________________
૪૪
જિનમાર્ગનું જતન એમાં આપણે સાબદા થઈ કેટલું સમર્પણ કરીએ છીએ એના ઉપર જ આપણી કામયાબીનો આધાર છે.
જૈનધર્મ ઉત્કટમાં ઉત્કટ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાની સાધનાને વરેલો ધર્મ છે; આમ છતાં ધર્મપાલન કરનારની શક્તિ, વૃત્તિ અને પરિસ્થિતિને અનુલક્ષીને એણે સાધુધર્મ અને ગૃહસ્થધર્મના બે સ્પષ્ટ વ્યવહારુ માર્ગોનું ઉદ્દબોધન કર્યું છે. એને લીધે પોતાની જાતની કે દેશની રક્ષાનો અને એ રક્ષા માટે અહિંસાની સીમાને ઓળંગવાનો અવસર આવી પડે તો આપણે શું કરવું એવી કોઈ દુવિધા ઊભી થતી નથી. જૈન ઇતિહાસમાં અનેક એવા પ્રસંગો જોવા મળે છે, કે જ્યારે દેશ ઉપરના આક્રમણ વખતે એનો સજ્જડ મુકાબલો કરવામાં આવ્યો હોય. આપણે ચાહીને અને સામે ચાલીને બીજા ઉપર આક્રમણ કરીએ તો તો આપણે કેવળ હિંસક જ સાબિત થઈએ; પણ આક્રમણનો સામનો કરવાનું ધર્મસંકટ ઊભું થાય તો અહિંસાની અમુક મર્યાદાનું ઉલ્લંઘન થવા છતાં આપણે દોષપાત્ર ઠરતા નથી.
એટલે આપણા દેશ ઉપર જ્યારે ચીને આક્રમણ કર્યું છે ત્યારે આપણે જૈનોએ શું કરવું જોઈએ એવી જરા પણ દુવિધામાં અટવાવાની જરૂર નથી. અત્યારને વખતે આપણો કર્તવ્યપંથ સાવ સ્પષ્ટ છે કે આપણે આ આક્રમણનો પ્રતિકાર કરવા માટે આપણી સરકારને સંપૂર્ણ અને સક્રિય સહકાર આપવો જોઈએ.
આ સંબંધમાં હજી પણ જો આપણા મનમાં કોઈ દુવિધા હોય તો તે, તાજેતરમાં જ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરિજી, મુનિશ્રી જનકવિજયજી ગણી અને અન્ય મુનિવરોએ જે જાહેરાત કરી છે અને એમની જીવંત અને જાગૃત રાષ્ટ્રભક્તિનું આપણને જે પ્રેરક દર્શન કરાવ્યું છે, એનાથી દૂર થઈ જવી જોઈએ.
ગત કારતક વદ પાંચમની સંક્રાંતિ નિમિત્તે લુધિયાનામાં ભેગા થયેલા પંજાબનાં જુદાં-જુદાં શહેરો અને ગામોના શ્રીસંઘની સમક્ષ દેશ ઉપર આવી પડેલ આક્રમણ વખતે આપણું શું કર્તવ્ય હોઈ શકે એ માટે લાંબું પ્રવચન કરવાને બદલે પોતાની કર્તવ્યદિશાનો ખ્યાલ આપતાં આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીએ જે કંઈ કહ્યું તે હૃદયને સ્પર્શી જાય એવું હતું આ છે એમના એ પ્રેરક ઉદ્દગાર : “લગ્નાદિમાં ઓછામાં ઓછો ખર્ચ કરી વધારાના પૈસા દેશની શાંતિ માટે અર્પણ કરવા જોઈએ. દેશ અને વિશ્વની શાંતિ માટે ગણિવરજીએ (મુનિશ્રી જનકવિજયજી ગણીએ) કહ્યું તેમ હું પણ મારું લોહી આપવા તૈયાર છું; ભલે અત્યારે જ લઈ લે.”
પણ દેશ અને વિશ્વની શાંતિ માટે પોતાનું લોહી આપવાની વાતથી પોતાનું કર્તવ્ય પૂરું થતું ન હોય એમ માની જાણે આપણી સુષુપ્તિને પણ દૂર કરતાં તેઓશ્રીએ કહ્યું :
“વિશ્વશાંતિ માટે કોઈ શુદ્ર દેવતા માનવબલિ માગતો હોય તો સર્વ પ્રથમ હું મારી બલિ આપવા તૈયાર છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org