________________
૪૨૦
જિનમાર્ગનું જતન સાચે માર્ગે ન ચલાવે અને લોકકલ્યાણનો માર્ગ ચૂકી જાય, તો એને ઠેકાણે લાવવાનું કામ બીજી રીતે ન થાય, તો છેવટે લોકોએ જ બજાવવાનું પ્રાપ્ત થાય છે. મતલબ કે લોકોની સતત જાગૃતિ અને લોકશાહી રાજ્યવ્યવસ્થામાં પોતાને શિરે આવતી ફરજોનું લોકો દ્વારા પાલન એ જ લોકશાહીને સ્થિર કરવાનો, એનું જતન કરવાનો અને એને પ્રગતિશીલ બનાવવાનો સાચો માર્ગ છે, જેના લોકો જાગતા એની લોકશાહી જાગતી.
આનો થોડોક વિગતે વિચાર કરીએ :
લોકજાગૃતિ દેખાડવાનો માર્ગ એક દાખલાથી બરાબર ધ્યાનમાં આવી શકશે. માનો કે અમુક પ્રધાન, ધારાસભ્ય, રાજ્યસભાના સભ્ય કે લોકસભાના સભ્ય સરખી રીતે વર્તતો ન હોય, તો એનો મતદાર વિભાગ એની સામે બુલંદ સ્વરે એવો પોકાર ઉઠાવે કે જેથી એને સીધા થયા વગર ન ચાલે. ક્યારેક-ક્યારેક આપણા ધારાસભ્યો કે લોકસભાના સભ્યો ધારાસભા કે લોકસભામાં કોઈ પાગલ કે દારૂડિયાને પણ સારો કહેવરાવે એવું અશિષ્ટ વર્તન કરે છે. એવાઓની સામે પ્રજા અવશ્ય અવાજ ઉઠાવી શકે કે “શું તમને આવું વર્તન કરવા અમે ચૂંટ્યા છે ?" ધારાસભા કે લોકસભાના સભ્યોની સામે આવો અવાજ ઉઠાવવો એ પશ્ચિમની લોકશાહીની ઢબ સાથે બંધ બેસે છે કે નહીં તે અમે નથી જાણતા, પણ આપણે ત્યાં જે બેહદ બગાડો થયો છે તે માટે તો આવો કોઈ અવનવો અને જલદ ઉપાય જ કરવો રહ્યો.
પણ આ ઉપાય અજમાવવામાં બળ ત્યારે જ પુરાય, જ્યારે આવા અવાજ ઉઠાવનારાઓ દેશના કાયદા મુજબ પોતાને જે લાભ મળતો હોય તેથી વધારે લાભ મેળવવાની લાલચથી મુક્ત હોય, અને કાયદાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા તત્પર હોય; લોકશાહીમાં આ જ લોકધર્મ છે. એ ધર્મના પાલનથી જ લોકશાહી મજબૂત અને પ્રગતિશીલ બનવાની છે. નહીં તો દેશમાં લોકશાહીના બદલે કેવળ લાગવગાહી જ રહેવાની છે; અને એ તો રાજાશાહી કરતાં ય બદતર છે. એનો અત્યારે આપણે જાતઅનુભવ કરી રહ્યા છીએ.
બાકી, શાસકપક્ષ કે વિરોધપક્ષ પણ) લોકોનું લોકશાહીને અનુરૂપ ઘડતર કરે એ આજે તો શક્ય દેખાતું નથી, કારણ કે એ પોતે જ આજે ગેરશિસ્ત અને સ્વાર્થપરાયણતાના કીચડમાં ખૂતેલો છે. અત્યારે તો એકમાત્ર આશા લોકોના પોતાના ઉપર જ છે. એ જાગશે અને પોતાના ધર્મનું પાલન કરશે તો જ યથા પ્રજ્ઞા તથા નાના નવા સૂત્ર મુજબ લોકશાહીને અનુરૂપ રાજ્યતંત્ર ઊભું થઈ શકવાનું છે.
(તા. ૧૨-૮-૧૯૬૧ અને ૧૩-૮-૧૯૬૬ના લેખોનું સંકલન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org