________________
૩૦
(૫) આપણા તહેવારોમાં શિસ્તની સદંતર ખામી
જિનમાર્ગનું જતન
‘મુંબઈ સમાચાર’ના તા. ૨૨-૮-૧૯૫૫ના અંકમાં શ્રીમહેન્દ્ર દોશીના નામથી એક નાનો-સરખો લેખ છપાયો છે; તે જાણવા જેવો હોવાથી અહીં ઉદ્ધૃત કરીએ છીએ : “શ્રાવણ અને ભાદરવા મહિનામાં હિંદુઓ અને જૈનોના મુખ્ય ધાર્મિક તહેવારોનો સમાવેશ થયેલો છે. આ તહેવારો દરમિયાન ભક્તજનોનાં ટોળે-ટોળે ઊમટી પડે છે, અને સારા પ્રમાણમાં ગિરદી થાય છે. આ ગિરદી ઘણી વાર ગંભીર સ્વરૂપ પણ લે છે. એ વખતે ધક્કામુક્કી કરતો સ્ત્રીઓ અને પુરુષોનો અસ્ખલિત પ્રવાહ દર્શાનાર્થે અંદર જાય છે અને બહાર આવે છે. ચારે બાજુ કોલાહલ હોય છે. બાળકો અને સ્ત્રીઓ ભીંસાઈ જાય છે, અને અસંસ્કારી લોકો ગિરદીનો લાભ થઈ સ્ત્રીઓ સાથે અડપલાં પણ આવા સ્થળે કરે છે તેની કોઈ પરવા કરતું નથી. આમ શા માટે ? આપણા લોકોમાં આ દિવસો દરમિયાન શિસ્તપાલનની કેટલી જરૂર છે તેનો શું કોઈને ખ્યાલ આવતો નથી ? આપણા ધર્મગુરુઓ અને ધર્મસ્થાનોના વ્યવસ્થાપકો આ બાબતમાં શું કંઈ કરી શકે નહીં ? આપણાં લોકોને પોતાની ફરજનું ક્યારે ભાન થશે ? “બીજા ધર્મના ભક્તજનો તરફ નજર કરીએ તો જરૂર કંઈક શીખવા મળશે. ખ્રિસ્તી લોકોનાં દેવળો પ્રાર્થના માટે ચિક્કાર ભરાઈ જાય છે, અને જેઓ મોડા થાય છે તેઓ ચૂપચાપ પાછળ શાંત રીતે ઊભા રહે છે; તેઓ આગળ જવા પ્રયાસ કરતા નથી. ઇદને દિવસે લાખો મુસલમાનો આઝાદ-મેદાનમાં નમાજ પઢવા ભેગા થાય છે. કોઈના માર્ગદર્શન વિના તેઓ એક લાઇનમાં, જેમ આવતાં જાય છે તેમ બેસવા માંડે છે, અને જ્યારે લાખો માણસો એક સાથે મસ્તક નમાવી નમાજ પઢે છે, ત્યારે સંપૂર્ણ શાંતિ ફેલાઈ જાય છે. એટલો પણ ખ્યાલ ન આવે કે અહીં લાખ માણસ ભેગું થયું હશે !
“ઉ૫૨ના બે દાખલા આપીને ધર્મની જરા પણ નિંદા કરવાનો મારો હેતુ નથી. પણ આપણાં ધાર્મિક સ્થાનોમાં સંપૂર્ણ શાંતિ અને શિસ્તપાલનની કેટલી જરૂ૨ છે તે તરફ સર્વ ધર્મહિતેચ્છુઓનું ધ્યાન દોરવા નમ્ર પ્રયાસ છે. ચારે બાજુ કોલાહલ થતો હોય તો શું એકાગ્રતાપૂર્વક મનન થઈ શકે ? સમજુ શિક્ષિત-વર્ગ લોકોમાં આ પ્રશ્ન પર જાગૃતિ લાવવા અને નિવારણ કરવા નિશ્ચયપૂર્વક કંઈક પ્રયાસ કરે એવી નમ્ર વિનંતી છે.”
શ્રી મહેન્દ્ર દોશીએ કરેલી ફરિયાદ એટલી બધી પ્રત્યક્ષ અને સાચી છે કે એ માટે વિશેષ કહેવાની જરૂ૨ નથી. ધાંધલ, ઢૂંસાતૂંસી અને અવ્યવસ્થા – ગેરશિસ્તનાં આ અંગો આપણને એટલાં બધાં સહજ થઈ પડ્યાં છે, કે એમાં સુધારો કરવાની જાણે આપણને જરૂર જ લાગતી નથી ! છાણનો કીડો છાણમાં જ મોજ માણ્યા કરે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org