Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 494
________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૬ ૪૭૧ છે. આ વાતને આજના આપણા શાસકપક્ષે જરાક જુદી રીતે અપનાવી છે : સાચું બોલાઈ ન જાય, સાચું જોવાઈ ન જાય અને સાચું સંભળાઈ ન જાય એની પૂરી ખબરદારી રાખવી ! આના લીધે કેટલાય નેતાઓની આસપાસ ખુશામતખોરોની જમાત જામી પડી છે. જાણે હાજીહા કરનારાઓનો રાજાશાહીનો યુગ નવે અવતારે પાછો આવી રહ્યો છે. સંગઠનનું બળ ધરાવતા સરકારી અમલદારો, કર્મચારીઓ અને મજૂરોને માટે ભાવવધારો ગળે ટૂંપો થઈ શકે એમ નથી. તેઓ પોતાના બળે પોતાની આવકમાં ઠીક-ઠીક વધારો કરાવી શકે છે. મોટા-મોટા ઉદ્યોગપતિઓ કે પ્રથમ પંક્તિના મોટા વેપારીઓ માટે તો દૂધ-ચોખા અંગે પણ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી; કેટલીક વાર તો સરકારની નાડ એમના જ હાથમાં હોય છે ! મોટા ખેડૂતોને પણ મોંઘા ભાવે અનાજ વેચીને મોંઘી ચીજો ખરીદવામાં ઝાઝી. મુશ્કેલી પડે એવો બહુ ઓછો સંભવ છે. પણ જે નાનું સરખું કારખાનું કે નાની-સરખી હાટડી ચલાવીને પોતાની રોજી રળવા પ્રયત્ન કરે છે, તેઓ તથા ખાસ કરીને જે ખાનગી પેઢીઓમાં ગુમાસ્તાગીરી કરીને કે પ્રાથમિક કે ખાનગી નિશાળોમાં શિક્ષક તરીકે કામ કરીને કે એવી જ કોઈ નોકરી બજાવીને બિલકુલ મર્યાદિત આવકમાં પોતાનો ગુજારો કરવા મથામણ કરે છે, એમનો જીવનનિર્વાહ તો લગભગ અશક્યતાની સીમાએ પહોંચી જાય એવી કટોકટીભરી સ્થિતિ આવી પહોંચી છે. આ કટોકટી, ખરી રીતે, ચીનના આક્રમણ કરતાં જરા ય ઓછી ખતરનાક નથી. આજે તો એક બાજુ સામી છાતીએ ગુનો કરવાની અને કાયદાને નેવે મૂકવાની હિંમત તેમ જ ગુનો કરવા છતાં પકડાઈ નહીં જવાની વિચક્ષણતા આગળ વધી રહી છે, તો બીજી બાજુ કાયદાની ભરમારે ઊભી કરેલી ગૂંગળામણથી અસહાયતા અનુભવીને રાંક બનેલી આમપ્રજા છે. આ હૈયાફૂટાઓની ગુનાખોરવૃત્તિ અને પોતાની અસહાયતાનાં બે નેતરાંથી વલોવાઈને સમગ્ર પ્રજાજીવન ધ્વસ્ત થઈ રહ્યું છે, રાષ્ટ્રીયતા હોડમાં મુકાઈ ગઈ છે અને ગીતાએ ઉદ્દબોધેલ દૈવી વિભૂતિઓનું મૂલ્ય નામશેષ થઈ ગયું છે. અમને લાગે છે કે અત્યારની સ્થિતિની વધુ ઉપેક્ષા સેવતાં સામાન્ય પ્રજાજીવન સાવ અશક્ય જેવું બની ગયા વગર નથી રહેવાનું. શું આવી સ્થિતિ સર્જાવા દેવી છે? ઇચ્છીએ કે મોડું થાય તે પહેલાં જાગૃતિનું નગારું ગજવનાર અને સાંભળનાર કોઈક તો નીકળે! એ ક્યારે નીકળશે ? કોણ નીકળશે ? (તા. ૮-૨-૧૯૬૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501