________________
૩૬૬
જિનમાર્ગનું જતન
જ્ઞાનમૂર્તિ મુનિવર્યશ્રી પુણ્યવિજ્યજી મહારાજ એ મુનિત્રિપુટીનો ફાળો અસાધારણ અને બેનમૂન કહી શકાય એવો હતો. ઉદાચિત્ત અને વત્સલ શ્રમણશ્રેષ્ઠોની આ ત્રિપુટીના પ્રેર્યા અન્ય અનેક મુનિવરો અને ગૃહસ્થ વિદ્વાનોની કીમતી સેવાનો લાભ પણ આ સંસ્થાને મળતો રહ્યો છે. આ મુનિ-ત્રિપુટીની એક વિશેષતા એ હતી કે તેઓ આ સંસ્થાનાં પ્રકાશનો આધુનિક સંશોધનકળાની દૃષ્ટિએ ઉત્તમ કોટિનાં અને આંતરરાષ્ટ્રીય ધોરણની કસોટીએ પણ ઉત્તમ પુરવાર થાય એ વાતનું જેમ ધ્યાન રાખતા હતા, તેમ આવાં પ્રકાશનો માટે સંસ્થાને નાણાસંબંધી મુશ્કેલીમાં મુકાવું ન પડે એનો પણ હંમેશાં ખ્યાલ રાખતા હતા.
આ સંસ્થાના ઉત્કર્ષમાં જેમ આ મુનિવરો, અન્ય મુનિવરો તથા ગૃહસ્થોનો મહત્ત્વનો ફાળો હતો, તેમ આ સંસ્થાનું ઉત્તમ રીતે સંચાલન થતું રહે અને સંસ્થાની પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો થતો રહે એ માટે આ સંસ્થાના સંચાલક-મહાનુભાવોની ધ્યેયલક્ષી, નિષ્ઠાભરી અને આત્મીયતાની લાગણીથી પ્રેરાયેલી કામગીરીનો ફાળો પણ કંઈ નાનો-સૂનો નથી. રથના બીજા ચક્રની જેમ તેઓએ પણ પોતાની સંસ્થાના ઉત્કર્ષ માટે ખૂબ મન દઈને કામ કર્યું છે અને એમ કરીને તેઓ શ્રીસંઘના અભિનંદન અને ધન્યવાદના અધિકારી બન્યા છે. જે સંસ્થાને ભાવનાશીલ અને નિષ્ઠાવાન કાર્યકરો મળતા રહે છે તે બડભાગી છે; અને એવી સંસ્થાઓ જ પ્રગતિ કરીને શ્રીસંઘ અને સમાજની સેવા બજાવી શકે છે. શ્રી જૈન આત્માનંદ સભા આવી જ ઉત્તમ સંસ્થા છે.
(તા. ૨૭-૯-૧૯૭૫)
(૧૨) યુગધર્મતત્પર ‘શ્રી પરમાર ક્ષત્રિય જૈનધર્મ
પ્રચારક સભા'
માનવીને માનવી બનાવવાનું કામ એ ધર્મનું જ છે; અથવા એમ કહી શકાય કે જે ધર્મસાધનામાં માનવમાત્રને આદરભર્યું સ્થાન છે અને જે ધર્મ માનવીનો તિરસ્કાર ક૨વાને બદલે એનામાં રહેલા દોષો કે દુર્ગુણોનો ખ્યાલ કરીને એમાંથી મુક્ત થવાનો માર્ગ સમજાવે છે તે જ સાચી ધર્મસાધના અને સાચો ધર્મ છે. જે ક્ષણે ધર્મમંદિરના દરવાજેથી માનવીને તિરસ્કાર કે જાકારો મળે છે, તે જ ક્ષણે ધર્મનો આત્મા ઘાયલ થાય છે. માનવીનો તિરસ્કાર એ ખરી રીતે અમુક વ્યક્તિનો નહીં, પણ ધર્મનો અને ધર્મભાવનાનો જ તિરસ્કાર બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org