________________
૪૬૫
જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૪
ક્રમેક્રમે સમાજ વધુ ને વધુ સ્વનિર્ભર બને અને એ માટેનું આપણું કરેલું ખર્ચ, અન્નના વાવેતરની જેમ, પૂરેપૂરું લેખે લાગે એ માટે શું કરવું જોઈએ અને કેવી યોજનાઓ ઘડવી જોઈએ એ વાત આપણી જાણ કે અનુભવ બહારની નથી. એક વેપારી કોમ તરીકે આર્થિક રીતે પગભર અને સધ્ધર કેવી રીતે બની શકાય એ આપણે - આપણામાંનો અમુક વર્ગ – સારી રીતે જાણીએ છીએ. જે બાબત એક વ્યક્તિને માટે પગભર અને સધ્ધર થવા માટે સાચી છે, તેનો પ્રયોગ વ્યાપક રીતે સમાજના હિતને માટે પણ થઈ શકે; આ બાબત છે સમાજના આર્થિક જરૂરિયાતવાળા વર્ગને સીધેસીધી આર્થિક સહાયતા આપીને એને વધુ લાચાર કે કાયમને માટે પરાધીન બનાવવાને બદલે, એમની શક્તિ અને બુદ્ધિનો અર્થોપાર્જન માટે યથાશક્ય ઉપયોગ કરી લેવો એ. માનવીને કામ કરવાને માટે બે હાથ મળ્યા છે અને કામની યોજના કરવાને માટે ભેજું મળ્યું છે એ એને ઈતર પ્રાણીજગતથી જુદો પાડતી વિશેષતા છે; એટલું જ નહીં, એના ઉપર સરસાઈ મેળવવાની તક પણ એ જ પૂરી પાડે છે. મહાભારતમાં માનવીને મળેલા બે હાથનો સાચી રીતે ભારે મહિમા વર્ણવવામાં આવ્યો છે. પવિત્ર (પશિ, એટલે હાથ) નામે એક વિભાગ જ ત્યાં મળે છે.
આપણે કેટલાંક સ્થાનોમાં ઉદ્યોગગૃહ જેવી સંસ્થાઓ ચલાવીએ છીએ તેનો હેતુ સમાજ લાચાર કે પરવશ બનવાને બદલે પગભર અને સ્વાયત્ત બને એ જ છે. અમારી સમજ મુજબ, સમાજને સુખી, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવાનું એ એક સાચી દિશાનું સાચું પગલું છે.
આ રીતે વિચારતાં અત્યારની જરૂરિયાતના પ્રમાણમાં આપણે ત્યાં ઉદ્યોગોગૃહોની સંખ્યા બહુ જ અલ્પ છે; અને જે થોડાંક છે તે પણ જોઈએ તેવાં માતબર, પ્રાણવાન અને સધ્ધર નથી. એટલે આ દિશામાં આપણે ત્યાં અત્યાર સુધીમાં જે કંઈ પ્રયત્નો થયા છે, તે “પાશેરામાં પહેલી પૂણી' કરતાં ય ઓછા છે એમ કહેવું જોઈએ; અને વિશેષ શોચનીય બાબત તો એ છે કે આ ખામીને દૂર કરવા તરફ આપણા મોવડીઓનું ધ્યાન હજી બહુ ઓછું ગયું છે. સમાજના નાયકપદે બિરાજતા આપણા ગુરુમહારાજોમાંથી તો આ દિશામાં વિચાર કરતા કે પ્રેરણા આપતા સાધુમહારાજો આંગળીને વેઢે ગણી શકાય એથી પણ ઓછા છે. જાણે બધું પરલોક માટે કરવામાં જ સાર હોય અને આ લોકને સુખી કરવાનો પ્રયત્ન કરવો એ કોઈ દોષ કે ગુનો હોય એવી કઢંગી માન્યતા ત્યાં ઘર કરી બેઠી લાગે છે. પેટમાં ખાડો અને વરઘોડો જુઓ” એ વાત બની શકતી નથી. એટલે ધર્મગુરુઓ સમાજ કે સંઘનો પરલોક સુધરે એની ચિંતા ભલે સેવે, પણ એ ચિંતા આ લોકના સુખના ભોગે સેવાશે તો સરવાળે બને બગડ્યા વગર નથી રહેવાનાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org