________________
પપ
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૨૨ પરિણામને કારણે જ, અનાભોગવીર્યપૂર્વક કર્મનું સંક્રમણ કરે છે. જેમ કોઈ જીવને અશાતાને અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર આદિની પ્રાપ્તિ થાય ત્યારે તે કર્મના વિપાકને તે અનુભવે છે. તે વખતે અશાતાવેદનીયકર્મના વિપાકના અનુભવને કારણે જ તેનું અનાભોગવીર્ય તે વખતે સત્તામાં રહેલ શાતાવેદનીયકર્મ જેનો અબાધાકાળ પૂરો થયો છે અને ઉદયને પામેલ છે; પરંતુ ફળ આપવા સમર્થ નથી તેવી શાતાવેદનીયકર્મની પ્રકૃતિને તિબુકસંક્રમણ દ્વારા અશાતારૂપે સંક્રમણ કરે છે. તે વખતે તે જીવનું અનાભોગવીર્ય જ તે કર્મપ્રકૃતિનું સંક્રમણ કરે છે. તેના કારણે તે પ્રકૃતિ જે પ્રકારે બંધાયેલી તેનાથી અન્યથા પ્રકારે વિપાકને પ્રાપ્ત કરે છે.
આ સંક્રમણ મૂળપ્રકૃતિથી અભિન્ન એવી સર્વ ઉત્તરપ્રકૃતિમાં થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનાવરણીય જે મૂળ પ્રકૃતિ છે તેનાથી અભિન્ન એવી મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવલજ્ઞાનાવરણીય સર્વમાં અનાભોગવીર્યથી પરસ્પર સંક્રમણ થયા કરે છે. તેથી કેટલીક પ્રકૃતિ ઉદયમાં આવે છે ત્યારે જે રીતે બંધાયેલી તે રીતે જ ઉદયમાં આવે છે અને કેટલીક પ્રવૃતિઓ જે પ્રકારે બંધાયેલી તેનાથી અન્યથારૂપે થઈને વિપાકમાં આવે છે.
દા. ત. વર્તમાનમાં જે મતિજ્ઞાનાવરણીયકર્મનો ઉદય વર્તી રહ્યો છે, એમાં મતિજ્ઞાનનું આવારક કર્મ ઉદયમાં છે. તેમાંથી કેટલાક દળિયા જે બંધ વખતે મતિજ્ઞાનાવરણરૂપે બંધાયેલા તે જ પ્રકારે મતિજ્ઞાનના આવરણરૂપે અત્યારે વિપાકમાં આવેલા છે, જ્યારે કેટલાક દળિયા પૂર્વમાં શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ આદિરૂપે બંધાયેલા અને અનાભોગવીર્યથી મતિજ્ઞાનાવરણરૂપે સંક્રમણ પામીને વર્તમાનમાં મતિજ્ઞાનાવરણરૂપે ઉદયમાં આવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વર્તમાનમાં મતિજ્ઞાનાવરણરૂપે ઉદયમાં આવતા કર્મમાંથી અમુક અંશ મતિજ્ઞાનનું આવરણ કરે છે અને અમુક અંશના ક્ષયોપશમથી મતિજ્ઞાનનો ક્ષયોપશમ થાય છે. તેમાંથી પણ કેટલાક દળિયા મતિજ્ઞાનાવરણરૂપે જ બંધાયેલા અને કેટલાક દળિયા બંધ વખતે શ્રુતજ્ઞાનાવરણ આદિરૂપે બંધાયેલા છતાં સંક્રમણ દ્વારા અન્યથારૂપે અર્થાત્ મતિજ્ઞાનાવરણરૂપે થઈને વિપાકમાં આવે છે.
મૂળપ્રકૃતિથી અભિન્ન સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં કર્મનું સંક્રમણ થાય છે, જે સંક્રમણ થયા પછી અન્યથારૂપે વિપાકમાં આવે છે. અન્ય મૂળ પ્રકૃતિમાં કર્મનું સંક્રમણ થતું નથી.
તેથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનાવરણીયની અવાંતર મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય આદિ ઉત્તરપ્રકૃતિઓ બંધનિમિત્ત અન્યજાતીય નથી, પરંતુ જ્ઞાનાવરણીયરૂપ એકજાતીય છે અને વિપાકનિમિત્ત પણ જ્ઞાનાવરણીયરૂપ એકજાતીય છે, તેથી પરસ્પર તેઓનું સંક્રમણ થાય છે. જ્યારે જ્ઞાનાવરણીય આદિ મૂળ આઠ પ્રકૃતિઓ તે પ્રકારથી અન્યજાતીય છે, જેથી બંધ નિમિત્તક પણ ભિન્ન પ્રકારનાં કાર્ય કરવાના સ્વભાવવાળી છે, માટે તેઓમાં પરસ્પર સંક્રમણ થતું નથી. આથી જ મૂળપ્રકૃતિઓનો ભેદ ઉત્તરપ્રકૃતિ કરતાં જુદો પાડેલ છે. વળી દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય પ્રકૃતિઓનું પરસ્પર સંક્રમણ થતું નથી. જોકે દર્શનમોહનીય