Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૧
શ્રી સિદ્ધચક્ર
તા.૩૦-૩-૩૪
પાછા પોતાનાં સંતાનોને સાધુ પાસે મોકલેજ. આવા અભિગમ શ્રાવકો ચક્રવર્તીને રોજ ઉપર કહ્યા મુજબ સંભળાવતા, એમાં દબાવાનું કે ડરવાનું નહોતું. ચક્રવર્તી પ્રસન્નતાપૂર્વક એ સાંભળતા. એ હૃદય કયું ! આ શ્રાવકોનું ભરત મહારાજા સ્વામિવાત્સલ્ય કરતા કેમકે આવા તમામ શ્રાવકોને જમવાનું એમના રસોડેજ હતું. આ સ્વામિવાત્સલ્ય કોનું હતું ? કહોને ! સાધુની ખાણનું કે સાધુની નિશાળનું ! ભોગવે છે ચક્રવર્તીપણું પણ પોતાની આત્મજાગૃતિ માટે આવી કાયમ ખર્ચાળ યોજનાખર્ચાળ માત્ર નહિ પણ ખટપટવાળી યોજના-જેની પાછળ ખૂબ ધ્યાન દેવું પડે, રોકાણ થાય, તેવી યોજના રાખનારનું અંતઃકરણ કયી દશામાં હશે ! પોતાની હાર સાંભળવા માટે આ બધું ! અરે ! રસોઇયાઓ આવીને કહે છે કે-“હવે ત્યાં ઘણા ભરાય છે માટે સાચાને રાખો, બીજાને કાઢી મૂકો,” તેથી જૂઠાથી બચવા માટે, સાચાની ઓળખ માટે ભરત મહારાજાએ સાચાઓને કાંકિણી રત્નથી અંકિત કર્યા. ચક્રવર્તીને પણ આવી નિશાનીઓની યોજના યોજવી પડે ત્યારે કટેલા જૂઠાઓ ભરાઇ જતા હશે ! સાચાની ઓળખાણ તરીકે આવું ચિહ્ન રાખ્યા પછી સોનારૂપાની જનોઇ કરી હતી. સાચાની નિશાની તરીકે આ ચિહ્ન નથી પ્રવર્ત્ય પણ જૂઠાથી બચવા માટેની એ નિશાની છે. ચક્રવર્તી જેવા આટલું બધું કયારે કરે ! વાદ લાગ્યા વિના ? નહિજ ! તેઓ એ સમજ્યા હતા કે અનાદિકાલથી સંસારમાં પોતાની રખડપટ્ટીનું કારણ આરંભપરિગ્રહ, વિષયકષાય છે તેમાં વળી ચક્રવર્તીપણાનો થયો વધારો, પછી બાકી રહી શી ? જો પોતાને ચક્રીપણા પ્રત્યે અરુચિ ન હોત તો, સર્વને જીતનાર એવા પોતે પોતાની હાર સાંભળવા તૈયાર ન થાત, પોતાને કાયમ ‘હાર્યો' કહેનારાઓની યોજના ન રાખત, પોતે નિર્ભય છતાં ‘તારા માથે ભયનાં વાદળ ઝઝુમી રહ્યાં છે,' એવું હરરોજ ન સાંભળત. વિચારો કે એ આત્માની દશા કેવી ! ચક્રવર્તીપણું એ નિર્ભયતાનું કારણ નથી. એમ તેઓ બરાબર સમજતા હતા. આત્મકલ્યાણની ઇચ્છાવાળાનેજ આ દૃષ્ટિ આ બુદ્ધિ આવે.
સાચા શત્રુઓ કોણ ?
સંસારની ઘટમાળ વિચિત્ર છે. આ ભવમાં શત્રુ હોય તે ભવાંતરે મિત્ર થાય, મિત્ર શત્રુ થાય, માબાપ હોય તે સ્ત્રીપુત્રાદિ થાય. આ શત્રુતામિત્રતા તો ચોમાસાનાં અળસીયાંની ઉત્પત્તિ જેવી છે. અળસીયાં ચોમાસામાં થાય, પછી પાછા ખલાસ. આ શત્રુતા, મિત્રતા એવી છે. દુનિયાદારીના શત્રુ તે એક ભવનાં પણ પુરા શત્રુ નહિ, કેમકે જે એક વખત શત્રુ હોય તે બીજી વખતે મિત્ર પણ થાય છે. આત્માના સાચા અને નિયમિત શત્રુઓ આરંભ, પરિગ્રહ, વિષય, કષાય એ ચાર છે. આ ચાર દુશ્મન કેવા ? મહા જબ્બર ! ભવોભવના વેરી. એક પણ ભવમાં એ વેર વાળ્યા વગર રહ્યા નથી. નિયમિત શત્રુ તરફનો ભય ન સમજે અને કૃત્રિમ, અનિયમિત શત્રુનો ભય સમજે એના જેવો મૂર્ખ કોણ ? આવા વિચારે એ ચક્રવર્તી પોતાની હાર જણાવનાર તથા શિર પર લટકી રહેલ ભય સૂચવનાર ચેતવણીને રોજ-વારંવાર સાંભળતા હતા. દુનિયાના શત્રુઓને જેઓ ગૌણ ગણે તથા આરંભાદિ દુશ્મનોને મુખ્ય ગણે તોજ અને તેઓજ આવું સાંભળી શકે. આવું સંભળાવનારને ચક્રવર્તી તરફથી મળવામાં માત્ર ખોરાક અને પોષાક !