________________
૩૫૮
જિનમાર્ગનું જતના
આપી હતી અને હાકલ કરી હતી કે આ બહુલક્ષી યોજના માટે ગુરુભક્તો પોતાની ઇચ્છાથી ઉદારતાપૂર્વક દાન આપે. બધા વર્ગોનો સહકાર મળી રહે એટલા માટે સાધ્વીજી મહારાજે ૮૪ મહિનાની યોજના જાહેર કરી હતી, અને એ પ્રમાણે, દરેક ગુરુભક્ત પોતાની શક્તિ પ્રમાણે, દર મહિને રૂ. ૨૧, ૫૧, ૧૦૧, ૨૫૧, ૫૦૧, અને ૧૦૦૧ લાગલગાટ ૮૪ મહિના સુધી આપીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી શકે છે. અનેક દાનપ્રેમી મહાનુભાવોએ આ યોજનાઓ સફળ બનાવવા માટે ઉદારદિલથી ૭ વર્ષ સુધી પોતાની ઇચ્છાથી રકમ આપવાનું વચન આપીને આર્થિક સહકાર આપ્યો છે. મોટામાં મોટી રકમ પણ ધીમેધીમે આપવાનું સહેલું પડે છે. ૮૪ મહિનાના હપ્તાની યોજનાએ દાતા મહાનુભાવોના ભારને હલકો બનાવી દીધો છે.”
આ રીતે આ સ્મારક-ભવનનું બાંધકામ શરૂ કરવા માટે નક્કર પૂર્વભૂમિકા તૈયાર થઈ જવાથી, ભૂમિખનનના વિધિ પછી ચાર જ મહિનામાં, તા. ૨૯-૧૧-૧૯૭૯ના રોજ, શિલારોપણના વિધિનો મહોત્સવ યોજવામાં આવ્યો.
આવી મોટી ઈમારત ઊભી કરવાનું કામ જેટલું ખર્ચાળ અને કઠિન છે, એનાં કરતાં પણ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનું વ્યવસ્થિત સંચાલન કરવાનું અને એ માટે કુશળ અને નિષ્ઠાવાન કાર્યકરો મેળવવાનું કામ વધારે કપરું છે એ વાત આ સંસ્થાના સંચાલકોના ધ્યાન બહાર નથી એ બહુ આવકારપાત્ર વાત છે. આ માટે ટ્રસ્ટના મંત્રીશ્રીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે –
“આ મહાન સ્મારકની રચના એ પોતે જ એક બહુ મોટું કાર્ય છે; પણ એના કરતાં વધારે કઠિન કામ છે કોઈ પણ સંસ્થાનું સફળ અને કાયમી સંચાલન કરવું એ. આપણે ત્યાં પૈસાની અછત ભલે ન હોય, પરંતુ સાચા અને કર્તવ્યપરાયણ કાર્યકર્તાઓની અછત, ગમે ત્યારે કામમાં અવરોધરૂપ બની શકે છે.”
આ આખા પુરુષાર્થના કેન્દ્રમાં સાધ્વીજી શ્રી મગાવતીશ્રીજીની પ્રેરણા રહેલી હોવાથી, જો આપણા સાધ્વીસંઘને જે-તે સમુદાયના વડીલો તરફથી અધ્યયન, વિકાસ, પ્રવચન, શાસનપ્રભાવનાનાં કાર્યો અને ધર્મનો પ્રસાર કરવાની મોકળાશ આપવામાં આવે તો તેઓ કેવાં મહાન ધર્મકાર્યો કરી શકે અને શ્રીસંઘની કેટલી સદ્દભાવના, ભક્તિ અને પ્રીતિ સંપાદિત કરી શકે, તે આવા પ્રસંગો ઉપરથી પણ જાણી શકાય છે.
દેવ-ગુરુ-ધર્મની ભક્તિમાં પંજાબનો શ્રીસંઘ કેવું આગળ પડતું સ્થાન ધરાવે છે અને એ ભક્તિથી પ્રેરાઈને તેઓ તન-મન-ધનથી, ઉત્સાહ અને ઉમંગપૂર્વક, કેવાં મોટાં અને મુશ્કેલ કામો કરે છે અને એમની સાધર્મિકસેવાની ભાવના, વિનય-વિવેકશીલતા અને વિનમ્રતા કેવી અનુકરણીય છે કે આવા નિર્માણકાર્ય પ્રસંગે જોવા મળે છે.
(તા. ૧૫-૧૨-૧૯૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org