Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૪-૮-૩૪
પર
શ્રી સિદ્ધચક્ર ભગવાન ગૌતમસ્વામીજી, ભગવાન મહાવીર મહારાજને પૂછે છે કે હે ભગવાન ! આ મૃગાપુત્ર બાળક કાળમાસે કાળ કરીને કયાં જશે, અને કયાં ઉપજશે? ભગવાન મહાવીર મહારાજ કહે છે કે-હે ગૌતમ ! આ મૃગાપુત્ર બાળક છવીસ વર્ષનું આયુષ્ય પાળી કાળ માસે કાળ કરીને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢયપર્વત પાસે સિંહની જાતિમાં સિંહપણે આવશે, અને તે સિંહ અધર્મી, ઘણા નગરમાં ફેલાયેલો વાદ છે જેનો એવો શૌર્યતાવાળો અને દઢ પ્રહાર કરવાવાળો થશે અને તેથી ઘણું પાપ ફરી પણ મેળવશે અને તેવું પાપ મેળવીને કાળ માસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નરકાવાસમાં નારકીપણે થશે, તે ત્યાંથી નીકળીને ભુજપરિસર્પ અને ઉરપરિસર્પમાં જશે, ત્યાંથી કાળ કરીને બીજી નરકે ત્રણ સાગરોપમની સ્થિતિવાળો નારકી થશે, ત્યાંથી નીકળીને પંખીની જાતિમાં ઉપજશે, ત્યાંથી કાળ કરીને ત્રીજી નરકમાં સાત સાગરોપમના આયુષ્યવાળો નારકી થશે, ત્યાંથી નીકળીને સિંહ થશે ત્યાંથી ચોથી નરકે જશે, પછી સર્પ થઈને પાંચમી નરકે જશે, પછી સ્ત્રી થઈને છઠ્ઠી નરકે જશે, પછી મનુષ્ય થઇને સાતમી નરકે જશે, પછી સાતમી નરકથી નીકળીને જે આ મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગરમચ્છ અને સુષુમાર વિગેરે જલચર પંચેદ્રિય તિર્યંચોની સાડીબાર કુલ કોડી અને લાખો યોનિઓ છે તેમાં એકેક જાતની યોનિમાં લાખ્ખો વખત મરીને ત્યાંને ત્યાં ઉપજશે ત્યાંથી નીકળીને ચોપગા જાનવરોમાં, ઉરપરિસર્પોમાં, ભુજપરિસર્ષોમાં, ખેચરોમાં, ચૌદ્રિય, તેરેંદ્રિય અને બે ઇંદ્રિયમાં, વનસ્પતિમાં પણ કડવા વૃક્ષો અને કડવી દુધિઓમાં વાઉકાય, તેઉકાય, અપકાય અને પૃથ્વીકાયમાં લાખો વખત ઉપજશે પછી ત્યાંથી નીકળીને સુપ્રતિષ્ઠ નામના નગરમાં બળદપણે ઉત્પન્ન થશે અને ત્યાં જુવાનીમાં આવ્યો છતાં કોઈક વખત પહેલા વરસાદમાં ગંગા મહાનદીના કાંઠાની માટી ખોદતાં કાંઠો ધસવાથી મરી જશે અને તે જ સુપ્રતિષ્ઠ નગરમાં શેઠને ઘેર પુત્રપણે આવશે, ત્યાં બાળકપણું ગયા પછી અને યૌવન અવસ્થા પામતાં તેવા પ્રકારના ઉત્તમ સ્થવિરોની પાસે ધર્મ સાંભળી અને સમજીને મુંડ થઇ, ઘર છોડી સાધુપણાને અંગીકાર કરશે. તે મૃગાપુત્ર ત્યાં શેઠના પુત્રપણાના ભવમાં ઇર્યાસમિતિવાળો યાવતુ નવ પ્રકારની ગુણિયુક્ત બ્રહ્મચર્યને ધારણ કરવાવાળો સાધુ થશે. સાધુપણામાં ઘણા વર્ષો સુધી રહીને આલોચના, પ્રતિક્રમણ કરીને કાળમાસે કાળ કરીને સૌધર્મનામના દેવલોકમાં દેવતાપણે ઉપજશે, ત્યાંથી દેવતાઈ શરીર છોડીને મહાવિદેહક્ષેત્રમાં જે ઋદ્ધિવાળા કુળો છે, તેમાં ઉપજશે, પછી શ્રી ઉવવાઇસૂત્રમાં જેમ દઢપ્રતિજ્ઞનો અધિકાર કહ્યો છે તેવી રીતે આ મૃગાપુત્રનો જીવ પણ કળાઓ શીખશે, દીક્ષા લેશે અને યાવત્ સિદ્ધ, બુદ્ધ, મુકત અને પરિનિવૃત્ત થઈને સર્વ દુઃખનો નાશ કરશે.
આ મૃગાપુત્રની હકીકત સાંભળનારો હરકોઈ મનુષ્ય રાજેશ્વરનું નરકેશ્વરપણું સમજી શકે તેમ છે, તેનો વિસ્તારથી ઉપનય આગળ ઉપર જણાવવામાં આવશે.
(અપૂર્ણ)