________________
૪૩૪
જિનમાર્ગનું જતન
વિશેષ વિગતો મેળવેલી. એમાં નામદાર પોપ પોલ છઠ્ઠાનો ભારત અંગેનો અભિપ્રાય ટાંકતાં કહેવામાં આવ્યું છે –
“એ સાચું છે કે હિંદુસ્તાનનો મારો પ્રવાસ એક અજ્ઞાત દુનિયાની જાણકારી મેળવવા જેવો હતો. શ્રી એપોકેલિપસ કહે છે એમ, મેં ત્યાં એવો સમૂહ જોયો કે જેની ગણતરી કોઈ ન કરી શકે – એક જંગી જનસમૂહ, અને દરેક વ્યક્તિના મુખ ઉપર સ્વાગતનો ભાવ અંકિત થયેલો હતો !
“મેં એ લાખ-લાખ દષ્ટિઓમાં કુદરત કરતાં કંઈક વિશેષ વાંચ્યું એમાં ના વર્ણવી શકાય એવી સહાનુભૂતિ ભરી હતી. ભારત એ એક આધ્યાત્મિક (આત્મવાદી) દેશ છે. એનામાં ક્રિશ્ચિયન ધર્મને માન્ય એવા સદ્ગુણો પ્રત્યે સ્વાભાવિક જ રુચિ છે. (આ જોઈને) મેં મારી જાતને કહ્યું કે દુનિયામાં જો એવો કોઈ દેશ હોય કે જ્યાં ભગવાન ઈસુખ્રિસ્તના પર્વતના ઉપદેશમાં વર્ણવેલી નિર્વાણ સુખની કે પરમસુખની માન્યતા કેવળ ઉચ્ચ કક્ષાના ગણાતા માનવીઓમાં જ નહીં, પણ સમગ્ર પ્રજામાં – અસંખ્ય જનસમૂહમાં – સર્વાનુમતે જીવનમાં સાકાર થઈ શકે એમ હોય તો એ આ દેશ (હિંદુસ્તાન) છે. ભારતીય જનોના અંતરને આધ્યાત્મિક દારિત્ર્ય જેટલું સતાવે છે, એટલું બીજું કશું સતાવતું નથી. મળતાવડાપણું કે જે દૃષ્ટિમાં, વ્યવહારમાં અને શબ્દોમાં અભિવ્યક્ત થાય છે, તેમ જ શાંતિ, કરુણા અને હૃદયની વિમળતા કરતાં ભારતીય આત્માની વધુ સમીપ બીજું કશું નથી. ન્યાયને ખાતરના કષ્ટસહન પ્રસંગે આશાભર્યા સમર્પણભાવ કરતાં બીજું કશું આ આત્માની વધુ નજદીક નથી. હું એ વાત ફરી કહેવા ઈચ્છું છું, કે જો આ મહાન પ્રજાના હૃદયમાં – એની ઇચ્છાશક્તિમાં તેમ જ ક્ષમતામાં – રહેલી બધી શક્યતાઓને એકાએક પ્રગટ કરવામાં આવે તો એનું પરિણામ કેવું આવે એ કહેવું મુશ્કેલ છે.
“આ પ્રજાના નેતાઓ કેવા શાણા માણસો છે એની પણ મેં નોંધ કરેલી છે. પશ્ચિમમાં ધંધાદારી રાજદ્વારી પુરુષોના હાથમાં સુકાન હોય છે. ભારતમાં આવું સુકાન સંતો અને યોગસાધકો સંભાળે છે. ધ્યાનમાં જીવનનો વિકાસ થાય છે. તેઓની વાણી મુલાયમ હોય છે. તેઓનું વર્તન ગંભીર અને વિધિવિધાનયુક્ત હોય છે. આવા દેશો આત્માને માટે જન્મ્યા હોય છે; અને આત્માનું ભવિષ્ય તો કોણ ભાખી શકે?”
આપણી સાંસ્કૃતિક વિકૃતિનાં વર્તમાન પડ-પોપડાને ભેદીને નામદાર પોપની તેજસ્વી બુદ્ધિ ભારતની પ્રાચીન મૂળભૂત પ્રકૃતિને કેવી સરસ રીતે સ્પર્શી શકી છે ! ભારતની પ્રજાના મૂળભૂત પ્રાણને સ્પર્શનાર કોઈ પણ વિચારક આવા જ નિદાન ઉપર પહોંચે એમાં શંકા નથી.
આ નિદાનનો આપણા માટે વ્યવહારુ અર્થ એ થયો કે દેશના ઉત્થાન માટે કોઈ પણ યોજના ઘડતી વખતે, તેમ જ એનો અમલ કરતી વખતે, આપણે, આપણા આગેવાનોએ પ્રજાની શ્રદ્ધા-ભક્તિપરાયણ ધાર્મિક મનોવૃત્તિને ધ્યાનમાં રાખવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org