Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
હું નિર્વાણ કલ્યાણક હું
અપાપાપુરી કે જે આસનોપકારી ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર દેવના નિર્વાણ પછી દેવોએ એ નગરીનું નામ પાવાપુરી પાડ્યું કે જે તારકદેવનું આજે નિર્વાણ કલ્યાણક છે ને કલ્યાણક ભૂમિ તરીકે જૈન શાસનમાં મશહૂર છે.
આજે એ પાવનભૂમિ કોઈક પુણ્યાત્માઓને ભૂતપૂર્વના ભવ્ય ઇતિહાસના તે સ્થળે સંભારણા કરાવી નવ શૂરાતન સમર્પણ કરવા કટીબદ્ધ થઈ છે, તે ભૂમિના રજકણો શાસન રસિક સેવકોને શાસનરંગથી રંગી નાંખવા તે ઉદ્યમવંત છે તે ભૂમિનું ભવ્ય વાતાવરણ આજે વિષમ વિકારોને વિખેરી નાંખવાને સમર્થ છે, તે ભાગ્યવતી ભૂમિને નહિ ફરસનાર જૈન સમાજની હર કોઈ વ્યક્તિ પોતાના સ્થાનમાં રહી તે દેવાધિદેવના અલૌકિક ઉપકારોનું અવલોકન કરી નિર્વાણ કલ્યાણકની આરાધનાધારાએ એ દિવસે મોહરાજા સામે ધસવા માટે નવું જોમ પ્રાપ્ત કરે છે.
પ્રભુ માર્ગનો પૂજારી નિર્વાણ કલ્યાણકની નિર્મળ આરાધના અનેકવિધ કરે છે, અને તે અવસરે સોળ પહોરની અખંડ દેશનામાં પુણ્ય પાપ પ્રદર્શન અપૃષ્ટ છત્રીસ અધ્યયનોની અમોઘ સુધાવૃષ્ટિ, વ્યાશી દિવસના સંબંધી માતપિતાને પ્રતિબોધવા ગયેલ શાસન-પટ્ટધર દિવ્યલબ્ધિધારક પ્રભુ ગૌતમસ્વામીનું આગમન, માર્ગમાં દેવાધિદેવના નિર્વાણ-સમાચાર, પરાપૂર્વથી ચાલી આવેલ સ્નેહ સંબંધની કાર્યવાહી, સ્નેહના વિસર્જન સાથે કૈવલ્યની પ્રાપ્તિ નિર્વાણ મહોત્સવની ઉજવણી માટે સ્વર્ગમાંથી ઈદ્ર-ઈદ્રાણી,દેવદેવીઓનું આગમન નિર્ગમન અને વિગેરે વિગેરે અનેકાનેક પૂનિત પ્રસંગો જરૂર સાંભળી આવે છે કે જે ભવ્યાત્માઓના હૃદયને અનેરા ભાવથી ઉલ્લસિત કરે છે.
શાસ્ત્રકારો સ્થાન સ્થાન પર જણાવે છે કે આરાધકો આ કલ્યાણની આરાધનામાં લક્ષ ક્રોડ ઘણું ફળ પ્રાપ્ત કરે છે, માટે પ્રભુ મહાવીરદેવના શાસનનો રાગી પછી ભલે તે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા હોય, પણ આ નિર્વાણ કલ્યાણકને આરાધવા લેશભર કચાશ રાખે નહિ, અને અહર્નિશ એજ ઇચ્છે કે તેઓશ્રીએ અર્થલારાએ કથન કરેલા અને સૂત્રરૂપે ગણધર ભગવંતોએ ગુંથેલા વચન અને વર્તન પર તન-મન-આદિ સમર્પણ કરવાં એમાંજ મારું શ્રેય છે.
ચંદ્રસા૦