Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૨૧
ક્ષયોપશમ થવાથી તે જ્ઞાનનું અભિવ્યક્તપણું થયું એમ માન્યા સિવાય બુદ્ધિમાન પુરૂષો રહી શકેજ નહિ. જેવી રીતે ઉપરની હકીકત વિચારતાં આત્માનો જ્ઞાનસ્વભાવ માનવો પડે અને આત્માને જ્ઞાનાધિકરણ નહિ માનતાં જ્ઞાનમયજ માનવો પડે, તેવીરીતે દર્શન, સશ્રદ્ધા, વીતરાગતા, દાનાદિ શક્તિ એ સર્વ પણ આત્માના સ્વભાવજ છે એમ માન્યા સિવાય છૂટકો જ નથી. આવી રીતે સર્વ સંસારી જીવો તેમજ સિદ્ધના જીવો પણ જીવ તરીકે ગણાતા હોઇ સર્વ ઉપર જણાવેલા જ્ઞાનાદિ સ્વભાવવાળા છે, અને તેથીજ તે જીવ કહેવાય છે એમ સ્હેજે સમજી શકાશે.
ભાવદયાની અનંતગુણી અધિકતા.
આ જ્ઞાનાદિ ગુણોનેજ જૈનશાસ્ત્રકારો ભાવપ્રાણ તરીકે ઓળખાવે છે, અને તેજ ભાવ પ્રાણોની અપેક્ષાએ સિદ્ધદશામાં પણ જીવોનું જીવપણું માનવામાં આવેલું છે. અન્યથા મુક્ત થયેલા જીવોમાં આયુષ્ય ન હોવાથી શરીર હોતું નથી અને શરીરના અભાવે શ્રોત્રંદ્રિયઆદિ પાંચ ઇંદ્રિયોના બળ, તે મનયોગઆદિના બળ ન હોવાથી સિદ્ધોમાં જીવપણું કહી શકાતજ નહિ એટલુંજ નહિ પણ સંસારી જીવોમાં એ દરેક જીવ પૂર્વભવ છોડતી વખત તે ભવના પ્રાણોને છોડી દે છે અને બીજી ગતિમાં જતાં શ્વાસોશ્વાસ આદિક પ્રાણોમાંથી કોઈપણ પ્રાણને જોડે લઈ જતો નથી અને તેથી તેને જીવ તરીકે ગણવો મુશ્કેલ થઇ પડે, અર્થાત્ આ શ્વાસોશ્વાસઆદિક પ્રાણો દરેક ભવમાં થવાવાળા જુદા જુદા છે અને તેથી તે દ્રવ્યપ્રાણ કહેવાય છે, પણ સર્વભવમાં સર્વદા જીવની સાથે રહેનારા જ્ઞાનાદિકપ્રાણોને ભાવપ્રાણ કહેવાય છે. આ હકીકતથી ભાવપ્રાણોની કિંમત દરેક વાંચકના ખ્યાલમાં આવશે અને તેથીજ આગળ જણાવવામાં આવતી ભાવદયાની અનંતગુણી અધિકતા દ્રવ્યદયા કરતાં છે એમ સહેજે સમજાશે. આગળ આપણે જણાવી ગયા છીએ કે દ્રવ્યદયા કરવાથી દુ:ખીપ્રાણીને માત્ર દુ:ખની મહેતલજ મળે છે, પણ દુઃખનો નાશ થતો નથી. આ ઉપરથી તે પ્રાણીઓની અજ્ઞાનતા ખુલ્લી થશે કે જે પ્રાણીઓ બીજા રીબાતા પ્રાણીઓને મારવામાં ધર્મ ગણે છે, કારણ કે રીબાતા પ્રાણીઓના આ જન્મનો નાશ કરવાથી આપણી નજરે માત્ર તેના દુઃખોનો નાશ દેખાય પણ વાસ્તવિકરીતે તે રીબાતા પ્રાણીઓના દુઃખોના કારણભૂત કર્મોનો નાશ ન થાય ત્યાં સુધી તે રીબાતા પ્રાણીઓના દુઃખનો નાશ તેઓ પોતે કે બીજો કોઇ કરી શકેજ નહિ.
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણા રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદેશનાદિસંગ્રહ ૦-૮-૦
શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂ. ૦-૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.