________________
૪૦૪
જિનમાર્ગનું જતના જે વાત વિશ્વને, દેશને કે બીજા સમાજોને લાગુ પડે છે, તે જૈન સમાજને પણ લાગુ પડે જ એ કહેવાની જરૂર ન હોય. અહીં ખાસ કહેવાનું એ છે કે જૈન સમાજના શ્રીમંત મહાનુભાવો પોતાથી આર્થિક રીતે નબળા સહધર્મીઓને આજે સાવ વીસરી ગયા છે, અને પોતાનો પૈસો જાણે પોતાની મનસ્વી વૃત્તિ મુજબ વાપરવા માટે જ પોતાને મળ્યો હોય એ રીતે તેઓ સામાજિક કે ધાર્મિક ક્ષેત્રોમાં વર્તવા લાગ્યા છે. અમને પોતાને આ સ્થિતિ ગરીબો માટે તો ગેરલાભવાળી લાગે જ છે; પણ ખરી રીતે, લાંબે ગાળે એ શ્રીમંતોને પોતાને પણ નુકસાન કરનારી નીવડવાની છે એમ સ્પષ્ટ ભાસે છે. તેથી અમે તેમને કહીએ છીએ કે તમારા ભાગ્યબળે કે તમારી આવડત-હોશિયારીના જોરે ભલે તમે અઢળક સંપત્તિના સ્વામી બન્યા હો, પણ એનો ઉપયોગ તમારા ભાઈઓ માટે કરશો, તો જ એ સ્વામીપણું શોભવાનું છે અને સલામત રહેવાનું છે. આપણા દરેકે દરેક શ્રીમંત મહાનુભાવે શ્રી વિનોબા ભાવેના નીચેના શબ્દો પોતાના અંતરમાં કોતરી રાખીને એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ :
મારી મા મને બાળપણમાં કહેતી કે જો કોઈ માગવા આવે તો જરા પણ વિચાર ન કરતાં આપી જ દેવું. તે કહેતી હતી કે જે દે છે તે દેવ બને છે અને જે રાખી મૂકે છે તે રાક્ષસ બને છે. આ વાત આપણને બધા સંતોએ પણ સમજાવી છે. તેમણે આપણને એ સમજાવ્યું કે આપતા જાઓ તો મળતું જશે. મેઘ વરસાદ વરસાવે છે તો સમુદ્રથી તેને ફરી પાછો મળે જ છે. સમુદ્ર મેઘને આપે છે અને મેઘ સમુદ્રને આપે છે. આ પ્રમાણે એકબીજાને આપતા રહે છે તો સૃષ્ટિનો ક્રમ સુંદર ચાલે છે. ફૂટબોલની રમતમાં સામેવાળો લાત મારી દડો મારી તરફ મોકલે છે અને મારી પાસે દડો આવ્યો તો હું લાત મારી તરત જ બીજાની પાસે મોકલું છું. પરંતુ એ રમતમાં પોતાની મેળે આવેલો દડો કોઈ પોતાની પાસે રાખી લે, તો બધો ખેલ ખતમ થઈ જાય. એ જ રીતે મેં તમને પૈસા આપ્યા તો તરત જ તમે તે બીજાને પહોંચાડો, બીજા તરત ત્રીજાને પહોંચાડે, આ રીતે સમાજમાં સંપત્તિનો ખેલ ચાલે છે તે સમાજ આનંદી અને સુખી થાય છે.” (“હરિજનબંધુ' તા. ૨૨-૧૨-૧૯૫૧)
શ્રી વિનોબાજીએ બહુ જ સૌમ્ય ભાષામાં અને ઘરગથ્થુ દાખલાઓ આપીને જે વાત સમજાવી છે અને સમાજને સુખી અને આનંદી બનાવવાનો કીમિયો બતાવ્યો છે તે આપણા શ્રીમંતોએ ખાસ ધ્યાન આપવા જેવો છે. આશા રાખીએ, તેઓ સમાજને સુખી અને આનંદી બનાવવાની પોતાની જવાબદારી સમજે, અને કાળબળ પોતાનો માર્ગ અખત્યાર કરે તે પહેલાં પોતાની લક્ષ્મીનો જનસમૂહના કલ્યાણ કાજે ઉપયોગ કરવા માંડે.
(તા. ૨૩-૨-૧૯૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org