________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦ આ પ્રકારનો અર્થ ક૨વાનું કારણ એ છે કે જે મિથ્યાદૃષ્ટિ જીવો યોગમાર્ગની ભૂમિકામાં આવે છે ત્યારે તત્ત્વની સન્મુખ બને છે. તે વખતે સમ્યક્ત્વ નહીં હોવા છતાં કંઈક સમ્યક્ત્વના અંશો વર્તે છે. આથી જ સાચી શ્રદ્ધાથી યુક્ત એવો બોધ તેઓમાં વર્તે છે અને પોતાના બોધ અનુસાર યમ-નિયમાદિની આચરણા પણ તેઓ કરે છે, તેથી જે અંશમાં તેમનો યથાર્થ બોધ છે તે અંશમાં વિપર્યાસ નથી. વળી તે બોધ દેશિવતિની આચરણાને અભિમુખ છે કે સર્વવિરતિની આચરણાને અભિમુખ છે તેને આશ્રયીને તેના કષાયનો ઉપયોગ વર્તે છે. એ વખતનો કષાયનો ઉપયોગ ઉત્તર ઉત્તરના ગુણસ્થાનકમાં જવાનું કારણ બને છે, માટે તે કષાયનો ઉપયોગ સાનુબંધ નથી.
વળી તીવ્ર ક્રોધકષાય આ ભવ સુધી નાશ પામતો નથી, અન્ય ભવમાં સાથે આવે છે, નિરનુનય હોય છે=નમ્રતા વગરનો હોય છે, તીવ્ર અનુશયવાળો હોય છે–તીવ્ર દ્વેષવાળો હોય છે, અને પ્રત્યવમર્શવાળો હોય છે અર્થાત્ તેના વાસ્તવિક સ્વરૂપનો વિચાર ન કરે તેવા પ્રકારનો હોય છે, તે પર્વતમાં પડેલ રાજી= રેખા અર્થાત્ તિરાડ જેવો છે.
આ પ્રકારના કથનથી એ પ્રાપ્ત થાય કે જે કષાય માત્રાથી તીવ્ર હોય કે મંદ હોય, પરંતુ કષાય કષાયરૂપે કે વિહ્વળતારૂપે જણાતો નથી, પરંતુ પોતાના ઇષ્ટનો ઉપાય દેખાય છે; તેનાથી પડેલા કષાયના સંસ્કારો ઘણા ભવો સુધી અનુવૃત્તિરૂપે ચાલે તેવા હોવાથી અન્ય ભવમાં સાથે આવનાર છે. વળી તે કષાય પોતાના ઇષ્ટનું સાધન જણાતું હોવાથી અનુનયવાળો નથી. વળી તે કષાય ઉચિત જણાતો હોવાથી તીવ્ર દ્વેષવાળો છે અને તેના વાસ્તવિક સ્વરૂપને વિચારવા માટે ઉપયોગ ન પ્રવર્તે તેવા પ્રકારના પરિણામવાળો છે. તે પર્વતરાજી જેવો છે.
આવા ક્રોધવાળા જીવો મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે જ્યારે અનિવર્તનીય કષાયનો ઉદય હોય અને તેમાં વિપર્યાસબુદ્ધિ સ્થિર હોય, તે વખતે જે ક્રોધનો અંશ છે તે અવશ્ય નરકનું જ કારણ બને છે.
સૂર્યનાં કિરણોના જાળાથી સુકાયેલી સ્નિગ્ધતાવાળી ભૂમિમાં વાયુના કારણે વિશેષ ભેજ સુકાવાથી તિરાડો પડે છે, જે વરસાદ પડવાથી પુરાય છે. આવી તિરાડો પ્રકૃષ્ટ આઠ માસની સ્થિતિવાળી હોય છે. તે રીતે જેઓને પોતાનો ક્રોધકષાય જીવની ઉચિત પરિણતિ નથી તેવો બોધ છે, છતાં ઇષ્ટ વિયોગાદિ નિમિત્તને પામીને કોઈકના પ્રત્યે ક્રોધ થયો હોય તો તે ક્રોધ દુરનુનય હોય છે અને અનેક વર્ષ સ્થાયી હોઈ શકે છે, જે ભૂમિરાજી સદશ છે અર્થાત્ મધ્યમ છે.
આશય એ છે કે જેઓમાં કાંઈક વિવેક પ્રગટેલો છે, જેથી પોતાની ક્રોધની પ્રકૃતિ જીવ માટે અહિતરૂપ લાગે છે, છતાં ભોગાદિના તેવા પ્રકારના રાગના કા૨ણે કોઈ ઇષ્ટ વસ્તુનો વિયોગ આદિ થતાં હોય ત્યારે તેમાં જે નિમિત્તકા૨ણ હોય તેના પ્રત્યે દ્વેષ થાય છે; તે ક્રોધમાં નમ્રતા વગરનો પરિણામ હોય છે, તે મધ્યમ પ્રકારનો ક્રોધ છે. આવા ક્રોધવાળો જીવ મૃત્યુ પામે તો તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે.