Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૯-૧૦-૩૩
૨૦
શ્રી સિદ્ધચક્ર રાગમય છે એવું જ જગત માનશે. ત્યારે હવે એ શોધી કાઢવાનું અવશેષ રહે છે કે ભગવાન શ્રી મહાવીર દેવનું સ્થાન લોકોત્તર કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર સર્વથા સરળ છે, શ્રીમહાવીર મહારાજને લોકોત્તર સ્થાને માનવાનું શું પ્રયોજન છે? જગતના બીજા મહાપુરૂષોએ જગતની સેવા તો અવશ્ય કરેલી છે પરંતુ એ સેવા અને તેને પરિણામે આવેલું એ સુખ એ ક્ષણિક સુખ છે. જગતના મિથ્યા પદાર્થો વડે માનવામાં આવેલું એ સુખ તે સુખ નથી પણ દુઃખ છે અને જ્યાં એ માની લીધેલું સુખ પુરું થાય છે કે તરતજ દુઃખનો આવિર્ભાવ થવા પામે છે. ભગવાન શ્રી મહાવીર દેવે દર્શાવેલું સુખ એ અનંત અને અખંડ સુખ છે અને તેથીજ શ્રી મહાવીર ભગવાનનું સ્થાન જગતના બીજા મહાપુરૂષોમાં લોકોત્તર છે.
મહાત્મા મહાવીરનો માર્ગ જગતને સાચું સુખ આપે છે, અર્થાતુ શાશ્વત સુખ આપે છે. પોતે કેમ સુખ પામવું એ વાત જગતના સઘળા મહાપુરૂષોએ કહી છે, જ્યારે જગતનાં જીવને શાશ્વત સુખી કેમ બનાવવા એ ઘટના શ્રી મહાવીરદેવે ઉચ્ચારી છે અને એ મહાન તિર્થપતિ એટલા શબ્દોના ઉચ્ચાર સાથેજ અટકયા નથી પરંતુ એ શબ્દોને પોતાના જીવનમાં ઉતારી તે માર્ગની મહત્તા, શ્રેષ્ઠતા અને સર્વ પ્રિયતાને સિદ્ધ કરી છે.
પ્રિય વાંચક! આજે આ અંક પ્રભુમહાવીરના નિર્વાણને દિવસે પ્રકાશન પામે છે એ દિવસ એટલે આજનો દિવસ ! એ આ મહાપુરૂષના નિર્વાણકલ્યાણક મહોત્સવનો દિવસ છે. ભગવાને જગતના કલ્યાણ માટે અનેક ઉપસર્ગો સહન કર્યા, ઇતિહાસને પાનેથી ન ભુંસાય એવું આકરૂં દેહદમન કર્યું અને શરીરને અનેક પ્રકારે કષ્ટ આપી આપીને એમણે છેવટે સાચી શાન્તિનો માર્ગ શોધી કાઢયો! કે જે માર્ગે આજે હજારો જૈનો ગતિ કરી રહ્યા છે અને એ લોકોત્તર માર્ગનું સુખ અનુભવી રહ્યા છે. ભગવાનનો અનુપમ વારસો અને તેને શોભાવતા જૈનો.
આજનું જૈન શાસન એ ભગવાન શ્રી મહાવીર દેવે જૈન સંઘને આપેલો વારસો છે. જગતમાં ઐહિક પદાર્થોનો વારસો ઘણા માબાપો પોતાના સંતાનોને આપે છે, અને જૂદા જૂદા ધર્મગુરૂઓ પોતાના ચેલાઓ માટે પણ જબરા ધનભંડાર મુકી જાય છે. પરંતુ એ વારસો શાંતિ આપનારો ન નીવડતાં કલહ આપનારો નિવડે છે, જ્યારે ભગવાને આપેલો ધર્મવૃત્તિનો વારસો એવો મહાન એવો સુંદર અને એવો શાંત છે કે જે આપણને અનંત શાંતિ આપવાને શક્તિમાન છે. ભગવાને જે દિવ્ય રત્નોનો વારસો જૈન જગતને આપ્યો છે તેની જૈન સમાજે યથાપ્રકારે રક્ષા કરી છે એ વારસાને ઉપભોગ્યો છે અને તેને શણગાર્યો પણ છે. હવે એ વારસાને માટે આપણે કેવી લાયકાત ધરાવીએ છીએ તે દર્શાવવાની હજી આપણે માથે ફરજ રહેલી છે અને એ ફરજની પૂર્ણતા તેજ આજના આપણા ધર્મકાર્યો છે.