________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦
૩૧
વળી દારુ=લાકડાના સ્તંભ, જેવો વિમધ્યમ અર્થાત્ પ્રત્યાખ્યાનાવરણીય માનકષાય છે. જેમ લાકડું પાણીમાં પલાળવા વગેરેની પ્રવૃત્તિ દ્વારા વાળવું શકય છે, તેમ જેનો માનકષાય અસ્થિના સ્તંભ કરતાં પણ કંઈક શીઘ્ર નમે તેવો છે તેમનો માનકષાય પ્રત્યાખ્યાનાવરણીય છે. આવા પ્રકારના માનકષાયનો ઉદય મનુષ્યગતિનું કારણ છે.
વળી લતાના સ્તંભ જેવો મંદ અર્થાત્ સંજ્વલન માનકષાય શીઘ્ર નિવર્તન પામે તેવો છે. જેમ વૃક્ષની લતાને સરળતાથી વાળી શકાય છે, તેમ સંજ્વલન માનકષાયવાળા જીવોને કોઈક નિમિત્તે માનકષાયના સ્વરૂપની ઉપસ્થિતિ થાય તો તરત નિવર્તન પામે છે. જેઓને ગુણો જ સાર લાગે છે અને ગુણવાન પ્રત્યે નમ્રભાવ જ જીવનો સુંદરભાવ છે તેવી બુદ્ધિ સ્થિર છે, છતાં પ્રમાદને વશ કોઈકથી અપાતા માનની અસર થાય કે તરત જ તે માનના કુત્સિત પરિણામનું સ્મરણ થાય, તેમનો માનકષાય સંજ્વલન છે. ગુણવાનના ગુણોને સ્મરણ કરીને નિરંહકારી મહાત્માઓ પ્રત્યે નમ્રભાવવાળા થાય છે, તેઓનો માનકષાય લતા જેવો હોય છે. આવા પ્રકારના માનકષાયનો ઉદય દેવગતિનું કારણ છે.
જે મહાત્માઓ ગુણવાનના ગુણોથી ભાવિત છે અને તેના કારણે લોકોથી આદર-સત્કાર થતો હોય તોપણ તેઓનું ચિત્ત ઉત્તમ ગુણવાન પુરુષોના ગુણોથી વાસિત હોવાને કારણે તેઓની જેમ ગુણો તરફ નમેલું જ છે, તેથી લોકોથી અપાતા માનની અસર પણ તેઓને થતી નથી, તેઓ માર્દવ સ્વભાવવાળા છે. માર્દવ સ્વભાવમાં આયુષ્યનો બંધ થાય તો અવશ્ય દેવભવની પ્રાપ્તિ થાય.
માયાકષાયઃ
માયાકષાયના પર્યાયવાચી બતાવે છે
માયા, પ્રણિધિ, ઉપધિ, નિકૃતિ, આચરણ, વંચના, દંભ, ફૂટ, અતિસંધાન, અનાર્જવ એકાર્થવાચી છે.
કોઈને ઠગવાની વૃત્તિ છે તે માયા છે. કોઈ સાધુને સંયમના પરિણામમાં પ્રણિધાન ન હોય પરંતુ અસંયમની પ્રવૃત્તિમાં ચિત્ત પ્રવર્તતું હોય, ત્યારે અસંયમના પ્રણિધાનના કારણે પ્રણિધિરૂપ માયાની પ્રાપ્તિ થાય છે; કેમ કે પોતે ભાવથી સંયમી નથી, છતાં સંયમી દેખાડે છે. કોઈક ધર્મની ઉપાધિથી પદાર્થને અયથાર્થ રીતે બતાવવો તે ઉપધિરૂપ માયા છે. દા. ત. કોઈકમાં કોઈક ધર્મ ન હોય, પરંતુ સ્વકલ્પનાથી તે ધર્મનું આરોપણ કરીને તેવા સ્વરૂપવાળો તે છે એમ કહેવું તે ઉપધિરૂપ માયા છે.
નિકૃતિ આત્મવંચના છે. વિપરીત આચરણ=અંતરંગ પરિણામ કાંઈક હોય અને બાહ્ય કંઈક દેખાડવામાં આવે તે, માયા છે. કોઈને ઠગવામાં આવે તે વંચનારૂપ માયા છે. પોતે જેવો ન હોય તેવો દેખાડવા માટે દંભ કરે તે દંભરૂપ માયા છે. કોઈને ખોટું સાચું કહે તે કૂટરૂપ માયા છે.
કોઈને ઠગવામાં આવે તે અતિસંધાનરૂપ માયા છે. આર્જવસ્વભાવનો અભાવ તે અનાર્જવરૂપ માયા છે. તેથી માયાના પરિહારના અર્થીએ સદા આર્જવ સ્વભાવ પ્રાપ્ત થાય તેવો યત્ન કરવો જોઈએ.
આ માયાના તીવ્ર આદિ ભાવોને આશ્રયીને દૃષ્ટાંતો આ પ્રમાણે છે. (૧) વંશકુડંગસદશ, (૨) મેષવિષાણ (૩) ગોમૂત્રિકા સદેશ અને (૪) નિર્લેખન સંદેશ.
સદ્દેશ,