Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૧-૦-૩૪
૪૪3
શ્રી સિદ્ધચક્ર પડે છે. કોઈપણ માણસ એમ ન માની ત્યે કે-આ પુણ્યપાપ, ધર્મ અધર્મ વિગેરે-આપણા વ્યવહારના બીજા સામાન્ય નિયમો પ્રમાણે-શ્રીજિનેશ્વર ભગવાને બનાવેલા ધારા છે અને એ ધારાની રચના તીર્થકર મહારાજની ઈચ્છા પ્રમાણે જ કરવામાં આવી છે. આપણા નિત્ય વ્યવહારમાં તો આપણે અનુભવ કરીએ છીએ કે જ્યાં સુધી આપણી નાતજાતમાં અમુક પ્રકારનો ધારો કરવામાં ન આવ્યો હોય ત્યાં સુધી એ ધારાની વિરૂધ્ધનો વર્તાવ ગુન્હો નથી ગણાતો; જ્યાં સુધી રાજ્ય તરફથી અમુક પ્રકારનો કાયદો જાહેર ન થાય ત્યાં સુધી એનાથી વિરૂદ્ધ વર્તન કરનાર ગુન્હેગાર નથી જ લેખાતો. વ્યવહારમાં તો પહેલાં કાયદો થાય અને પછી એનો ભંગ થાય તો જ ગુન્હો લાગુ પડે, પણ ધર્મમાં આ પ્રમાણે નથી. કારણ કે ધર્મ એ કોઇ ઉત્પન થયેલી વસ્તુ નથી. એનો સંબંધ તો પદાર્થો સાથે છે, અને પદાર્થોના સ્વભાવમાં જ ધર્મનું અસ્તિત્વ રહેલું છે. એટલે જ્યારથી પદાર્થો છે ત્યારથી તેના સ્વભાવો છે, કારણ કે પહેલાં વસ્તુ હોય અને પછી સ્વભાવ હોય એમ નથી, અને જ્યારથી પદાર્થોના સ્વભાવો છે ત્યારથી ધર્મ છે. તીર્થંકર ધર્મપ્રરૂપક પણ બનાવનાર નહિ.
ધર્મ અધર્મના નિયમો પહેલાં બન્યા અને પછી થમ અધર્મ લાગવા લાગ્યા એ કલ્પના જ સર્વથા ભ્રમભરેલી અને સત્યથી વેગળી છે. એટલે તીર્થંકર મહારાજે ધર્મ અધર્મના નિયમો બતાવ્યા પહેલાં ધર્મ અધર્મ લાગતા ન હતા એમ કેમ કહી શકાય? ધર્મ અધર્મ તો અનાદિ કાળથી લાગતા જ હતા. માત્ર તીર્થકર મહારાજે તો આપણને જે વસ્તુ આપણાથી અજાણી હતી તે ખુલ્લી કરીને બતાવી દીધી, પણ આનો અર્થ એ તો ન જ કરાય કે તીર્થકર મહારાજે ધર્મ અધર્મના નિયમો બનાવી દીધા અને એમની ઇચ્છા પ્રમાણે જ ધર્મ અધર્મની વ્યવસ્થા કરી નાખી. એમણે બતાવ્યા પહેલાં પણ જે વસ્તુ સારી હતી તે સારી જ હતી અને ખરાબ હતી તે ખરાબ જ હતી. જે પ્રવૃત્તિઓ આપણે અનાદિ કાળથી કરતા હોઈએ તેનાં પરિણામો પણ જો અનાદિ હોય તો એમાં નવાઈ શી? એટલે જૈનશાસને કે એના પરમપૂજ્ય દેવાધિદેવોએ ધર્મને બનાવવાનો દાવો કદીપણ કર્યો જ નથી. માત્ર પડદો ઉપાડી લઈને પડદા પાછળની વસ્તુનું આપણને દર્શન કરાવ્યું. બાકી વસ્તુ તો હૈયાત હતી જ. એમણે તો માત્ર પડદો ઉઠાવવાનું કાર્ય કર્યું છે, અને આ પ્રમાણે માત્ર પડદો હઠાવવાનું કાર્ય કરનાર મૂળ વસ્તુનું સર્જન કરવાનો દાવો કરે તો એ કેટલું ન્યાયહીન ગણાય એનો વિચાર દરેક બુધ્ધિશાળી માણસ કરી શકે એમ છે. સમજો કે એક માણસ વિચારમાં ચાલ્યો જાય છે. આસપાસ શું થઈ રહ્યું છે એનું એને ભાન નથી. રસ્તામાં અંગારા પડયા છે. થોડા જ