________________
૪૫૯
જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજોઃ ૨ વર્ચસ્વ છે એવા આપણા ગુરુઓએ લગ્નના ખર્ચ ઓછા કરવાનું કહેવું એ હવે કેવળ સુધારાની વાત નથી રહી, પણ એ તો સમાજની જીવાદોરીનું જતન કરવા જેવો અતિ અગત્યનો સવાલ છે.
પણ આપણા આગેવાનો કે ગુરુઓ હજી ય ન જાગે તો શું કરવું? આ સવાલનો જવાબ સ્પષ્ટ છે. ડૂબવા માંડેલો માનવી પણ પોતાના ઉપર લાદેલા ભારને ઉતારી ફેંકવા તૈયાર ન હોય, તો છેવટે એ ભાર અને એ માનવી એ બંને ય તળિયે પહોંચવાનાં ! એટલે એણે બીજા શું કહેશે એની ચિંતામાં પડ્યા વગર એ ભારને જ દૂર કરવો રહ્યો.
અમે જાણીએ છીએ કે આ વાત વિચારવા જેટલી સહેલી છે, એટલો જ એનો અમલ મુશ્કેલ છે. જ્યાં ગરીબી ગુનો કે નામોશી લેખાતી હોય ત્યાં આમ જ બને છે. વળી જેમ વ્યક્તિના મન ઉપર કષાયોની સજ્જડ પકડ હોય છે, એવી જ રીતે સામાજિક મન ઉપર આવા ખર્ચાળ રીત-રિવાજોની પકડ એવી મજબૂત હોય છે કે એથી જ એમાંથી છટકવું ભારે મુશ્કેલ કામ બની જાય છે.
પરિસ્થિતિ તો અત્યારે આપણા શ્રીમંત લેખાતા વર્ગને પણ અકળાવી રહી છે, પણ આમાં પહેલ કોણ કરે, કેવી રીતે કરે એ જ મુદ્દાનો સવાલ છે.
એક વાત ચોક્કસ છે કે સૌને આ ખરચાઓ ખટકે છે : સામાન્ય અને મધ્યમવર્ગને તો એને પહોંચી કેવી રીતે વળવું એ દૃષ્ટિએ જ ભારે મૂંઝવણ અને અકળામણ થાય છે. વળી સામાજિક દૃષ્ટિએ વિચારી શકનારા, લાભાલાભનો વિવેક કરી જાણનારા અને પોતાના સાથીઓનો પણ વિચાર કરનારા સમજદાર શ્રીમંતોને તો અત્યારે જે રીતે ગાડરિયા પ્રવાહની જેમ બધું ચાલ્યા કરે છે, તેથી કંઈ સુખ ઊપજતું નથી. ખરચાને પહોંચી વળવાની આર્થિક મુશ્કેલી એમને નથી એટલે તેઓ “પીછેસે ચલી આતી હૈ” એમ ઓઘસંજ્ઞાથી (વહેણના ધક્કાથી) બધું કરે છે તો ખરા; પણ એમને પણ છેવટે પ્રશ્ન તો થાય જ છે કે આ બધું શા માટે, આટલી બધી ધાંધલ અને ધમાલ શેની અને આનું પરિણામ શું.
આમ વિચારો તો હવાની જેમ સમાજમાં પ્રસરી ચૂક્યા છે, પણ એમાં પહેલ કોણ કરે એ જ મુખ્ય સવાલ છે.
અમારી સમજણ મુજબ આવી પહેલ નીચેની ચાર રીતોમાંથી ગમે તે એક રીતે થઈ શકે :
(૧) વિકટ બનતી જતી પરિસ્થિતિનો તાગ મેળવીને, ભેદ ભૂલીને, સમરસ બનીને, આખો સમાજ આવી પહેલ કરે.
(૨) ગરીબ કે મધ્યમ વર્ગની આજની વિષમતા અને મુશ્કેલીને પોતાની જ મુકેલી સમજીને સમાજના શ્રીમંતો આ માટે કદમ ઉઠાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org