________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧/ ગાથા-૩ અધ્યયનને અનુકૂળ તેવો ક્ષયોપશમ ન હોય જેથી નવું નવું શ્રુત ભણીને આત્માને શ્રુતથી વાસિત કરી શકે, તેવા સાધુનો સંયમનો યોગ નાનો છે અર્થાત્ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે દૂરવર્તી કારણ છે.
વળી, જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી શક્તિના પ્રકર્ષથી સ્વસમય અને પરસમયના જ્ઞાન મેળવવા માટે યત્ન કરતાં હોય, જેના કારણે સ્વદર્શનના સર્વનયોનો યથાર્થ બોધ પ્રાપ્ત કરતાં હોય અને પરદર્શનના તે તે નયના પરમાર્થને પણ ઉચિત સ્થાને જોડીને જૈન દર્શનની તે નયોની દૃષ્ટિથી તે દર્શનના પદાર્થોને સ્વીકારતા હોય, તેવા સાધુઓને ભગવાનના શાસનના પરમાર્થની પ્રાપ્તિ થાય છે અને તેના બળથી સંવેગના પ્રકર્ષને પામીને શીધ્ર સંસારનો ઉચ્છેદ થાય છે અને તેવા સાધુઓ સંયોગ પ્રતિકૂળ ન હોય તો સંવેગના પરિણામવાળા હોવાથી શુદ્ધ આહારાદિકમાં પણ અવશ્ય યત્ન કરે છે. ક્વચિત્ શાસ્ત્રઅધ્યયન કરવામાં વિપ્ન જણાય તો શુદ્ધ આહારાદિકમાં યત્ન ન પણ કરી શકે તોપણ તેઓનો સંયમયોગ મોટો યોગ કહેલ છે; કેમ કે શુદ્ધ આહારાદિ સ્વાધ્યાયને સમ્યફ પરિણમન પમાડવા માટે સાધન છે. વસ્તુતઃસ્વાધ્યાયથી વાસિત થયેલું નિર્મળ ચિત્ત જ નિર્જરાનું કારણ છે. પોતાના કથનમાં ગ્રંથકારશ્રી સાક્ષી આપતાં કહે છે કે ઉપદેશપદાદિનું આ પ્રકારનું વચન ગ્રહણ કરીને કલ્યાણના અર્થી સાધુ ઉત્તમ માર્ગે ચાલો અર્થાત્ સ્વાધ્યાયને ગૌણ કર્યા વગર સ્વાધ્યાયના બળથી સંવેગની વૃદ્ધિ થાય તે પ્રકારના ઉત્તમ માર્ગે ચાલો.
વળી, પોતાના કથનનો સાર બતાવતાં કહે છે – કોઈ સાધુ બાહ્ય વ્યવહારને પ્રધાન કરીને જ્ઞાનની ગૌણતા કરે તે અશુભ માર્ગ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાન ભણીને આત્માને સંવેગથી વાસિત કરી શકે એવાં શક્તિવાળા સાધુ પણ નિર્દોષ ભિક્ષાચર્યાદિ બાહ્ય આચરણને પ્રધાન કરે અને તે બાહ્ય આચરણાના રક્ષણ અર્થે સ્વાધ્યાયને ગૌણ કરે તો તે સાધુની નિર્દોષ ભિક્ષાચર્યાની પ્રવૃત્તિ પણ અશુભ માર્ગ છે; કેમ કે ભગવાનની આજ્ઞાનો અનાદર કરીને બાહ્ય આચરણામાં ઉદ્યમ કરવો તે કર્મબંધનું કારણ છે અને બાહ્યવ્યવહાર તથાવિધ સંયોગોને કારણે પાલન ન થાય તોપણ જ્ઞાનને પ્રધાન રાખે તે ઉત્તમ માર્ગ છે. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે –
આથી જ જ્ઞાનાદિગુણના કારણ એવાં ગુરુકુળવાસને છોડીને શુદ્ધ આહારાદિમાં યતનાવાળા સાધુને મહાદોષની પ્રાપ્તિ હોવાથી ચારિત્રની હાનિ ષોડશકમાં કહી છે.
ષોડશકના ઉદ્ધરણના શ્લોકનો અર્થ આ પ્રમાણે છે –
કેટલાક સાધુઓ નિર્દોષ ભિક્ષાચર્યા પ્રત્યે એનંત આગ્રહવાળા હોય છે. તેઓ માને છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે અને તે વિરતિ નિર્દોષ આચારના પાલનરૂપ છે તેથી જો ગુરુકુળવાસમાં પ્રસંગે પ્રસંગે ભિક્ષાચર્યાના દોષોની પ્રાપ્તિ થતી હોય તો તેઓ ગુરુકુળવાસને છોડીને એકાંતે વિચરે છે. તે વખતે શાસ્ત્રઅધ્યયનથી જે મોટો લાભ થવાનો હતો તેનો ત્યાગ કરીને મોટા દોષના સેવન અને નાના દોષના અસેવનમાં તેઓ યત્ન કરે છે અને કોઈ શ્રાવકો પૂછે કે તમે ગુરુકુળ છોડીને કેમ રહો છો ? ત્યારે કહે કે તે મહાત્માઓને ભણવાની રુચિ છે, શુદ્ધ આચારોમાં રુચિ નથી. એમ કહીને ભગવાનના વચનાનુસાર ચાલનારા ગીતાર્થ ગુરુની નિંદાદિ કરે છે, જેનાથી નિપુણ બુદ્ધિવાળા નક્કી કરી શકે છે કે આવા સાધુઓનો સંયમનો આચાર નક્કી પરિશુદ્ધ નથી.