોય કે મૂકવાનાં હોય ત્યારે સૂક્ષ્મ અવલોકન અને પ્રમાર્જન વગર ગ્રહણ કરવાં કે મૂકવાં નહીં, તે આદાન-નિક્ષેપસમિતિ છે. (૫) ઉત્સર્ગસમિતિ:
વળી સાધુને પોતાના દેહના મળાદિનું વિસર્જન કરવાનું હોય ત્યારે ઉત્સર્ગસમિતિના પાલનપૂર્વક