________________
સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૩
૪૨૧
(૩) દેશની એકતા માટે ઉચ્ચશિક્ષણનું માધ્યમ રાષ્ટ્રભાષા
થોડા વખત પહેલાં જ, આપણી કેન્દ્ર સરકારે ઉચ્ચશિક્ષણ પણ રાષ્ટ્રભાષા દ્વારા નહીં, પણ માતૃભાષા દ્વારા આપવાની નીતિની અને પાંચ વર્ષના ગાળામાં એ નીતિને અમલી બનાવવાની જાહેરાત કરી છે. એનો દેશના વ્યાપક અને લાંબા ગાળાના હિતની. દષ્ટિએ વિચાર કરવા જેવો લાગવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
હજી એ વાતને એક દાયકો ય પૂરો નથી થયો, કે જ્યારે મોહમયી મુંબઈ નગરી તરફના અતિમોહને લીધે, ભાષાવાર પ્રાંતરચનાની કેન્દ્ર સરકારની નીતિ તરફ થોડા વખત માટે આંખમીંચામણાં કરીને, ગુજરાતી-મરાઠી ભાષા બોલનારા બે પ્રદેશોનું જોડાણ કરીને, બૃહદ્ દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના કરવામાં આવી હતી. આ બિનકુદરતી રાજ્યવ્યવસ્થા વર્ષ-બે વર્ષ ચાલી ન ચાલી, અને પાણીને ચઢાણ તરફ ચઢાવવાનો અવળો પ્રયત્ન નિષ્ફળ ગયો અને બે જુદીજુદી ભાષાઓ બોલતી પ્રજાઓ વચ્ચેની ભાવાત્મક એકતાના અભાવના બહાને, સને ૧૯૬૦માં બૃહદ્ દ્વિભાષી મુંબઈ રાજ્યને સ્થાને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોની રચના કરવામાં આવી. ત્યારે પણ આપણને એક વધુ પુરાવો મળ્યો કે અખંડ ભારતના ટુકડા કરીને હિંદુસ્તાન અને પાકિસ્તાનનું સર્જન કરનાર ઝેરને, એક યા બીજા રૂપે, હજી પણ આપણે ટકાવી રાખ્યું છે !
- સ્વરાજ્યનો ઉદય થયો ત્યારે એક મોટી ચિંતા દેશને સતાવી રહી હતી કે દેશમાંથી પરદેશી હકુમતનો તો અંત આવ્યો, પણ આ સેંકડો દેશી રજવાડાઓનું શું ? જો એ બધાનો ઉકેલ લાવીને, ભારતને અખંડ અને એકછત્રી રાજ્ય બનાવવામાં ન આવે, તો દેશની અંદર જ ઠેર-ઠેર પાકિસ્તાન જેવી સ્થિતિ સર્જાય અને દેશ યાદવાસ્થળી જેવી દુર્દશાથી હતો ન હતો થઈ જતાં વાર ન લાગે. પણ તે વખતે મહાત્મા ગાંધી અને અન્ય શહીદો તેમ જ દેશભક્ત નેતાઓનું તપ તપતું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે અજબ કુનેહ, વિરલ દીર્ઘદ્રષ્ટિ અને અભૂતપૂર્વ રાજનીતિ-નિપુણતા દાખવી; અને ભગવાને ભારતને એક અને અખંડ બનાવવાનો યશ સરદારશ્રીને આપીને એમનાં નામ અને કામને અમર બનાવી દીધાં! વિશ્વ-ઈતિહાસની એ યાદગાર ઘટના બની ગઈ. પણ, ક્રમશઃ રાષ્ટ્રની એકતા અને અખંડતાના એ અમૃતકુંભનું જતન કરવામાં આપણે વધુ ને વધુ નબળા, બેદરકાર અને અદૂરદર્શી સાબિત થયા, આપણે ધીમેધીમે સમગ્ર દેશના ભલાની દષ્ટિએ વિચાર કરવાને બદલે, ટૂંકી નજરે જેની સાથે
* આ એક ફકરો એમાંની, દેખીતી રીતે પરસ્પર વિરુદ્ધ રજૂઆતોથી, વાચકને ગૂંચવે છે. દ્વિભાષી રાજ્યની રચનામાં અને બે અલગ રાજ્યની રચનામાં – એ બંને મોરચે જુદીજુદી ગાફેલિયત ચીંધવાનો આશય લાગે છે. – સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org