Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫૮
તા.૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર સંપાદાન કરી એટલે રાજા પણ માન આપે છે, પિતાનો મિત્ર શેલડીના સાંઠા લઈને મળવા આવે છે. આ વાત કઈ ઉંમર માટે લાયક? શ્રીપંચકલ્પભાષ્યકાર જણાવે છે કે પ્રભુ આર્યરક્ષિત સૂરીશ્વરજીની સોળની અંદરની એ ઉંમર. શ્રીપ્રભવસ્વામીજી સોળ વર્ષના, શું પૂજ્ય ગણધરોએ માબાપની રજા લીધી છે? માબાપની રજા વિના ભગવાન મહાવીરે પણ દીક્ષા આપી છે ને ! શ્રીગૌતમસ્વામીજીની દીક્ષાથી અગ્નિભૂતિ, વાયુભૂતિ વિગેરે કેટલા ઉછળ્યા છે? ભગવાને પોતે ગર્ભમાં કરેલો આચાર અને દીક્ષા પછી કરેલો આચાર એ બેમાં કાયદા રૂપે કયો ગણવો? ભગવાન ગૃહસ્થપણામાં રહ્યા તેમાં કર્મોદયનું કારણ ખરું કે નહીં? જો કર્મનો ઉદય ન હોય તો ગૃહસ્થપણે રહી શકાય નહીં. મોહનીય કર્મનો ઉદય એ એક એવી ચીજ નથી કે જો જીવ પ્રયત્ન કરે તો એને તોડી ન શકે. ભગવાનને નિકાચીત કર્મ નથી. ગૃહસ્થપણામાં રહેવાના કારણભૂત કર્મ નીકાચીત નથી, તે તોડવા ધારતા તો તોડી શકત. મોહનીય કર્મના ઉદયથી ભગવાન ગૃહસ્થપણમાં રહ્યા છે તેથી તે વખતનો કાયદો આચરી શકાય નહીં. ભગવાને સેંકડો દીક્ષાઓ એવી દીધી છે કે જેમાં માબાપની રજા પણ લીધી નથી. માતા મરૂદેવા આંધળા થવાના છે એવું ભગવાન શ્રી આદિનાથજીને પોતાના જ્ઞાનમાં નક્કી છે છતાં દીક્ષા લીધી કે નહી ? એમનું અવધિજ્ઞાન સર્વાર્થસિદ્ધના દેવતાઓના અવધિજ્ઞાન જેટલું છે, કેમકે તેઓ ત્યાંથી ચ્યવને આવ્યા છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પહેલાભવમાં જે અવધિજ્ઞાન હોય તેજ જ્ઞાન અહીં હોય. ભગવાન શ્રી ઋષભદેવજી અવધિજ્ઞાનથી અસંખ્યાત કાલને નજરે દેખે છે. માતાનું અંધત્વ જાણવા છતાં પણ તેઓએ દીક્ષાને જતી ન કરી તો એ દીક્ષા કેટલી જરૂરી? મરૂદેવામાતાની અંતરમુહૂર્તની સાચી મહેનત.
જ્યારે ભગવાન શ્રી ઋષભદેવજીને કેવળજ્ઞાન થયું, ત્યારે ભરતચક્રવર્તી પોતાને રોજ ઓલંભો દેનાર દાદીને હાથીને હોદ્દે બેસાડીને ભગવાનની ઋદ્ધિ જોવા લઈ જાય છે, અને એ દેખાડીને કહે છે-“જૂઓ! આ તમારા પુત્રની રિધ્ધિ પાસે મારી ચક્રવર્તીની રિદ્ધિ તણખલા જેવી છે, એવી એ નથી!” એજ વખતે માતાનું અંધત્વ દૂર થાય છે, દ્રવ્યઅંધત્વ સાથે ભાવઅંધત્વ પણ ખસી જાય છે; સંસારના સ્નેહને બંધનરૂપ પોતે સમજે છે, અને એ વિચારસરણીમાં ચઢેલા મરૂદેવ માતા કાચી બેઘડીમાં બેડો પાર કરે છે, એક અંતમુહૂર્તમાં કેવલજ્ઞાન પામી મોક્ષે જાય છે. જીંદગીભરમાં અંતમુહૂર્તની સાચી મહેનત અનંતકાલ ટકે છે. બે ઘડીની એવી મહેનત એ સર્વકાલનું ફલ આપે છે; બાકી દુન્યવી મહેનત તો જીંદગીભર કરેલી છેલ્લી ક્ષણે માટીમાં મળી જાય છે; મહેનત તો કરવી જ છે, તો કઈ કરવી, કયે રસ્તે કરવી એનું પૃથક્કરણ તે કરે છે જે અનાદિનું ભવભ્રમણ લક્ષ્યમાં છે. જેને ભવભ્રમણનો ડર હોય તેને શુદ્ધ દેવાદિનું આરાધન ફલપ્રદ નીવડે, અને એ ધ્યાનમાં ન હોય તો એજ આરાધના નિષ્ફળ છે. હવે એ આરાધનાને પ્રભુમાર્ગની રિતિએ અવલોકીએ.