Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 487
________________ ૪૬૪. જિનમાર્ગનું જતન કે દયાવૃત્તિનો ઉપભોગ કરે છે કે લાભ લે છે, તે, જો આવી અનુકંપા કે દયાનો કેટલે અંશે અને કેવા વખતે લાભ લેવો એ અંગે સતત જાગૃત ન હોય, તો મનનો ઢીલો, દાનતનો ચોર અને શરીરથી પાંગળો બનીને જીવનભર લાચારીનો ભોગ બની જાય છે ! પછી એનું મન જાતે શ્રમ ક૨વાને બદલે બીજાની સહાય મેળવવા તરફ જ વધારે દોડતું રહે છે. પછી પરાધીનતા એના દિલને ડંખતી નથી, અને ગમે ત્યારે – સાચી જરૂર ન હોય છતાં હાથ પસારતાં એને શરમ કે સંકોચ થતાં નથી; જાણે એની વિવેકબુદ્ધિ જ અવરાઈ જાય છે. અનુકંપા કે દયાનો ઉપભોગ કરવાની આ માઠી અસર અને એનો આ મોટો ગેરલાભ. કમનસીબે જે વ્યક્તિનું સમસ્ત જીવન જ ઘડપણ, લાંબી કે અસાધ્ય બીમારી કે એવા કોઈ અનિવાર્ય કારણે દુઃખી અને લાચાર બની ગયું હોય એની વાત જુદી છે. મતલબ કે માનવી-માનવી વચ્ચેના અનુકંપા કે દયાના વ્યવહાર પ્રસંગે લેનારમાં લાચારી કે વિવેકહીનતા જેવી ઘાતક વૃત્તિઓ પ્રવેશી ન જાય એનો ખ્યાલ બંને પક્ષે સતત રાખવો જોઈએ. માનવીની સત્ત્વશીલતા ટકી રહે અને સંકટસમયે એને જોઈતી સહાય પણ મળી રહે એ રીતે વિવેકપૂર્વક જ અનુકંપા કે દયાનો પ્રયોગ થવો જોઈએ. આ રીતે વિચારતાં, પગભર થવાનો રાજમાર્ગ તો કેવળ સ્વપુરુષાર્થ જ લેખી શકાય. ‘આપ સમાન બળ નહીં, અને મેઘ સમાન જળ નહીં' એ પ્રચલિત લોકોક્તિનું રહસ્ય આ જ છે. સમસ્ત સિદ્ધિઓનો સિદ્ધ થયેલો ઉપાય પુરુષાર્થ જ છે; ભલે પછી એ સિદ્ધિ ભૌતિક હોય કે આધ્યાત્મિક. જૈનદર્શને તો હંમેશા પુરુષાર્થને, પરાક્રમને અને વીર્યને જ સિદ્ધિનું પરમ અને ચરમ સાધન માન્યું છે. પુરુષાર્થનો સ્વાયત્ત માર્ગ છોડીને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે અત્યારના ભારે આર્થિક ભીંસ અને બીજી અનેક મુશ્કેલીઓથી સંકુલ બનેલા સમયમાં સમાજને સમાજનાં કમજોર, કમ સાધનવાળાં કે મુસીબતમાં સપડાયેલાં ભાઈઓ-બહેનોને – ટકાવી રાખવાના ઉપાયોનો જ્યારે પણ વિચાર કરવામાં આવે ત્યારે તાત્કાલિક રાહતની દૃષ્ટિએ અનુકંપા, દયા કે સહધર્મીપણાની ભાવનાથી પ્રેરાઈને ભલે સીધી કે આડકતરી આર્થિક સહાયતા આપવાની યોજના કરવામાં આવે, પણ સમાજના લાંબા ગાળાના અને કાયમી હિતની દૃષ્ટિએ તો, સમાજ જાતે પગભર કેવી રીતે બને અને સન્માનપૂર્વક જીવન જીવવાનું આત્મવિશ્વાસી વલણ કેવી રીતે અપનાવે એ તરફ જ આપણું ધ્યાન સવિશેષ કેન્દ્રિત થવું જોઈએ. આમ કરવાનો એકમાત્ર માર્ગ સમાજમાં પુરુષાર્થ કરવાની વૃત્તિને ઉત્તેજન મળે એવી સગવડો અને યોજનાઓ ઊભી કરવી એ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501