________________
સ્વતંત્ર ભારત શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૬, ૭
૪૩૫
પણ અત્યારે દેશના ઉત્થાન માટે તેમ જ ઉત્થાનને નામે આપણે ત્યાં કેટલીક યોજનાઓ એવી તો વિલક્ષણ રીતે ઘડવામાં આવે છે કે જેની સાથે પ્રજામાનસનો મેળ બેસતો નથી; અને તેથી જેમજેમ એવી યોજનાઓ આગળ વધતી જાય છે, તેમ-તેમ શાસકવર્ગ અને પ્રજા વચ્ચેની એકરાગતા ઓછી થતી જાય છે અને અંતર વધતું જાય છે. આ સ્થિતિ છેવટે તો આખા દેશની પ્રગતિને તો ઠીક, એના પાયાના યોગક્ષેમને પણ હાનિ પહોંચાડનારી નીવડવાની છે એ આપણે ચોક્કસ સમજી રાખવું ઘટે. જો આપણે સમજી શકીએ તો અત્યારે આવું બની પણ રહ્યું છે તે દેખાશે.
મહાત્મા ગાંધીજીએ સમગ્ર દેશની પ્રજા ઉપર પ્રેમપૂર્ણ, વાત્સલ્યભર્યું, એકછત્રી શાસન દાયકાઓ સુધી ભોગવ્યું હતું અને આખી પ્રજાને સાથે રાખીને પરદેશી ગુલામીની સામે સફળ સંગ્રામ ખેલી બતાવ્યો હતો તે ભારતની પ્રજાની શ્રદ્ધા-ભક્તિપ્રધાન પ્રકૃતિને બરાબર પારખી લઈને એને અનુરૂપ એની પાસેથી કામ લેવાની શક્તિ, સૂઝ અને આવડતને પ્રતાપે જ.
ભારત પોતાના અનિચ્છનીય કે અસદ્ અંશોને દૂર કરે એ એક વાત છે, અને દેખીતી પ્રગતિની ઘેલછામાં પોતાની જાતને કે પોતાની પ્રજાની મૂળભૂત પ્રકૃતિને વિસારી દે એ સાવ જુદી વાત છે. પોતાની જાતને કે પ્રકૃતિને વીસરીને પ્રગતિની આશા રાખવી એ સરવાળે તો તૃષા છિપાવવા માટે ઝાંઝવાનાં જળની પાછળ દોટ મૂકવા જેવું જ નિરર્થક સાબિત થવાનું છે એ ચોક્કસ સમજવું.
નામદાર પોપ પૉલ છઠ્ઠાએ જે રીતે ભારતદેશની પ્રજાને પિછાણી. એ જ રીતે અત્યારના આપણા રાજદ્વારી મોવડીઓ એને પિછાણી અને એને માફક આવે એ રીતે જ એને આગળ વધારવા માટેની યોજનાઓ ઘડે; અને જૂનો જે વર્ગ પોતાની શ્રદ્ધાભક્તિપરાયણ ધાર્મિક પ્રકૃતિને વિસરવા લાગ્યો છે તે પણ એમ કરતો અટકે એ જ અમારા કથનનો મુખ્ય હેતુ છે.
(તા. ૧૬-૩-૧૯૬૮)
(૭) દયાહીન થયો નૃપ ! ભારત સરકારનું અર્થતંત્ર સામાન્ય માણસને માટે તો અંધારા પાતાળ-ખાડા જેવું અકળ છે ! એ ખાડામાં પ્રજા પાસેથી વાજબી કે ગેરવાજબી ગણાય એવી રીતિઓથી જેટલું ભેગું કરી કરીને નાખો એટલું બધું જ ગાયબ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org