________________
અગિયાર વર્ષની ઉંમરે એક મિત્ર એના મા-બાપ ઘરે ના હોય ત્યારે એના ઘરના બીજા માળેથી નીચે કેરી નાખતો અને પોતે એ કેરીઓ ઝીલતા અને પછી બગીચામાં જઈને ખાતા. કોઈના આંબાની કેરીઓ તોડીને ખાય, આવી ચોરીઓ કરેલી. પછી તેના કેટલાય પસ્તાવો કરીને ચોખ્ખું કરેલું.
એવું જ નાનપણમાં તેર વર્ષની ઉંમરે સોનાની વીંટીની ચોરી કરેલી. લાકડાં બાળવાની તુવેરના છોડની કરાંઠીઓના પૂળા કોઈ પાસેથી વેચાતા લીધેલા. ફાધરે આમને મોકલ્યા કે પૂળા ગણીને લેજે. તે નોકરને પૂળા ગણવા માટે લઈ ગયેલા. પેલા પૂળા નાખનારની આંગળીમાંથી એની વીંટી ખસી ગઈ ને નીચે પડી ગઈ કે ગમે તે બન્યું, અંબાલાલે પોતે એ વીંટી પડેલી દેખી, એની પર પગ મૂકી પેલા નોકરને બીજા કામે લગાડ્યો અને પછી પેલી વીંટી ગજવામાં મૂકી દીધી.
આ હકીકત પોતે ખુલ્લી કરે છે. તેમાં તે વખતે શું બન્યું, કેમ આમ થયું, તેની અંતઃકરણમાં શું ગડમથલ થઈ હતી તેય ખુલ્લી કરે છે. તે દહાડે જે જ્ઞાન હતું તે જ્ઞાને મને એમ કહ્યું કે આ વીંટી આપણને જડી, માટે આ ચોરી ના કહેવાય. માણસને જે તે વખતે જે ભરેલું જ્ઞાન મહીંથી પ્રગટે છે, મહીંથી દેખાડે છે તે પ્રમાણે પોતે ચાલે છે, કાર્ય કરી નાખે છે.
પછી પોતે પેટલાદ જઈ એ વીંટી વેચીને ચૌદ રૂપિયા મેળવ્યા અને એ રૂપિયા ભાઈબંધો જોડે મોજશોખમાં વાપર્યા. પોતાની એ ભૂલ ઉપર ખૂબ પસ્તાવા થયેલા પછી તો. એ વીંટીના માલિકને શોધવા ગયેલા. તપાસ કરી તો એ વ્યક્તિ તો મૃત્યુ પામેલા. ત્યારે એમને એવો ભાવ થયેલો કે આ વીંટીના દસ-વીસ ગણા પૈસા એને આપી દઈએ. એ વ્યક્તિ સો કે પાંચસો ગણા માગે તોયે પોતે આપવા તૈયાર હતા. પછી નક્કી કર્યું, એટલા પૈસા બીજે ધર્માદા કરો. પછી પ્રાર્થના કરી એ વ્યક્તિ માટે કે “જે એમનું હોય તે યોગ્ય અમારા તરફથી એને મળી જાઓ.” એ કેસ કુદરતને સોંપી દીધેલો પછી. દિલની ભાવના કે કોઈનું દેવું બાકી ના રહો, અનેકગણા થઈને એને પાછા અપાઈ જાઓ.
જેટલી જેટલી ભૂલો કરેલી, સમજણ આવતા તે ભૂલોમાંથી પાછા ફરી ગયેલા. તેવી ભૂલો જિંદગીમાં રિપીટ થવા દીધી નથી.
30