Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૨-૬-૩૪
૩૯૨
શ્રી સિદ્ધચક્ર આપણને બચાવી લેવા એમાં જ આપણા દેવનું દેવત્વ, પણ આ તો થઈ દેવના દેવત્વની વાત. આમાં આપણા માટે પણ એક કાર્ય કરવું બાકી રહે છે અને તે એ કે એ અઢાર દોષની મહા ભયંકરતા સમજવી. સમજો કે એક મનુષ્યને કોર્ટ તરફથી ફાંસીની સજા થઈ, એ માણસે એ સજા સાંભળી લીધી, અને કોઇપણ પ્રકારની બચવાની ભાવનાની લાગણીઓ ન બતાવી; છતાં એક બાહોશ વકીલે પોતાના યશની ખાતર ઉપરની કોર્ટમાં કેસ લઈ જઈને પોતાના પાંડિત્યથી એ સજા રદ કરાવી. ખરેખર આવો પ્રસંગ એક અપૂર્વ અને અતિ આનંદનો પ્રસંગ લેખાય ! છતાં એ પેલા સજા પામેલા માણસને લેશ પણ આનંદ નથી થતો; કારણકે એને જીવન શું એનું ભાન નથી. જિંદગીમાં શું સુંદરતા છે એનો કદી એણે અનુભવ કર્યો નથી. આ મનુષ્યદેહ કેટલો અમૂલ્ય છે એ વાત એ જાણતો નથી, અને મૃત્યુ એ કેવી ભયંકર વસ્તુ છે એ પણ એને ખબર નથી. જ્યારે ખરી જીવનની મહત્તા તો મૃત્યુની ભયંકરતામાં જ છે. ઠીક એજ પ્રમાણે એ અઢાર દોષોની ભયંકરતા સમજવામાં જ એનાથી છોડાવનાર દેવાધિદેવની પણ આપણે મહત્તા સમજી શકીએ છીએ. જ્યારે સ્વપ્રમાં પણ એ અઢાર દોષો પ્રત્યે આપણે તિરસ્કારની લાગણીઓજ અનુભવીયે તો સમજવું કે આપણું સમ્યકત્વ એ સાચું સમ્યકત્વ છે અને જો સ્વપ્નામાં પણ એ દોષમાંના એકાદ દોષનું સેવન કરતાં પણ જો આપણે આનંદ અનુભવીએ તો સમજવું કે આપણું સમ્યકત્વ એ સાચું સમ્યકત્વ નથી પણ એ સમ્યકત્વનો પડછાયો છે અને સાચા સમ્યક્ત્વમાં ને આપણામાં હજુ છેટું છે. માનો કે તમારા ઘરે એક પુત્રરત્નનો જન્મ થયો. એની ઉંમર સાત વરસની થઇ. એ તમારા કુટુંબના સંસ્કારના આધારે હંમેશાં શ્રીજિનેશ્વર ભગવાનને દેવ તરીકે અને સાધુ-મુનિરાજને ગુરુ તરીકે માને-પૂજે છે; મહાદેવ આદિક અન્ય દેવોને નમસ્કાર કરતો નથી; સંન્યાસી આગળ માથું નમાવતો નથી; મિથ્યાત્વીઓએ પ્રરૂપેલા વ્રતવ્રતોલા કરતો નથી; સુદેવને માને છે; કુદેવને નથી માનતો; આટલું બધું છે છતાં જ્યાં સુધી એ અઢાર દોષની ભયંકરતા, ભવભ્રમણના કાર્યમાં એ હાથરૂપ છે એ વાત, અને એ મહાઅનર્થકારી દોષો હઠાવવાના કારણે દેવમાં દેવત્વ આવ્યું છે એ વાત એ બાળક જ્યાં સુધી બરાબર નથી સમજતો ત્યાં સુધી એનું સમ્યકત્વ સાચું અને પાકું ન કહેવાય, અને એ તીર્થકર મહારાજનું સાચું મહાભ્ય ન સમજી શકે. તીર્થકર મહારાજાઓના કુળને આશ્રીને એવો નિયમ છે કે એમના કુળમાં કોઇપણ અભવ્યનો જન્મ ન જ થાય પરંતુ આપણા જેવા સાધારણ મનુષ્યો માટે એવો નિયમ નથી. આપણે ત્યાં જન્મેલું બાળક આપણી દેખાદેખી દેવદર્શન વિગેરે ધાર્મિક ક્રિયાઓ કરે અને આપણે કહેલા દેવને સુદેવ માને છતાં એટલા માત્રથી એ અભવ્ય ન જ હોઈ શકે અને આપણે ત્યાં જન્મેલ બાળક પણ ભવ્યજ હોય એવો નિયમ નથી થઈ શકતો. જ્યાં સુધી એ બાળક ઉપર કહ્યા પ્રમાણે ભવની ભયંકરતા અને એના મુખ્ય કારણરૂપ અઢાર દોષને