________________
૪૪૬
જિનમાર્ગનું જતન
શક્તિનો ઉપયોગ કરવો એ એની નૈતિક ફરજ બની રહે છે. ગુજરાતની પ્રજા ડૉ. જીવરાજભાઈ પ્રત્યે કેવી લાગણી ધરાવે છે એનો સાચો ક્યાસ કાઢવાનો આ વધારે પડતા ઉત્સાહી ધારાસભ્યોએ પ્રયત્ન કર્યો હોત તો તેઓ જુદી રીતે જ વર્ત્યા હોત. લોકલાગણીની અવહેલના કરવાનું કેવું માઠું પરિણામ આવે છે એ તો ગુજરાતની ગઈ સામાન્ય ચૂંટણીઓનાં અદ્ભુત પરિણામો ઉપ૨થી સહેજે સમજી શકાય એવું હતું. પણ એમને કોણ સમજાવે – અને અત્યારે તો એ સમજે પણ શેના – કે આ પ્રયોગ કેવળ દીવો લઈને કૂવે પડવા જેવો ખતરનાક છે – એમના પોતાના ભવિષ્યની દૃષ્ટિએ, એમના પક્ષના ભાવિની દૃષ્ટિએ તેમ જ સમગ્ર ગુજરાત-પ્રદેશના હિતની દૃષ્ટિએ ?
-
જો કે હવે બગડી બાજી સુધરે એવી સ્થિતિ તો રહી નથી; છતાં, જો ડૉ. જીવરાજ મહેતાની સરકારના વિરોધી કૉંગ્રેસી ધારાસભ્યો તેમ જ ગુજરાતના અન્ય કૉંગ્રેસીભાઈઓ ડૉ. જીવરાજભાઈ પ્રત્યેની મમતાભરી લોકલાગણીને હજી પણ સમજવા માગતા હોય તો તા. ૧૬-૯-૧૯૬૩ ને સોમવારના રોજ સાંજે અમદાવાદના નાગરિકો તરફથી અમદાવાદના ટાઉનહોલમાં ડૉ. જીવરાજભાઈ અને એમના નિવૃત્ત થતા પ્રધાનમંડળને સન્માનવા માટે યોજાયેલ ભવ્ય સમારંભની હૃદયસ્પર્શી કાર્યવાહી એમની આંખો ઉઘાડે એવી છે. પણ અત્યારે આ ભાઈઓ આવું સત્ય સમજવાની તૈયારી દાખવે એવી આશા બહુ ઓછી છે.
જે કૉંગ્રેસી ધારાસભ્યોએ તેમ જ ગુજરાતના ઇતર કૉંગ્રેસીજનોએ પોતાની શક્તિનો ઉપયોગ, પોતે માનેલા સર્વોચ્ચ નેતાને નામે, ગુજરાતરાજ્યમાં આવો નિરર્થક ઝંઝાવાત ઊભો કરીને કટોકટી સર્જવામાં કર્યો છે, તેઓએ પોતાના નેતાની નામના વધારી નથી, પણ નાલેશી કરી છે, કુસેવા કરી છે. ગુજરાતના આ કૉંગ્રેસીજનોની આવી વિવેક વગરની પ્રવૃત્તિને લીધે એમના નેતાશ્રીની નામના અને પ્રતિષ્ઠાને ગુજરાતમાં, દિલ્હીમાં અને આખા દેશમાં કેટલી હાનિ પહોંચી છે એનો ક્યાસ હજી પણ તેઓ કાઢે અને આવી કુભક્તિથી અટકે તો સારું !
કુટુંબની જેમ ગામમાં, જિલ્લામાં, પ્રાંતમાં અને આખા દેશમાં પણ વડીલ કે મુરબ્બી જેવા, સૌનું પૂછ્યા ઠેકાણું બને એવા તેમ જ સૌના શુભચિંતક સલાહકારનું પદ શોભાવે એવા નેતા હોય એ તો મોટા સદ્ભાગ્યની વાત લેખાય. પણ આવું નેતાપદ તો લોકલાગણીમાંથી જ જન્મે; એ કંઈ ઉપરથી લાદી શકાય નહીં. ગુજરાતમાં આવું નેતાપદ લોકલાગણીને લાત મારીને પરાણે લાદવાનો પ્રયત્ન થયો છે, એટલે પૂજ્ય સરદાર સાહેબના સ્વર્ગગમન પછી આવા મુરબ્બીવટભર્યા નેતાપદનું આસન હજી ખાલી જ છે. ઉપરથી લાદવામાં આવેલ નેતાપદનો આખરી અંજામ કેવો દુ:ખદ આવે છે એની તો દેશ અને દુનિયાની નજીકની ઘટનાઓ જ સાક્ષી પૂરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org