Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦
શ્રી સિદ્ધચક
તા.૧૫-૧-૩૪
સ્વપ્નાની સુખડલી ભૂખ ભાંગે નહીં.
સ્વપ્નામાં કોઈ મનુષ્યને દેવતા પ્રસન્ન થયો, અને વરદાન માંગવા કહ્યું, એણે રાજ્ય માંગ્યું, દેવતાએ તે આપ્યું, પણ રિદ્ધિ વગરનું રાજય કામનું શું? એટલે ફરી રિદ્ધિ માંગી અર્થાત્ રાજય રિદ્ધિથી ભરેલું રાજય માગ્યું, દેવે તે આપ્યું; પણ પડોશના રાજ્યોના આવતા હુમલા હઠાવવાનું બળ ન હોય તો આ ટકે કેટલા દિવસ ? જંપીને ઊંઘી ન શકાય, એ વિચારથી પોતે તેવું બલ માંગ્યું, દેવતાએ તે પણ આપ્યું; યાદ રાખો કે આ બધો સ્વપ્ન-વ્યતિકર છે. આ જીવ સ્વપ્નમાંયે કયાં ઓછી ધાંધલ કરે છે ! આટલું મળ્યાબાદ બીજાની કીર્તિ સાંભળીને ઈર્ષ્યા આવી. વરસાદને કહેવામાં આવે છે કે તું કાળો તો અમે ઉજળા, તું ધોળો તો અમે કાળા.' ઇર્ષાળુઓ બીજાની પડતીમાંજ સુખ પામે છે, જો બીજા સુખી દેખાય તો અઢળક સુખ છતાં પોતે દુઃખી થાય છે, બીજાની સંપત્તિ ઈર્ષાળુઓને અંગારારૂપ ભાસે છે, જ્યારે બીજાની વિપત્તિ ઠંડક રૂપ લાગે છે. વસ્તુતઃ ઉંધીપુતળીની કાર્યવાહી કરનારાઓ ઈર્ષાળુઓ હોય છે. સ્વપ્નમાંયે (સ્વપ્નમાં સુતેલા મનુષ્યને) રાજ્ય રિદ્ધિ મળ્યાં, શત્રુઓ તાબે થયા છતાં ચેન ન પડ્યું, ત્યાંયે બીજાની કીર્તિ સહન ન થઈ ત્યારે એણે બીજાની કીર્તિ પોતાની કીર્તિથી વધે નહીં, એવું પેલા દેવતા પાસે માંગ્યું. આથી દેવતાએ એને ચક્રવર્તિપણું આપ્યું. સ્વપ્નમાં આ ભાઈ સાહેબ છખંડનો માલીક ચક્રવર્તિ થયો, ચોમેર એનીજ કીર્તિ ગવાય એવો થયો, નવનિધાનનો ધણી થયો, બત્રીસહજાર રાજાનું આધિપત્ય ભોગવનારો થયો પણ આ બધું ક્યાં સુધી? આંખ ઉઘડે (ખુલે) નહીં ત્યાં સુધી. આંખ મીંચાયેલી છે ત્યાં સુધી, આંખ ખુલ્યા પછી એમાંનું કાંઇજ નહીં ! તેવીજ રીતે આ જીંદગીમાં ચક્રવર્તિપણું વિગેરે મેળવીયે તે ક્યાં સુધી ટકે? આંખ મીંચાય નહીં ત્યાં સુધી. કોઈ મહાજ્ઞાની એમ કહે કે મહારાણી વિકટોરીયા મરીને આ છોકરી થઈ છે અને એ નીર્ષિત થાય તેવી વાતો સાંભળવામાં આવે તો પણ એને આજે કોઈ રાજગાદી પર બેસવા દેશે ? નહીંજ આંખ મીંચાયા પછી કશીજ માલીકી નથી. કોના હિસાબે અને કોના જોખમે? વિચિત્ર વેપાર !
દુનિયામાં કેટલાક એવા કાર્યપ્રસંગોમાં સામાને તમે સાફ સાફ કહી દો છો કે-“આ વાત તમારા હિસાબે અને જોખમે છે.” આપણે જે મહેનત કરી રહ્યા છીએ તેમાં શું છે? એ બધું આપણા જોખમે અને કુટુંબાદિકના હિસાબે થાય છે. જો આપણા હિસાબે થતું હોય તો આપણું મેળવેલું આપણે જ્યાં જઇએ ત્યાં તે મળવું જોઈએ. આખા ઘર માટે શાક સમારવા બેસીએ, તેમાં આંગળી કપાય તો દુઃખ (વેદના) કોને થાય? સમારનારને કે આખા કુટુંબને ? ચોરી કરીને અમુક દલ્લો ઉઠાવી લાવ્યા તો એનો માલીક કોણ? આખું કુટુંબ. વડીલોપાર્જિત મિલકત કહી આખુ કુટુંબ હઠ કરે પણ ચોરી પકડાય તો સજા કોણ ભોગવે? ત્યારે મહેનત માત્ર થઈ કુટુંબના હિસાબે, અને આપણા જોખમે શું? મહેનત કરી કરીને આપણે જે માલમિલકત મેળવીએ છીએ “તે મેળવીએ છીએ” આપણા જોખમે; પણ એ બધા ઉપર માલીકી થાય છે કુટુંબની ઉપાર્જન કરનાર છતાં આપણે એના ખરેખર માલીક નથી.