________________
જિનમાર્ગનું જતન
એ ભાઈએ તો કંઈક ઉપહાસમાં આ વાત કરી હતી; પણ એની પાછળ સ્ત્રીમાનસની શણગાર તરફના આકર્ષણની જે કમજોરી સૂચિત થાય છે એની ઉપેક્ષા આજે પણ થઈ શકે એમ નથી. આજે ઘણું ભણેલી-ગણેલી, વિચારક, સુધારક અને સ્ત્રીઓના સ્વાતંત્ર્ય માટે રાત-દિવસ પ્રયત્ન કરતી બહેનોમાંથી પણ એવી બહેનો આંગળીને ટેરવે ગણાય એટલી જ મળવાની કે જે શણગારના પારતંત્ર્યમાંથી મુક્ત હોય. એટલે સ્ત્રીઓની પગની બેડીનું એક મોટું કારણ એમની આ શૃંગારપ્રિયતા જ બની રહે છે. સ્ત્રી-સ્વાતંત્ર્યના આંદોલનમાં સૌથી જોરદાર આંદોલન તો સ્ત્રીઓને આકર્ષક વસ્ત્રો અને ભભકાભર્યાં આભૂષણોની મોહિનીમાંથી છોડાવવાનું કરવા જેવું છે. સાદું અને ઉચ્ચ વિચારવાળું જીવન જ સુખી અને આદર્શ જીવન છે એ વાત હજી પણ બહેનોને સમજાવવી પડે એ ભારે કરુણતા લેખાવી જોઈએ.
સમાજમાં આર્થિક રીતે સધ્ધર ગણાય એવા શ્રીમંતો પણ હોય છે, અને આર્થિક ભીંસમાં પિસાતાં કુટુંબો પણ હોય છે. પણ એવી આર્થિક અસમાનતાથી કંઈ મન પલટાઈ જતાં નથી. એટ્લે જ્યારે શ્રીમંતોની દીકરીઓ પોતાની કાયાને સુંદર વસ્ત્રાભૂષણોથી શણગારે છે, ત્યારે સમાજની બીજી કન્યાઓને પણ એનો ચેપ લાગ્યા વગર રહેતો નથી. પરિણામે, શણગારપ્રિયતાનું માયાવી ચક્ર સમગ્ર સ્ત્રીજાતિને આવરી લે છે. એટલે કરિયાવરની પ્રથાથી છુટકારો મેળવવા માટે બહેનો સાદા જીવન પ્રત્યે અભિરુચિ ધરાવતી થાય એ ખાસ જરૂરી છે; અને એની શરૂઆત શ્રીમંત ગણાતી બહેન-દીકરીઓથી થવી જોઈએ.
૩૯૪
સામાન્ય રીતે તો એમ કહી શકાય કે કન્યાને કરિયાવર (દહેજ) આપવાની પ્રથા જ્યારથી શરૂ થઈ હશે, ત્યારથી સામાન્ય જનસમૂહને માટે એ આર્થિક રીતે ભારરૂપ લાગી હશે; પણ હમણાં-હમણાં તો આર્થિક ભીંસ એટલી બધી વધી ગઈ છે કે હવે આ પ્રથાનો આર્થિક બોજ અસહ્ય લેખી શકાય એટલી હદે વધી જવા પામ્યો છે. તેથી, તેમ જ બહેનોને પોતાને પણ પોતાનો સામાજિક દરજ્જો ઊંચો લાવવાની તાલાવેલી લાગેલી હોવાથી પોતાનું ‘અકારી દીકરી’ તરીકેનું વગોવણું દૂર કરવા એ સજ્જ બની છે. તેથી આ કુપ્રથા તરફ લોકોનું વધારે ધ્યાન ગયું છે.
પડોશ, ગામ કે મુલ્કમાં બનતા અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણવામાં આવતા કિસ્સાઓ આપણી અને ઇતર સમાજોની આંખો ઉઘાડવા માટે બસ લેખાવા જોઈએ. આવા કિસ્સાઓ આવી સામાજિક કુપ્રથાને કારણે વધુ ન બને એ જોવાનું કામ આપણા સમાજહિતચિંતકો અને સુધારકોનું, અને ખાસ કરીને શક્તિશાળી સ્ત્રી-કાર્યકરોનું છે.
(તા. ૧૧-૧-૧૯૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org