________________
સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૭
ભુલાઈ જ ગયો છે ! અને જે દીન-હીન-કંગાળ છે એને માટે તો હજી સ્વરાજ્ય આવવું બાકી જ છે ! કહેવાય છે તો ‘પ્રજાતંત્ર', પણ એમાં નબળો સામાન્ય પ્રજાજન જ વીસરાઈ ગયો છે અને ‘બળિયાના બે ભાગ'વાળો ન્યાય વધુ જોરપૂર્વક પ્રવર્તે છે. આર્થિક રીતે સામાન્ય પ્રજાજનની સ્થિતિ ગરીબ ગાય જેવી બની ગઈ છે, છતાં એણે કામ આપવું પડે છે કામધેનુ ગાયના જેવું ! એને ખાણ-પાણી કે ઘાસ-ચારો મળે તો ય ઠીક અને ન મળે તો ય ઠીક, પણ સરકારની ઇચ્છા થાય ત્યારે પોતાની કાયાને નિચોવીને પણ એને સરકારનું દૂધપાત્ર છલકાવી દેવું પડે છે; અને એ માટે સીધા કે આડકતરા કરવેરાનો જે કંઈ ભાર લાદવામાં આવે તે મૂંગે મોઢે વેંઢારવો પડે છે – ભલે ને પછી પોતાનાં સંતાનરૂપી વાછરું ભૂખે ટળવળ્યાં કરે અને સરકારી તંત્ર દૂધ-મલાઈની જ્યાફત ઉડાવ્યા કરે!
એક બાજુ દેશના કહેવાતા વિકાસને માટે પરદેશોમાંથી મળતી કરોડો રૂપિયાની લોનો કે સહાયો અને બીજી બાજુ એની પાઈએ પાઈ ઊગી નીકળે એવા પ્રામાણિકતાભર્યા શક્તિશાળી વ્યવસ્થાતંત્રનો સદંતર અભાવ એને લીધે ક્યારેક તો એવો ભય લાગી જાય છે કે આપણો દેશ રાજદ્વારી રીતે સ્વતંત્ર થવા છતાં ક્યાંક આર્થિક રીતે ગુલામ તો નથી બનતો જતો ! જંગી પરદેશી લોનો અને સહાયોની આ દુનિયા પણ જાણે કોઈ જાદુઈ તિલસ્મી દુનિયા બની ગઈ છે !
?
વળી, આપણા રાજકર્તા કૉંગ્રેસપક્ષને પોતાના પક્ષ માટે, અને ખાસ કરીને રાજકારણમાં પોતાના પક્ષની સત્તાને ટકાવી રાખવા માટે બેસુમાર પૈસાની જરૂર પડે છે, અને એને માટે ચૂંટણી-ફંડ કે એવા બીજા તરીકાઓ અજમાવવા પડે છે. પણ કેવળ પોતાના પક્ષના લાભની દૃષ્ટિથી જ, સારસારનો વિવેક ભૂલીને, ગમે તે પ્રકારે મેળવવામાં આવતા આ પૈસાનું પરિણામ છેવટે કેવું આવશે એનો વિચાર કરવાની સત્તાઘેલા કૉંગ્રેસપક્ષને અત્યારે ફુરસદ જ ક્યાં છે ? એનું પરિણામ તો જે આવવું જોઈએ તે આવી રહ્યું છે, અને આવવાનું છે : દેશમાં સર્વોદયની સ્થાપના અને સમાજવાદી સમાજરચનાનું નામ કેવળ પોપટના રામનામ-રટણ જેવું અર્થશૂન્ય અને છેતરામણું બની જવાનું છે અને વર્ચસ્વ જામી જવાનું છે કેવળ મૂડીવાદનું !
અને કાળાબજાર અને કાળાબજારે સર્જેલ કાળાનાણાની શક્તિની કથા તો કહી શકાય એવી જ ક્યાં રહી છે ? આ કાળાનાણાની તાકાત તો આજે સફેદ (સાચા) નાણાની તાકાતને હંફાવી રહી છે. એને લીધે દેશમાં જાણે સમાંતર આર્થિક સત્તાનો ઊગમ થયો છે, અને સરકારી અનિયોજનને અને સામાન્ય જનસમૂહના જીવનનિર્વાહને ધારે ત્યારે વેરવિખેર કરી શકે એટલી હદે એની તાકાત વધી પડી છે.
Jain Education International
૪૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org