________________
૩૬૪
જિનમાર્ગનું જતન
બનાવી દીધું છે; એટલું જ નહિ, એ કાર્યને તેઓ મન, વચન, કાયાથી પૂર્ણભાવે સમર્પિત પણ થઈ ગયા છે. આગમસૂત્રોના વિવિધ રૂપના પ્રકાશનમાં એમણે જે નવી દિશામાં ખેડાણ આરંભ્યું છે તે એ ધર્મગ્રંથોની ઉપયોગિતા તેમ જ ઉપકારકતામાં વધારો કરે એવું છે. હાલમાં તેઓ જૈનધર્મનાં બધાં ય આગમસૂત્રોનું ચાર અનુયોગોમાં પુનઃ સંકલન કરીને મુદ્રિત કરાવવાના વિશિષ્ટ પ્રકારના કાર્યની અંદર રોકાયેલા છે. આ કાર્યનો અર્થ એ છે કે બધા ય આગમોમાંથી (૧) ધર્મકથાનુયોગની સામગ્રી, (૨) દ્રવ્યાનુયોગની સામગ્રી, (૩) ચરણકરણાનુયોગની સામગ્રી તેમ જ (૪) ગણિતાનુયોગની સામગ્રીને જુદીજુદી સંગૃહીત તથા સંકલિત કરીને ચાર ખાસ ગ્રંથો રૂપે, દરેકના હિન્દી અનુવાદ સાથે, પ્રગટ કરવી, જેથી જે-તે અનુયોગની સામગ્રી વિદ્વાનોને તથા જિજ્ઞાસુઓને એક જ સ્થાને સુલભ થઈ શકે. આ ચાર અનુયોગમાંથી ગણિતાનુયોગનો સંકલન-ગ્રંથ, એના હિન્દી અનુવાદ સાથે છપાઈ ગયો છે. આ કાર્ય એમનામાં રહેલી વિશિષ્ટ આગમભક્તિ તેમ જ કાર્યસૂઝની કીર્તિગાથારૂપ બની રહે તેવું છે. અત્યારે તેઓ આ કાર્યમાં રોકાઈ ગયા છે અને બીજા વિદ્વાનોનો સરળતાપૂર્વક સાથ લે છે.
આ બાબતમાં એમની ખૂબ પ્રશંસા માગી લે એવી અને આદર્શ કહી શકાય એવી વિશેષતા એ છે કે તેઓ વિદ્વાનોની પૂરેપૂરી કદર કરે છે, તેમના પ્રત્યે ગુણગ્રાહક દૃષ્ટિ ધરાવે છે અને એમને ઉદારતાપૂર્વક, તેઓ રાજી થાય એવું પૂરેપૂરું મહેનતાણું પણ અપાવે છે. વિદ્વાનોને મહેનતાણું આપવામાં તેઓ કરકસર કે કૃપણતામાં જરા પણ માનતા નથી. આને લીધે તેમનું નાનું કે મોટું જે કંઈ કામ હોય તે વિદ્વાનો ઉલ્લાસપૂર્વક કરતા રહે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી એમને એક વાત ખટક્યા કરતી હતી કે આવડા મોટા અને આવા સુખી જૈનસંઘમાં અશક્ત, નિવૃત્ત, જરૂરિયાતવાળા અને પોતાની વિદ્યાઉપાસનાને ચાલુ રાખવા ઇચ્છતા વિદ્વાનો સુખ-સગવડપૂર્વક શાંતિથી રહી શકે એવું કોઈક શાંત, એકાંત આશ્રમ જેવું સ્થાન નથી. આ ખામીને દૂર કરવાનો એમના મનમાં સતત વિચાર આવ્યા કરતો હતો. જૈનસંઘને એ વાતની જાણ કરતાં આનંદ થાય છે, કે આ માટે અનુકૂળતા થતાં, તેઓશ્રીની મુખ્ય પ્રેરણાથી થોડાક વખત પહેલાં ગિરિરાજ આબુ (માઉન્ટ આબુ) ઉપર બસ-સ્ટેન્ડની નજીકમાં જ ‘શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર' નામે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનું સંચાલન શ્રી સાંડેરાવ સ્થાનકવાસી જૈનસંઘ હસ્તક રાખવામાં આવ્યું છે, અને એમાં નિવૃત્ત વિદ્વાનો, ધર્મતત્ત્વના જિજ્ઞાસુ ડૉક્ટર-વકીલ-ઇજનેર જેવા શિક્ષિત મહાનુભાવો તેમ જ જૈનધર્મસંબંધી માહિતી મેળવવા ઇચ્છતા જિજ્ઞાસુઓને કેવળ ભોજન સિવાયની રહેવા વગેરેની પૂરેપૂરી સગવડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેમ જ એમાં એક પુસ્તકાલય પણ શરૂ કરવાનું વિચારવામાં આવ્યું છે. આ પૂજ્ય મુનિરાજશ્રીની ઉદાર ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org