________________
૪૦૩
સામાજિક સુધારો અને વિકાસ: ૫ રાજકારણનો ઝીણવટભર્યો અભ્યાસ કરીએ તો એના ડોળાણમાં પણ મુખ્ય ભાગ સંગ્રહવૃત્તિ જ ભજવે છે. એક રાષ્ટ્રની સંગ્રહ-લાલસા એટલી હદે આગળ વધી જાય છે કે એના દુષ્પરિણામરૂપે બીજા દેશો આખા ને આખા તારાજ અને ભૂખડીબારશ જેવા બેહાલ બની જાય છે; અને છતાં જ્યારે એ રાક્ષસી મહત્ત્વકાંક્ષાનું પેટ ભરાતું. નથી ત્યારે એ ભયંકર અસંતોષ વિશ્વસંગ્રામના લાવારસને ઉછાળીને આખી દુનિયાને સંતપ્ત કરી “ત્રાહિ મામ્' (મને બચાવો) પોકારાવે છે.
આજની દુનિયામાં, દેશમાં, સમાજમાં જ્યાં પણ નજર નાખીએ, ત્યાં આર્થિક દૃષ્ટિએ સમતળ ભૂમિનાં દર્શન લગભગ દુર્લભ જેવાં બની ગયાં છે; કોઈક સ્થળે ધનના ઢગ જામી ગયા છે તો કયાંક કંગાલિયતની ઊંડી ખાઈઓ ખોદાઈ ગઈ છે, અને હજુ પણ વધુ ને વધુ ઊંડી ખોદાઈ રહી છે. આ જ ક્રમ જો ચાલુ રહ્યો, તો દુનિયામાં દીનતા-દરિદ્રતાના પાયા ઉપર સોનાના સિંહાસનો મંડાઈ જવાનાં, અને એ સિંહાસનો ઉપર મૂઠીભર માનવીઓ બિરાજીને પોતાની નીચે અગણિત માનવ-સમૂહોને કચડી નાખશે એવો ભય સહેજે મનમાં ઊગી આવે છે. પણ કુદરત હંમેશાં માનવીની ચાલે જ ચાલ્યા કરે એવું બનતું નથી. એ નિયમ જાણે અત્યારે પોતાનો પરચો બતાવતો હોય એમ, ચારે કોર એ કંગાલ માનવતાનો એવો જબરો શોરબકોર મચી ગયો છે કે એને શ્રીમંતોની સ્વર્ગીય દુનિયા ન તો સગે કાને સાંભળી શકે છે કે ન તો જાગતે હૈયે એને ઉવેખી શકે છે. પોતાનાં સોનાના સિંહાસનો અસલામત હોવાનો એક અજબ ફફડાટ આજના શ્રીમંતોનાં હૈયાંને પણ સુખે સૂવા દેતો નથી. આમ એક બાજુ પેટપૂરતું અન કે તન ઢાંકવા પૂરતાં વસ્ત્ર મેળવવાં મુશ્કેલ બની ગયાં છે, તો બીજી બાજુ અઢળક ધન છતાં તલપૂર આંતરિક શાંતિ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. જરા દૂર ઊભા રહી, થોડીક વાર તટસ્થ બની આ અજબ વિષમતાના કારણનો વિચાર કરીએ. આનો જવાબ સ્પષ્ટ છે : આજનો માનવી કુદરતના એક મહાકાનૂનનો ભંગ કરવામાં એટલો બધો આગળ વધી ગયો છે કે એ ભંગમાંથી આવી અનેક વિષમતાઓ સિવાય બીજું કશું જ પેદા ન થઈ શકે. કુદરતનો આ મહાકાનૂન તે અપરિગ્રહવ્રત. જેવી માનવીની સંગ્રહખોરીએ માઝા મૂકી એવી મુસીબતોએ પણ માઝા મૂકી. અને જ્યારે પણ આપણે આ વિશ્વનિયમનો આદર કરવા લાગીશું, ત્યારે આપણે સાચા સુખનું દર્શન પામીશું. આપણા દૂરંદેશી મહાપુરુષોએ ઠેરઠેર અપરિગ્રહવ્રતનો ઉપદેશ કર્યો છે, એ વિનાકારણ નથી કર્યો. એની પાછળ વિશ્વનાં ઐશ્વર્ય અને દરિદ્રતાની સમતુલા જાળવી રાખવાની ભાવના છુપાયેલી છે. ઐશ્વર્યમાં વધારો થવા લાગ્યો, એટલે વગર કહ્યું સમજી લેવું કે દરિદ્રતામાં વધારો થવા લાગવાનો; અને એમ થયું, એટલે દુનિયામાં સમતુલાને બદલે વિષમતાની વિષવેલ પાંગર્યા વગર નહીં રહેવાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org