________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ / અધ્યાય-૮ | સૂત્ર-૧૦
વળી જેમ ભૂમિની રાજી વર્ષાની અપેક્ષાએ સંરોહણ પામે છે અને પ્રકૃષ્ટ આઠ માસની સ્થિતિવાળી હોય છે તેમ પ્રસ્તુત ક્રોધ કોઈક સામગ્રી પામીને નિવર્તન પામે તેવો હોય છે, છતાં કોઈક નિમિત્ત પામીને તે ક્રોધ અનેક વર્ષો સુધી પણ રહી શકે છે. તેથી જેના પ્રત્યે દ્વેષ થયો હોય તે દ્વેષની અભિવ્યક્તિ ઘણાં વર્ષો પછી પણ નિમિત્તને પામીને થાય છે. આમ છતાં અનુબંધવાળો ક્રોધ નહીં હોવાથી કંઈક કંઈક ક્ષીણ થાય છે. તેથી મૃત્યુ સુધી અનુસરનારો બનતો નથી અને જન્માંતરમાં પણ અનુસરનારો બનતો નથી.
રેતીમાં કાષ્ઠ-શલાકાદિથી રેખા કરવામાં આવે અને વાયુ આદિ વાય તો તે રેખા દૂર થાય છે અથવા મહિના પૂર્વે તે રેખા દૂર થાય છે. આ રીતે જેઓને કોઈક નિમિત્તે કોઈકના પ્રત્યે ગુસ્સો થયો છે તે ક્રોધ અહોરાત્ર-પક્ષ-માસ-ચાર મહિના કે વર્ષ સુધી રહે છે તે વાયુકારાજી સદશ છે, જે વિમધ્યમ ક્રોધ છે, તેમાં મરનારા જીવો મનુષ્યગતિમાં જાય છે.
મધ્યમકષાયમાં દુરનુનયનો પરિણામ છે અને વિમધ્યમમાં દુરનુનયનો પરિણામ નથી. તેથી પ્રસંગે નમ્રતા તરફ જવાનો સ્વભાવ છે. તેથી ક્રોધમાં શિથિલતા હોવાને કારણે મનુષ્યગતિનું કારણ બને છે.
જેમ પાણીમાં દંડ-શલાકા આદિથી રેખા કરવામાં આવે તો ઉત્પત્તિની સાથે જ તે રેખા દૂર થાય છે એ રીતે પૂર્વમાં કહેલાં નિમિત્તોથી કોઈ મહાત્માને ક્રોધ થાય અને વિદ્વાન એવા તે અપ્રમત્ત મહાત્માને અતિ ક્રોધના સ્વરૂપની વિચારણામાત્રથી ઉત્પત્તિ પછી તરત જ ક્રોધ દૂર થાય છે, તે ઉદકરાજી જેવો મંદભાવવાળો ક્રોધ છે. આવા ક્રોધમાં કોઈ મૃત્યુ પામે તો દેવભવમાં ઉત્પન્ન થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય પદાર્થના નિમિત્તને પામીને કોઈ મહાત્માને ક્રોધ ઉત્પન્ન થયો હોય તોપણ ક્રોધના વાસ્તવિક સ્વરૂપને તે મહાત્મા જાણે છે અને ક્રોધના નિવર્તનપૂર્વક ક્ષમામાં યત્ન કરવાના
અભિલાષવાળા છે. આમ છતાં અનાભોગાદિથી નિમિત્તને પામીને ક્રોધ થયેલો હોય ત્યારે તત્કાલ કે કાંઈક વિલંબનથી તે ક્રોધનું વાસ્તવિક સ્વરૂપ વિચારવાથી તે ક્રોધ નિવર્તન પામે તેવો છે, તે ક્રોધ મંદ પરિણામવાળો છે.
વળી કોઈ જીવને તે ક્રોધનો ઉદય જ દુષ્કતગર્લાદિમાં પ્રવર્તતો હોય ત્યારે તે ક્રોધનો ઉદય ક્ષમાદિ ભાવોને અનુકૂળ ઉચિત પરિણામવાળો હોવાથી દેવગતિનું જ કારણ છે. આથી જ મિથ્યાદૃષ્ટિ જીવ પણ મિથ્યાત્વની મંદ અવસ્થામાં દુષ્કતો પ્રત્યે ગહ, નિંદા કરે છે ત્યારે તેનો કષાય પ્રશસ્ત પરિણામવાળો હોવાથી દેવગતિની પ્રાપ્તિનું કારણ બને છે. તે કષાય જ્યારે બાહ્ય વિષયમાં પ્રવર્તતો હોય ત્યારે પણ જલની રાશિ જેવો મંદભાવવાળો હોય તો દેવગતિની પ્રાપ્તિનું કારણ બને છે.
અહીં સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે પર્વત મજબૂત પત્થરનો છે, એમાં તિરાડ પુરાવી અતિ દુષ્કર છે. તેના કરતાં માટીની ભૂમિ સૂર્યના તાપથી સુકાયેલી હોય, અને વાયુના વાવાના કારણે અત્યંત ભેજ સુકાવાથી તેમાં જે તિરાડ પડે છે તે પર્વત જેવી મજબૂત નથી; પરંતુ કાંઈક શિથિલમૂળવાળી છે. તેના કરતાં પણ રેતીમાં શલાકાદિથી કરાયેલી તિરાડ અત્યંત શિથિલમૂળવાળી હોય છે, જેને પૂરવી અતિ સુકર છે, અને તેના કરતાં પણ પાણીમાં કરાયેલી રેખા તરત જ નિવર્તન પામે તેવી હોય છે. તે જ પ્રમાણે બાહ્ય પદાર્થોને આશ્રયીને થયેલા ક્રોધમાં પણ તીવ્ર-મધ્યમ-વિમધ્યમ અને મંદ એ ચાર ભાવોની પ્રાપ્તિ છે. વળી વિવેકસંપન્ન