Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૫-૧-૩૪
૧૦૧
શ્રી સિદ્ધચક્ર આદિકના આરંભમય પૂજનથી નિરારંભમય સર્વવિરતિનું ધ્યેય કેવી રીતે સિદ્ધ થઈ શકે ? આવી શંકા કરનારે સમજવું જોઇએ કે જેમ જેમ ગુણવાનની ભક્તિ વધારે થાય તેમ તેમ ગુણવાન પ્રત્યે આદરની દશા પણ ઉચ્ચ ઉચ્ચતર થતી જાય, અને જેમ જેમ ગુણવાન પ્રત્યે આદરની દશા ઉચ્ચ ઉચ્ચતર થતી જાય, તેમ તેમ તે ગુણો ગુણવાનના વચનો તરફ શ્રદ્ધાની તીવ્રતા પ્રગટ થાય, અને જેમ જેમ ગુણવાનના વચનો તરફ પૂજકની શ્રદ્ધા તીવ્ર તીવ્રતર થતી જાય તેમ તેમ તે પૂજક તે ગુણવાનના વચનો પ્રમાણે વર્તવાને કટિબદ્ધ થાય અને વચન પ્રમાણે વર્તવાને કટિબદ્ધ થયેલો પુરુષ, વચનમાં તન્મય થવાથી તન, મન, ધન, કુટુંબ,
સ્ત્રી, પુત્ર, માતા, પિતા વિગેરે સર્વના ભોગે પણ ગુણવાનના વચન પ્રમાણે વર્તવા તૈયાર થાય અને તેજ સર્વવિરતિનું સ્વરૂપ છે, એટલે ભગવાનની મૂર્તિના પૂજનથી સર્વવિરતિરૂપ ધ્યેયને પહોંચવાનું બની શકે છે. જો કે જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજન કરનારા સર્વ મનુષ્યો તેજ ભવમાં સર્વવિરતિના ધ્યેયને પહોંચી જતા નથી, તો પણ જે કાળમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી તે કાળમાં પણ મોક્ષના સાધનરૂપ સમ્યગુદર્શન જ્ઞાનચારિત્ર આદરનારા મહાનુભાવો પોતાના સમ્યગુદર્શન આદિને નિષ્ફળ ગણતા નથી, કારણકે તે મહાત્માઓ સારી પેઠે સમજે છે કે અનેક ભવસુધી આવા સમ્યગુદર્શન આદિનો અભ્યાસ કરવાથીજ, ઘણા ભવો પછીજ મોક્ષ મળશે, પણ તે ઘણા ભવો પછી મળવાવાળો મોક્ષ આ ભવમાં આદરતા સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રને જ આભારી છે, તેવી રીતે આ દ્રવ્યપૂજા પણ ઘણા ભવો સુધી કરવામાં આવે અને પછી સંસ્કારની પરંપરા વૃદ્ધિ પામતાં, સર્વવિરતિનો લાભ ભવાંતરે થાય તો તેથી સમ્યગુદૃષ્ટિ જીવ નાસીપાસ થાય જ નહિ. યાદ રાખવું જોઈએ કે સર્વવિરતિ પણ કાંઇ તેજ ભવે મોક્ષ આપી દેતી નથી, પરંતુ ઘણા ભવો સુધી વિરાધનાનું સર્વથા વર્જવું, અને આરાધનાનું સંપાદન કરવું બનતું રહે તોજ સર્વવિરતિ પણ ભવાંતરે મોક્ષ આપે છે. તેવી રીતે અવિધિના વર્તનોને દૂર રાખતો, તેમજ વિધિના વર્તનોની પિપાસા ધરી તેને માટે અત્યંત ઉદ્યમ કરનારો, દ્રવ્યપૂજા કરનાર જીવ ભવાંતરે સહેલાઇથી સર્વવિરતિને પામી શકે છે. સાથે એ પણ યાદ રાખવાની જરૂર છે કે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને પૂજન કરનારો મનુષ્ય જિનેશ્વર ભગવાનના રાજવૈભવને કે સુખ સમૃદ્ધિને આગળ કરીને પૂજન કરતો નથી, પણ ભગવાન જિનેશ્વરદેવે આરંભ, પરિગ્રહ, વિષય, અને કષાયનો સર્વથા ત્યાગ કરી છે અનગારિતા વિગેરે પ્રાપ્ત કર્યા, અને અજ્ઞાન વિગેરે અઢારે દોષોએ રહિત થયા, એ ગુણને આશ્રીને શ્રદ્ધાસંપન્ન મનુષ્યો ભગવાન જિનેશ્વરની મૂર્તિનું પૂજન કરે છે. એટલે જે સર્વવિરતિ વિગેરે ગુણો ધારીને ભગવાનની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે તે ગુણો તરફ તે પૂજકનું નિઃસીમ બહુમાન હોય તે સ્વાભાવિકજ છે, અને શાસ્ત્રીય નિયમ પ્રમાણે જે ગુણો તરફ જે મનુષ્યનું નિઃસીમ બહુમાન હોય તે મનુષ્ય તે ગુણોને પ્રાપ્ત કરવાના શુભ અધ્યવસાયવાળોજ હોય, અને તે શુભ અધ્યવસાય સમયે સમયે અનંતી નિર્જરા કરાવનાર થાય તેમાં બે મત હોઈ શકે જ નહિ, અને તેવી નિર્જરાથી આત્મા નિર્મળતા પામીને પોતાના લાયોપથમિક કે ક્ષાયિક ગુણોને પ્રાપ્ત કરે તેમાં આશ્ચર્યજ નથી.