Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧૫-૧-૩૪ ચક્રવર્તિઓ, વાસુદેવો વિગેરે પ્રવજ્યા મહોત્સવો શાથી કરતા?
આ વાત ધ્યાનમાં લઈશું ત્યારેજ આપણને બરાબર સમજાશે કે ચક્રવર્તિઓ, વાસુદેવો વિગેરે પોતાના પુત્રપુત્રી પરિવાર વિગેરેને દીક્ષા કેમ ઠાઠમાઠથી લેવરાવતા હતા. આપણો પુત્ર દીક્ષા લેતો હોય તો એને રોકવાનું આપણું જોર કેટલું? કોર્ટ સુધીનું જ. ચક્રવર્તિ વિગેરેને તો કુલ સત્તા, બળ પોતાના હાથમાં છે. કૃષ્ણ વાસુદેવ કેવા? સ્ત્રીઓ માટે યુધ્ધમાં હજારોનો સંહાર કરનારા! સત્યભામા, રુકિમણી વિગેરેને કેવી રીતે લાવ્યા છે ! આવાઓ પણ પોતાના પુત્રપુત્રી આદિ પરિવારની દીક્ષા વખતે ધામધૂમતી પ્રસન્નતા પૂર્વક મહોત્સવ કરતા હતા. તે કયારે થાય? વિચારો ! શું તેમને સ્ત્રી પુત્રાદિ પરિવાર અળખામણો હતો? ગજસુકુમાળ, રાણી, વિગેરે પરિવાર અપ્રિય નહોતો. થાવસ્ત્રાપુત્ર પ્રત્યે અપ્રીતિ નહોતી. આ બધાને એમણે વાજતે ગાજતે દીક્ષા કેમ અપાવી ! જો તેઓ આડે આવે તો આમને કોઈ દીક્ષા દઈ શકે તેમ હતું નહીં. અત્યારે તો દીક્ષિત થનારને સહાયકો પણ છે, પણ ચક્રવર્તિ વિગેરેના ઘેર દીક્ષા પ્રસંગમાં જો તે રોકે તો સહાયક કોણ ? તેઓ કાંઈ હાર્યા દીક્ષા દેવરાવતા નથી, પણ પ્રભુમાર્ગના રંગથી રંગાઈને ઉત્સાહથી દેવરાવે છે. ચક્રવર્તિ ચક્રવર્તિપણામાં રહેતો નક્કી નરકગામી ગણાય. ભરતજી મોક્ષે ગયા, સનતકુમાર દેવલોક ગયા, ચક્રીઓમાંના કંઈ મોક્ષે, કંઈ દેવલોક અને બેચક્રી નરકે ગયા. જે જીંદગીપર્યત ચક્રવર્તિપણામાં રહ્યા તે નરકે ગયા, જેણે ચક્રવર્તિ પણાનો ત્યાગ કર્યો તેઓજ દેવલોકે અગર મોક્ષે ગયા. ચક્રવર્તીપણામાં મરનાર દેવલોકે કે મોક્ષે ગયો એવું એક પણ દ્રષ્ટાંત છે ? નહીં. ચક્રવર્તીપણા ઉપર થુંકનારાઓ દેવલોકે અગર મોક્ષે ગયા. આથી સિદ્ધ થયું કે ચક્રવર્તિપણું દૂર્ગતિદાયક છે, અને એને એવું ગમ્યું તોજ તેઓ સદ્ગતિના ભાજન થયા. દુનિયાદારી અને ધર્મ વચ્ચેનું અંતર.
હવે આજના યુવકો દુનિયાને રિદ્ધિસિદ્ધિ પમાડવામાં ધર્મ માને છે. નવેનિધાનથી, ચૌદરત્નથી દુનિયાની સામગ્રી પૂર્ણ કરનાર, તેઓના હિસાબે દુનિયાનું દારિદ્ર દફે કરનાર હોવાથી, મોટો ધર્મી કહેવાય. એમની ગણત્રીએ નવનિધાન એટલે નાણાંનું વૃક્ષ ! હજારો દેવતાઓ જેને આધીન હશે, એ રાજ્યની સમૃદ્ધિ કેવી સલામત હશે, શાંતિ કેવી નિર્વિઘ્ન હશે છતાં એ ચક્રવર્તિ નરકગામી નક્કી ! શાથી? ધર્મ એ જૂદી જ ચીજ છે. દુનિયાદારીને અને ધર્મને પૂર્વ પશ્ચિમનું અંતર છે, બેયની દિશાજ ભિન્ન છે, સામસામે છે. ચક્રવર્તિપણામાં કાળકરનારો ચક્રી નક્કી નરકેજ જાય; ભરતાદિ મોક્ષે ગયા અગર બીજા ચક્રિઓ દેવલોકે ગયા તે તે પાપમયસ્થિતિ છોડવાના પ્રતાપે; નહિ કે ચક્રવર્તિપણાના પ્રભાવે ! વાસુદેવો તો પૂર્વે કૃતનિયાણાના યોગે તથા વિધ આયુષ્ય બાંધવાથી નક્કી નર્કગામીજ છે. આવા જીવો પણ આ ધર્મને, દીક્ષા વિગેરેને શ્રેષ્ઠ ગણે છે, અને તેથી દુન્યવી સંપૂર્ણસત્તા ધરાવતા છતાં એમાં આડે આવતા નથી, બલકે મહોત્સવપૂર્વક એની પ્રભાવના કરે છે, એનો પ્રચાર કરે છે. યુદ્ધ કરીને, હરણ કરીને લાવેલી રાણીઓ, પરમપ્રીતિપાત્ર પુત્રો પણ જ્યાં પ્રવ્રજ્યા લેવા તૈયાર થાય, ત્યારે આ મહાપુરૂષો આડે આવતા નથી. પ્રભુમાર્ગના આરાધકોની આરાધનાઓ અજબ છે !!!