________________
જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૧
૪૪૯
અમને ભય છે કે આપણે – આપણા ઘણાખરા આગેવાનો – કંઈક આવે જ માર્ગે જઈ રહ્યા છીએ. પરિણામે, જૈન સંઘ અને જૈન સમાજનું શરીર તેજહીન, શક્તિહીન અને ગૌરવહીન બની રહ્યું છે એ કડવું સત્ય આપણા ધ્યાનમાં આવતું નથી.
બીજી મોટીમોટી વાતો તો બાજુએ રહી, આજે તો કુટુંબનો નિર્વાહ કેવી રીતે કરવો એ જ મહામુશ્કેલ પ્રશ્ન બની ગયો છે. જેઓનાં મગજ હજુ પોતાની આસપાસના ચમકતા ચાંદી-સોનાના સિક્કાઓના નશામાં ઘેરાયેલાં છે, તેઓને દિવસે-દિવસે વધુ ને વધુ ફેલાતી જતી આ મુશ્કેલીનો ખ્યાલ ન આવે, તેથી સાચી પરિસ્થિતિમાં કશો ફેર પડવાનો નથી. સાચી પરિસ્થિતિ તો એક દિવસ રાક્ષસીની જેમ પોતાનું વિકરાળ રૂપે પ્રગટ કરીને જ રહેવાની છે. એ રૂપ એવું ભયંકર હશે કે જેમાં ધનવાન અને ગરીબ, બધા જ ભરખાઈ જવાના.
અમે ઇચ્છીએ છીએ કે રોજ-બ-રોજ વધુ ને વધુ વિષમ બનતી જતી આ પરિસ્થિતિની સામે પાણી પહેલાં પાળ બાંધવાની આપણી અગમબુદ્ધિને કામે લગાડીને આપણે જૈન સમાજના સંરક્ષણ અને સંવર્ધન (યોગક્ષેમ) માટે જાગૃત બની કામે લાગીએ.
આ પ્રસંગે એક વાત લખતાં અમને ભારે દિલગીરી થાય છે, છતાં લખ્યા વગર ચાલે તેમ નથી તેથી લખીએ છીએ. જૈનસંઘ ને જૈન સમાજમાં સામાન્ય રીતે સાધુમુનિરાજોનું સારું એવું વર્ચસ્વ છે એ જાણીતી બીના છે. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જેન-સંઘની મોટા ભાગની આગેવાની સાધુ-સમુદાય જ ભોગવી રહ્યો છે. પણ ભારે કમનસીબીની વાત તો એ છે કે પગપાળા ગામે-ગામ, શહેરે-શહેર અને જૈનોનાં ઘર-ઘરનો સંપર્ક સાધતા આ મુનિવરો જૈન સમાજનું અત્યારનું દુઃખ અને જૈન ભાઈ-બહેનોની આર્થિક મુશ્કેલી સમજવામાં સાવ પાછળ છે, એટલું જ નહીં, તેમાં સાવ નિષ્ફળ ગયા છે. સમાજ સાથેનું તેઓનું વર્તન આજે પણ એવું બેદરકારીભર્યું છે કે જાણે તેમને આ વાતનો સ્પર્શ જ થયો નથી. કોઈ-કોઈ વાર કોઈ-કોઈ સ્થળે કોઈક મુનિરાજે જૈનોની સ્થિતિ પરત્વે દુઃખના ઉદ્દગાર કાઢીને તે માટે કંઈક કરવાની વાત કહ્યાના કેટલાક દાખલાઓ અમારા આ લખાણના જવાબ રૂપે ટાંકવા હોય તો જરૂર ચંકી શકાય; પણ આજે તો સ્થિતિ એવી ભયંકર પ્રવર્તે છે કે જેમના હાથમાં સમાજનું સુકાન છે તેઓમાં જો કર્તવ્યનું ભાન જાગતું હોય તો તેમને ઘડીભર પણ ચેન ન પડે એટલી ઉત્કટતાપૂર્વક આ સવાલ એમના દિલમાં સૌથી મોખરે રહેવો જોઈએ. આવી ઉત્કટતાપૂર્વક આ સવાલનો વિચાર આપણા મુનિવરો નથી કરી શક્યા એમ કહેવું એ ભલે કડવું હોય, છતાં સત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org