________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૪
ઉત્કટ લાભાંતરાયનો ઉદય હોવાને કારણે ભિક્ષા માટે પ્રતિદિન ઉચિત રીતે અટન ક૨વા છતાં ભિક્ષાની પ્રાપ્તિ થતી ન હતી અને તેમના ચારિત્રના પરિણામથી પણ તેમનો લાભાંતરાયનો ઉદય ક્ષયોપશમભાવને પામતો ન હતો. પ્રસ્તુતમાં વિવેકપૂર્વકની ભિક્ષાટનની ક્રિયાથી પણ ઢંઢણઋષિને જે લાભાંતરાયનો ક્ષયોપશમ ન થયો તે બળવાન લાભાંતરાયના ઉદયનું કાર્ય છે.
४७
વળી કોઈ મહાત્મા સૂત્રોના ગંભીર અર્થોને યથાર્થ જાણનારા હોય અને તે સૂત્રોના અર્થમાં યથાર્થ ઉપયોગ રાખીને સ્વાધ્યાયાદિ કરતા હોય કે સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ વિધિના દૃઢ પ્રણિધાનપૂર્વક કરતા હોય તો પૂર્વનું બંધાયેલું લાભાંતરાય પણ તેમના ઉપયોગના પરિણામને અનુસરનાર ક્ષયોપશમભાવને પામે છે. આથી જ લાભાંતરાયના ઉદયવાળા મુનિ પણ સંયમના અધ્યવસાયથી લાભાંતરાયનો ક્ષયોપશમ પ્રાપ્ત કરીને દુર્લભ એવી પણ નિર્દોષ ભિક્ષા સુખપૂર્વક પ્રાપ્ત કરી શકે છે.
(૩–૪) ભોગાંતરાયકર્મ અને ઉપભોગાંતરાયકર્મ :
બાહ્ય પદાર્થો ભોગની સામગ્રી છે. તેમાંથી જે એક વખત વપરાશનો વિષય બને તેને ભોગ કહેવાય છે, જ્યારે જે અનેક વખત વપરાશનો વિષય બને તેને ઉપભોગ કહેવાય છે. જેમ આહાર એક વખત વાપર્યા પછી ફરી ફરી તેનો તે જ આહાર ઉપભોગનો વિષય બનતો નથી. જ્યારે વસ્ત્રાદિ એક વખત વાપર્યા પછી ફરી ફરી ઉપભોગનો વિષય બને છે. તેથી ભોગની સામગ્રીને આશ્રયીને ભોગ અને ઉપભોગરૂપે વિભાગ પાડેલ છે. ભોગ તથા ઉપભોગમાં અંતરાય કરે તેવું કર્મ તે ભોગાંતરાય અને ઉપભોગાંતરાય છે.
જેમ કોઈ પાસે ધનાદિ હોય, ભોગ સામગ્રી વિદ્યમાન હોય છતાં પોતાના તેવા પ્રકા૨ના શરીરના સંયોગના કારણે તેને ભોગવી ન શકે તે ભોગમાં અંતરાય કરનાર ભોગાંતરાયકર્મનું કાર્ય છે. વળી પુનઃ પુનઃ ભોગનો વિષય થાય તેવી સ્ત્રી આદિ વસ્તુ ઉપલબ્ધ હોય, ભોગવવાની ઇચ્છા હોય, તે છતાં તેવા પ્રકારના શરીર આદિના સંયોગને કારણે ઉપભોગ ન કરી શકે તે ઉપભોગમાં અંતરાય કરનાર ઉપભોગાંતરાયકર્મનું કાર્ય છે. જેઓને ભોગાંતરાયકર્મ અને ઉપભોગાંતરાય કર્મનો ક્ષયોપશમ પ્રચુર છે તેવા વાસુદેવાદિ તે પ્રકારના શરીરના બળની પ્રાપ્તિને કારણે અનેક પ્રકારના ભોગ-ઉપભોગાદિ કરી શકે છે.
(૫) વીર્યંતરાયકર્મ :
કોઈપણ ક્ષેત્રમાં ઇચ્છાનુસાર વીર્ય પ્રવર્તાવવામાં બાધક કર્મ વીર્માંતરાય છે. આથી જ કોઈ સાધુ મોક્ષના અર્થી હોય, દર્શનમોહનીયનો ક્ષયોપશમ હોય તેથી તત્ત્વ યથાર્થ દેખાતું હોય અને તેના કારણે જિનવચન અનુસાર ઉચિત યત્ન કરવાથી ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે એવો સ્થિર નિર્ણય હોય, છતાં તે તે ધર્માનુષ્ઠાનમાં સમ્યગ્ વીર્ય પ્રવર્તાવવામાં બાધક એવા વીર્યંતરાયનો ઉદય હોય તો બળવાન ઇચ્છા હોવા છતાં ઉચિત અનુષ્ઠાનમાં સમ્યગ્ યત્ન કરી શકતા નથી. તેથી તે ઉચિત અનુષ્ઠાન દ્વારા બાધ પામે તેવું ચારિત્રમોહનીય કર્મ હોય તોપણ ઉચિત પ્રયત્નના અભાવને કારણે તે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતો નથી. તે રીતે સંસારના ક્ષેત્રમાં પણ જે જે ક્ષેત્રમાં જે જે કાર્યને અનુકૂળ જે જે પ્રકારના વીર્યના પ્રવર્તનની અપેક્ષા હોય તે પ્રકારે વીર્ય પ્રવર્તાવી ન શકે તે વીર્યંતરાયકર્મના ઉદયનું કાર્ય છે. II૮/૧૪