Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા.૩૦-૧-૩૪
૨૦૦
શ્રી સિદ્ધચક્ર પણ આત્મા માટે ચાર પૈસાની પણ નોંધ પોથી રાખી ? કયા ગુણો પ્રગટ થયા નથી, કયા અવગુણો છે, અને તે કયે રસ્તે દૂર કરાય એ માટે કાંઈ નામું રાખ્યું ? અત્યારે તો ઉત્તમ કુલ વિગેરે પામ્યા પણ બીજી ગતિમાં આવી સ્થિતિ નહી મળે તો શું કરશું એ વિચાર કર્યો ? અનાદિકાલની રખડપટ્ટીમાં આ જીવે પોતાનો કે પોતાના ગુણોનો વિચાર કર્યો નથી. કર્માધિન રહેલ આત્માનો સ્વભાવ અંદર દેખાવાનો છેજ નહીં, તો બીજી વખતે કર્મ પોતાનું હથિયાર નહીં અજમાવે એની શી ખાત્રી? અત્યારે આપણી આટલી ઉંચી સ્થિતિમાં પણ કર્મ આપણને નચાવે છે ને ! આપણે કર્મના નોકર છીએ એવા થયા છીએ? થીએટરમાં માલીક જેમ હુકમ કરે તેમ નટ સ્વાંગ ભજવે છે, રાજા થવાનું કહે તો રાજા થાય, ઢેડ થવાનું કહે ત્યાં તેવો થાય, હસવાનું કહે ત્યાં હસે, રોવાનું કહે ત્યાં રૂએ, તેવી રીતે આ જીવ પણ કર્મ રૂપી મેનેજરના તાબામાં છે. તિર્યંચમાં મોકલે તોયે તૈયાર, નારકીમાં મોકલે તોયે જવા તૈયાર ! ક્રોધાદિક ચાર સિવાય આપણો વખત તો કાઢો ! આખી જીંદગીમાં આ સિવાયનો આપણો ટાઈમ નથીઃ ભવો ભવ આ રીતે કર્મ આપણને નચાવી રહેલ હોય, છતાં અત્યારે આવી સ્થિતિમાં પણ આપણે એ ન સમજીએ તો તિર્યંચમાં, વિકલેંદ્રિયમાં, નિગોદમાં, માનો કે ત્યાં આપણે આત્માને ઓળખ્યો પણ હોય તો પણ શું કરીએ? તમે નાટક કરો, નાચો તેમાં કર્મનું શું જાય? નટ નાટયકળામાં ખુબ કમાલ કરે એમાં થીએટરના મેનેજરને જાય શું? એકટર જેમ વધારે એકટીંગ કરે તેમ એ તો વધારે રાજી થાય. એ રીતે જીવ જેમ કર્મનું પોષણ વધારે કરે તેમ કર્મ તો વધારે રાજી થાય. કર્મના શોષણનો એક જ ઉપાય.
કર્મનું શોષણ થાય શી રીતે ? એકજ ઉપાય છે. બીજા બધા રસ્તા નકામા છે, માત્ર હૃદયમાં નક્કી કરો કે કર્મનું શોષણ કરવું જ છે. કર્મ વસ્તુ સમજીને કર્મનું શોષણ હૃદયમાં નથી આવતું તો આપણી દશા શી થાય? તમે ભગવાનનું અંગલુંછણું કર્યું, પૂજા તમારે કરવી છે પણ એટલામાં બીજો ભાઈ આવીને પ્રથમ પૂજા કરી ગયા, એમાં આંખો ચડી ગઈ શાથી? કર્મ શોષણમાં કયો વાંધો આવ્યો? કર્મક્ષયના ભાવમાં અડચણ કઈ આવી? જો લાભ લેતાં આવડે તો તે સીધી વાત છે કે ભગવાનની પૂજા જ કરવાની હતી, તો એમાં વાંધો શો? ગમે તે ફૂલ ચઢાવે પણ હેતુ ભક્તિનો જ છે. પહેલાં બીજા ભાઈએ એ લાભ લીધો તો કરવાનું તેણે કર્યું અને ધર્મીની પણ સગવડ સચવાણી, એની પણ ભક્તિ થઈ, ગયું શું? આતો ઉલટું દહેરાને પણ મૂકી દે, દશા કઈ? દહેરાંનું દૃષ્ટાંત દીધું એ રીતે બધે સમજી લેવું. કર્મ શોષણની ક્રિયામાં પણ આપણે સાવચેત નથી. એ મુદ્દો ઘણો ખસી જાય છે. ધારણા કર્મશોષણની ભલે હોય પણ ધ્યેય સ્થિર રહેતું નથી. આજની સભાઓ તરફ જુઓ તો જણાશે કે ઉદ્દેશ પત્રો વાંચતાં જામે ન્યાલ કરી દેશે એમ લાગે, પણ પ્રવૃત્તિમાં આવવું મુશ્કેલ પડે છે; અર્થાત્ હેતુસર પ્રવૃત્તિ નથી. જેઓએ ઉદ્દેશક રાખ્યો નથી, તેના કરતાં પણ ઉદ્દેશ રાખનારા સારા છે, પણ ઉદ્દેશ પ્રમાણે ચાલનાર હજારે એક, જ્યારે ૯૯૯ ઉદ્દેશ પ્રમાણે ચાલનારા નથી. એજ રીતે કર્મથી કયારે છુટું એવું મનમાં થાય છે, તે પેલા સભારંજન કરવા માટેના ઉદ્દેશપત્ર જેવું છે. માટે જો કર્મનું શોષણ કરવું જ હોય તો કર્મશોષણનું ઉદ્દેશપત્ર હંમેશાં નજર આગળ રાખો.