________________
સ્વતંત્ર ભારત: શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૨
૪૧૭ લોકશાહીના ભાવિને તો આશાભર્યું અને ઉજ્જવળ જરૂર બનાવ્યું છે. પણ સ્વરાજ્યપ્રાપ્તિ બાદ દેશમાં સુરાજ્ય સ્થાપીને મહાત્માજીએ દર્શાવેલ સર્વોદયની પ્રતિષ્ઠા કરવાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં બે દાયકાઓથી સત્તાનાં સૂત્રો એકધારાં સંભાળનાર આપણા રાજ્યકર્તા-પક્ષે જે નિષ્ક્રિયતા અને અદૂરદર્શિતા બતાવી છે અને જે કારમી નાકામિયાબી હાંસલ કરી છે, એને લીધે આપણો સ્વરાજ્ય-પ્રાપ્તિનો આનંદ અને ગર્વ ગળી જાય છે, અને આપણા દેશમાં આપણું રાજ્ય' એ સૂત્રનો રસ ફીકો થઈ જાય છે.
આમ કેમ થયું? આઝાદ હિંદુસ્તાન આબાદ થવું તો દૂર રહ્યું, એ દિશામાં થોડાં પગલાં પણ વીસ-વીસ વર્ષ દરમ્યાન કેમ ન ભરી શકાયાં? પ્રજા પાસેથી કરવેરારૂપે અને પરદેશમાંથી મળેલાં સહાય અને ધીરાણરૂપે, આંકડો સાંભળતાં ય હૈયું થંભી જાય, ગણ્યા ગણી શકાય નહીં અને ક્યારેક તો સ્વતંત્ર દેશ કંઈક જુદા રૂપમાં કયાંક પરાધીન ન બની જાય કે ગિરો મુકાઈ ન જાય એવો ભય લાગે એટલાં અઢળક નાણાંનો અનેક જંગી યોજનામાં વ્યય કર્યા છતાં, આપણે હજી પણ ગરીબ, પરદેશી સહાયના માગણ અને અન્ન જેવી જીવનની પહેલામાં પહેલી જરૂરિયાતમાં પણ ઓશિયાળા કેમ રહ્યા? દેશમાંથી ન્યાયનીતિ, પ્રામાણિકતા અને સચ્ચાઈ પગ કરીને કયાં ચાલી ગઈ? ભલા-ભોળા સામાન્ય માનવીનો તો ગજ ન વાગે એ રીતે સમગ્ર સરકારી તંત્ર લાંચરુશવત અને લાગવગની બેહદ બદીથી કેમ ઊભરાઈ ગયું? સ્વાતંત્ર્ય પછીના સુરાજ્યની આપણી મનોહર કલ્પના જ રોળાઈ ગઈ છે !
ઉપર સૂચવ્યા એવા એક-એકથી ચડિયાતા પાર વગરના સવાલો ગાંધીના આ દેશમાં ઊભા થવાનું પાયાનું કારણ શું?
મહાત્મા ગાંધીજીએ આપણને બંધનમાંથી મુક્તિ મેળવવાની જે પ્રેરણા આપી હતી, એનો ધ્રુવતારક હતો દેશમાં સર્વોદયની સ્થાપનાનો. એ દિશામાં આપણે કેટલો નકકર પગલાં ભર્યા એનો વિચાર કરતાં ચિત્ર કંઈ બહુ આહ્લાદક નથી લાગતું.
આજે ય જેના માથે ગરીબી પડેલી છે, એને માથે શાં-શાં વીતકો વીતી રહ્યાં છે, એ તો એ જ જાણે ! હજી ય એ જર્જરિત ઝૂંપડાં, એમાંનાં ભૂખે મરતાં કે અર્ધભૂખ્યાં રહેતાં ચીંથરેહાલ માનવીઓ અને એકંદરે નિર્બળ અને રોગિષ્ઠ દેશવાસીઓ, જાણે દેશમાં પ્રજાસત્તાક સ્વરાજ્યની સ્થાપનાનો જ ઈન્કાર ભણી રહ્યાં છે, અને આપણે નિશદિન જેનું રટણ કરતા રહીએ છીએ તે સર્વોદય તો જાણે ઝાંઝવાનાં નીર જેવો છેતરામણો બનતો જાય છે.
જેના હાથમાં અત્યારે દેશની સત્તાનાં સૂત્રો છે એ આપણો રાજકર્તા-પક્ષ જંગી યોજનાઓ ઘડવામાં અને મોટી-મોટી ઈમારતો કે વિરાટકાય બીજાં બાંધકામો કરવામાં જેટલો રસ ધરાવે છે, એટલો રસ દેશવાસીઓનાં હૃદય સુધી પહોંચીને એમની મુસીબતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org