________________
૧૭૩
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૨૩
ચંબલ નદી આપણા દેશની મોટી નદીઓમાંથી એક છે; એ એના જળપ્રવાહ કરતાં એની આસપાસ આવેલાં કોતરો માટે વિશેષ જાણીતી છે. આ કોતરો મુખ્યત્વે તો મધ્યપ્રદેશમાં આવેલાં છે; છતાં એનો વિસ્તાર એટલો બધો છે, કે એ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ ફેલાયેલાં છે. એ કોતરો ઊંડાં પણ એટલાં બધાં છે, કે ન પૂછો વાત. તેથી જ મોટા-મોટા ગુનેગારો, ચોર-લૂંટારાઓ અને બહારવટિયાઓને માટે એ સ્વર્ગ સમાં બની ગયાં છે ! ત્યાં જાણે હેતાળ માતાના હૂંફાળા ખોળામાં બેઠા હોય એમ, આવા બધા સમાજપીડક ગુનેગારો દાયકાઓ સુધી નિરાંતે રહી શકે છે અને ભલભલી સરકારોને પણ હંફાવી શકે છે. આવા હજારો ગુનેગારો સંતાઈને રહે, છતાં કોઈને એમનાં છૂપાં રહેઠાણોની કેડીઓનો અણસાર-સરખો પણ ભાગ્યે જ મળે એવાં અગોચર અને સુરક્ષિત આ સ્થાનો છે.
અને ચંબલની આ વિખ્યાત ખીણો કંઈ પાંચ-સાત દાયકાથી જ ગુનેગારોનું રહેઠાણ બની છે એવું પણ નથી; એના કેડા તો ત્રણ-ચાર સૈકા જેટલા સુવિશાળ સમયપટ ઉપર – કદાચ એથી પણ વધુ લાંબા સમયપટ ઉપર – વિસ્તરેલા જાણવા મળે છે. આવા ગહન અને અગોચર પ્રદેશમાંથી આ ગુનેગારોને શોધીને એમની પરંપરાને ખતમ કેવી રીતે કરવી, અને એમ કરીને તે-તે પ્રદેશની પ્રજાને ભયમુક્ત અને ચિંતામુક્ત કેવી રીતે કરવી એ પ્રશ્ન સર્વસત્તાધીશ લેખાતી સરકારને માટે પણ દાયકાઓ કે સૈકાઓથી મોટી અને કાયમી શિરોવેદનારૂપ બની ગયો છે.
તેમાં ય ચંબલની ખીણોના બહારવટિયાઓની વાત જુદી છે. બીજાં સ્થાનોમાં જાગી ઉઠેલા બહારવટિયાઓનો તો ક્યારેક પણ અંત આવે છે, પણ અહીં તો બહારવટિયાઓની અખંડ પરંપરા ચાલુ જ છે. એમની સંખ્યા પણ પાંચ-પચાસની નહીં, પણ સેંકડોની હોય છે. એટલે એમને નામશેષ કરવાનું કામ વધુ મુશ્કેલ બની જાય છે.
ચંબલની બિહામણી ખીણોનાં સંતાન બનીને એનો આશરો શોધનારા બહારવટિયાઓ પોતા ઉપર વર્તેલા અન્યાય-અત્યાચાર-અધર્મનું વ્યાજ સાથે વેર વાળવાની ભયંકર વૃત્તિથી પ્રેરાઈ અથવા આવા કોઈ કારણ વગર કેવળ પોતાના ક્રૂર સ્વભાવથી દોરવાઈને પ્રજા ઉપર સિતમ વરસાવવામાં કશી મણા રાખતા નથી. એ, જાણે ચીભડું વધેરવું હોય એવી સહેલાઈથી, ઠંડે કલેજે, પ્રજાઓનાં ખૂન કરી શકે છે, પ્રજાજનોની માલમિલકત ધોળે દિવસે લૂંટી શકે છે. આટલું ઓછું હોય હોય એમ, પોતે ધારેલ રકમ મેળવવા માટે શ્રીમંતો, યુવાનો અને બાળકો સુધ્ધાંનું બાન તરીકે અપહરણ કરીને એમના ઉપર સિતમ વરસાવતાં પણ અચકાતા નથી. રાજ્યસત્તાને જરા પણ મચક આપ્યા વગર પ્રજાજનોને પરેશાન કરવાનો એમનો આ ધંધો હંમેશને માટે જાણે નિરાકુળપણે ચાલતો જ રહે છે; માનો કે, એમનો નિત્યક્રમ જ બની ગયો છે! આ પરેશાની કેટલી કારમી હોય છે એ તો જેના ઉપર એ વીતી હોય એ જ જાણે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org